________________
શ્રી વિજય શાંતિસૂરિ મહારાજ
૨૦૩
ભોપાજીએ કહ્યું, “આપ મને બાધા આપશો એ બીકે હું સ્થાનક છોડી ભાગી ગયો, પરંતુ રાતે સ્થાનકના વીરદાદાએ મને સ્વપ્નમાં દર્શન આપ્યાં. મને કહ્યું કે ભોપાજી, બાબાજીએ આપણા સ્થાનકને પોતાના ચરણકમળથી પવિત્ર બનાવ્યું છે. આપણું બિટિયા ગામ પમ પવિત્ર થયું છે. હવે બકરાનો વધ કરીને આ સ્થાનકને અપવિત્ર ન કરાય. માટે મારી આજ્ઞા છે કે હવેથી તારે અહીં વધ કરીને મને ધરાવવો નહિ. આમ વીરદાદાએ મને આજ્ઞા કરી. વળી સ્વપ્નમાં આપે પણ મને દર્શન આપ્યાં અને જીવવધ બંધ કરવા કહ્યું. એટલે હું એ માટે આપની પાસે પ્રતિજ્ઞા લેવા આવ્યો છું.”
મહારાજશ્રીએ ભોપાજી પાસે હવેથી બકરાનો બલિ ન ધરાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી. જાણે ચમત્કાર જેવી બનેલી આ ઘટનાથી ત્યાં બેઠેલા બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
આ પ્રસંગે મહારાજશ્રીએ વકલી અને તખતગઢના સંઘના પ્રતિનિધિઓને બોલાવીને ભલામણ કરી કે વીરના સ્થાનકમાં કબૂતરોને રોજેરોજ દાણા નાખવાની વ્યવસ્થા કરવામાં આવે. તે પ્રમાણે કાયમની વ્યવસ્થા કરવામાં આવી.
સંવત ૧૯૯૪માં મહારાજશ્રી આબુમાં દેલવાડામાં બિરાજમાન હતા ત્યારે માંડોલીના આગેવાનો તેમની પાસે માંડોલી પધારવા માટે વિનંતી કરવા આવ્યા. માંડોલી એટલે દાદાગુરુ શ્રી ધર્મવિજયજીનું જન્મસ્થાન અને સ્વર્ગવાસનું સ્થાન. ત્યાં માંડોલીના સંઘના આગેવાનો દાદાગુરુની પ્રતિમાનું સ્થાપન કરવા ઇચ્છતા હતા. મહારાજશ્રી આબુમાં રોકાયેલા હોવા છતાં દાદાગુરુની પ્રતિમાની વાત આવી એટલે વિનંતીનો સ્વીકાર કરી તેઓ માંડોલી પધાર્યા હતા. પ્રતિષ્ઠાનો કાર્યક્રમ મહારાજશ્રીની નિશ્રામાં ભવ્ય રીતે ઊજવાઈ ગયો અને ગામના સંઘમાં બે તડાં હતાં તેનું પણ મહારાજશ્રીએ સમાધાન કરાવી આપ્યું.
માંડોલીમાં કેટલોક સમય રહ્યા પછી મહારાજશ્રી વિહાર કરી શિયાણા ગામે ગયા. ત્યાંથી તેઓ પોતાના વતન મણાદર પધાર્યા. દીક્ષા લેતાં પહેલાં આઠ વર્ષની વયે મણાદરા ગામ છોડ્યું હતું તે પછી તેઓ સં. ૧૯૯૫માં પહેલી વાર ત્યાં પધાર્યા હતા. એટલે તેમનું સામૈયું કરવા આખું ગામ ઊમટ્યું હતું. તેમના પિતાજી હયાત નહોતા. પરંતુ માતા હયાત હતાં. માતા-પુત્રનું ઘણાં વર્ષે મિલન થયું. તેમની માતાનો હર્ષ તો પુત્રરત્નને જોઈને માતો નહોતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org