________________
૨૦૨
પ્રભાવક સ્થવિરો
વિ. સં. ૧૯૯૪માં મહારાજશ્રી જોધપુર રાજ્યના તખતગઢ ગામમાં પધાર્યા હતા. તે વખતે સંઘના આગેવાનોએ પાસેના બિટિયા નામના ગામમાં બકરાઓનો વધ થાય છે તેની વાત કરી. એટલે મહારાજશ્રી તખટગઢથી બિટિયા પધાર્યા.
બિટિયામાં એક વીરનું સ્થાનક છે. ભોપાજી નામનો એક જબરો ભૂવો તેનો પૂજારી હતો. સ્થાનકમાં દર વર્ષે ૫૦૦ બકરાઓનો બલિ તરીકે વધ કરવામાં આવતો હતો. બકરાનો વધ કરવાનું બધું કામ ભોપાજી કરતો હતો. આ જીવવધ બંધ કરાવવા માટે તખતગઢ, વોંકલી, ગૂઢાબાલોતરા વગેરે ગામના અહિંસાપ્રેમી જૈનોએ ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેમાં તેઓને જરા પણ સફળતા મળી નહોતી.
મહારાજશ્રીએ જ્યારે આ વાત જાણી ત્યારે પોતે જાતે જ જવાનું નક્કી કર્યું. તેમનું નામ “દેવાંશી સંત' તરીકે, ચમત્કારિક મહાત્મા તરીકે જાણીતું થઈ ગયું હતું. તેઓ નાનાં નાનાં ગામડાંઓમાં વિચરતા હોય તો ત્યાં પણ કેટલાયે રાજવીઓ અને યુરોપિયનો એમને વંદન કરવા આવતા. તેઓ બિટિયા પધારવાના છે એવી ખબર પડતાં ભોપાજીએ વિચાર્યું કે, “મહારાજશ્રી જરૂર મને વધ ન કરવાનો ઉપદેશ આપશે અને એમની સામે મારાથી કશું બોલાશે નહિ' આથી ભોપાજી બિટિયા ગામ છોડીને નાસી ગયો.
મહારાજશ્રી બિટિયા પધાર્યા, પૂજારી ભોપાજીની એમણે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ભોપાજી તો ગામ છોડીને નાસી ગયો છે. હવે કોને ઉપદેશ આપવો? પણ શું એથી મહારાજશ્રીનો ફેરો નિષ્ફળ જશે ?
ચારેક દિવસ પછી એક ચમત્કારિક ઘટના બની. મહારાજશ્રી વોંકલીમાં કેટલાક વિદેશી ભક્તો સાથે ધર્મચર્ચા કરી રહ્યા હતા ત્યાં એક મેલો ઘેલો માણસ આવી પહોંચ્યો. એણે કહ્યું, ‘બાબાજી, પાય લાગું છું.” મહારાજશ્રીએ પૂછ્યું, “કોણ છે ભાઈ તું ?'
આગંતુકે કહ્યું, “બાબાજી ! હું ભોપાજી. મને માફ કરો. હું હવેથી જીવવધ નહિ કરું.'
મહારાજશ્રીએ એને પાસે બેસાડી વાત્સલ્યભાવથી બધી વાત પૂછી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org