________________
શ્રી વિજય શાંતિસૂરિ મહારાજ
૨૦૫
હતું કે, “હવે કોઈ મારી પાસે આવશો નહિ. મારી પાસે હવે સમય બહુ ઓછો છે. એટલા સમયમાં મારે આત્મસાધનામાં લીન રહેવું છે. તમે સૌ જ્યાં હો ત્યાં શાંતિ નો જાપ કરજો.”
ત્યારપછી મહારાજશ્રી વિશેષપણે એકાન્તમાં રહેતા. એમની વૈયાવચ્ચ કરવા માટે એમના ભક્તોમાં ફૂલચંદભાઈ, શાંતિભાઈ ભગત, ચંપકભાઈ વગેરે રહેતા. છેલ્લે છેલ્લે મહારાજશ્રીને તાવ રહેતો અને શ્વાસ ચડતો હતો. એમ કરતાં વિ. સં. ૧૯૯૯માં તા. ૨૨-૯-૪૩ના રોજ રાત્રે ત્રણ વાગે ૐ શાંતિઃનો જાપ કરતાં કરતાં એમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ચારે બાજુ પ્રસરતાં સમગ્ર ભારતમાંથી જૈન-જૈનેતર ભક્તો આબુ આવી પહોંચ્યા. સૌની ઇચ્છાનુસાર મહારાજશ્રીના પાર્થિવ દેહને માંડોલી લઈ જવામાં આવ્યો અને ત્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. દાદાગુરુ શ્રી ધર્મવિજયજીની પવિત્ર જન્મભૂમિ અને સ્વર્ગવાસની ભૂમિ પૂ. શાંતિસૂરિના અંતિમ સંસ્કારથી વિશેષ પવિત્ર બની. માંડોલીનું ગુરુમંદિર એક રમણીય તીર્થભૂમિ બની ગયું.
શ્રી શાંતિસૂરિનાં જીવન અને ભાવનાને બિરદાવતાં ઘણાં બધાં ભક્તિગીતો એમની હયાતીમાં અને હયાતી પછી લખાયેલાં છે. એમાં સૌથી મહત્ત્વનાં ભક્તિગીતો તો સ્થાનકવાસી લીંબડી સંપ્રદાયના કવિવર્ય નાનચંદ્રજી મહારાજે લખ્યાં છે. સૌથી વધુ ગીતો એક ભક્ત કવિ શ્રી કિંકરદાસે લખ્યાં છે. તદુપરાંત સાધ્વી શ્રી વલ્લભાશ્રીજી, સાધ્વી શ્રી જ્ઞાનશ્રીજી, સાધ્વી શ્રી વિચક્ષણાશ્રીજી, સાધ્વી શ્રી રાજેન્દ્રશ્રીજી વગેરેએ પણ અંજલિકાવ્યો લખ્યાં છે. પંડિતા શ્રી હીરાકુંવરબહેને સંસ્કૃતમાં શ્લોકબદ્ધ સ્તુતિ રચી છે. ગુજરાતી, હિંદી ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ કેટલાંક અંજલિકાવ્યો લખાયાં છે. કિંકરદાસે લખેલી પંક્તિઓમાંથી નીચેની પંક્તિઓમાં મહારાજશ્રીના વ્યક્તિત્વનાં પાસાં વર્ણવાયાં છેઃ
નબીરા રાજવી આવ્યા, જીવનમાં ભેદ નવ લાગ્યા, સર્વને એક સરખાવ્યા, પ્રભો શાંતિસૂરીશ્વરજી. યુરોપિય, પારસી, રાજન, કરે છે કંઈકને પાવન; જપાવે ૐ અર્હમ્ પ્રભો શાંતિસૂરીશ્વરજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org