________________
૮૪
પ્રભાવક સ્થવિરો
સ્વામી પાસે આવ્યા. પરંતુ ધારશી દીક્ષા લેવા માટે હવે મક્કમ હતો. તેથી પિતા ક્રોધે ભરાયા. પોતાની પાસેની ચલમના અંગારા ધારશીના મોઢા પર નાખ્યા, પરંતુ ધારશી સ્વસ્થ અને શાંત બેસી રહ્યો. છેવટે પિતાનું હૃદયપરિવર્તન થયું. તેમણે દીક્ષા માટે સંમતિ આપી. ધારશીને વ્રજપાળ સ્વામીના હાથે દીક્ષા વિ. સં. ૧૯૫૭માં સત્તર વર્ષની વયે અપાઈ. કાનજી સ્વામીના શિષ્ય તરીકે તે જાહેર થયા. ધારશીમાંથી તે “ધર્મસિંહ સ્વામી’ બન્યા.
મુનિ ધર્મસિંહ સ્વામીએ શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. તેમની બુદ્ધિપ્રતિભા તેજસ્વી હતી અને ધર્મતત્ત્વની ઝંખના ઊંડી અને અદમ્ય હતી. ક્રમે ક્રમે પોતાની મેળે વધુ શાસ્ત્રાભ્યાસ કરી શકે એવી શક્તિ તેમનામાં પ્રગટ થઈ. શાસ્ત્રાભ્યાસ માટે ભાષાજ્ઞાન, વ્યાકરણ, ન્યાય વગેરેનો અભ્યાસ આવશ્યક ગણાય. ધર્મસિંહ સ્વામીએ પોતાની હૈયાસૂઝથી કેટલુંક જ્ઞાન મેળવ્યું. પરંતુ જોયું કે આગમોના તથા વ્યાકરણ અને ન્યાયના સ્વતંત્ર અભ્યાસને ગુરુમહારાજ તરફથી બહુ પ્રોત્સાહન મળતું નહિ, તેનાં કેટલાંક કારણો હતાં.
સંપ્રદાયને અમાન્ય એવા મૂર્તિપૂજાના સંદર્ભવાળા ગ્રંથો વાંચવાની શિષ્યોને અનુજ્ઞા ન મળે. માન્ય ગ્રંથોને આધારે વ્યાખ્યાન વંચાય. સં. ૧૯૫૮માં ભુજના ચાતુર્માસ દરમિયાન “સૂયગડાંગ”નું વાચન ચાલતું હતું. સ્વામી એ વાંચતા હતા. જિનપ્રતિમા દ્વારા આદ્રકુમારના પ્રતિબોધનો પ્રસંગ હતો. એમાં પોથી અને ગુરુમહારાજના વ્યાખ્યાનમાં ધર્મસિંહ સ્વામીને ફરક જણાયો. શંકા થતાં ચિત્ત મનોમંથને ચડ્યું. ગુરુમહારાજ સાથે ઘણી દલીલો થઈ, પણ સંતોષ ન થયો. “અમારા ગુરુમહારાજ જે કહી ગયા તે શું ખોટું કહી ગયા ? ગુરુમહારાજ કહે એ જ સાચું. બીજો કશો વિચાર કરવાનો જ ન હોય.” આવો આદેશ ધર્મસિંહ મુનિને પોતાના ગુરુમહારાજ તરફથી મળતો. પોતાના થોડા વાંચન અને તર્કથી જ કેટલીક બાબતો સ્પષ્ટ થતી હોય તો વિશેષ અભ્યાસથી કેમ ન થાય ? ધર્મસિહ મુનિને લાગ્યું કે જૈન શાસ્ત્રોનો શુદ્ધ, વ્યવસ્થિત અને સાંગોપાંગ અભ્યાસ કરવો હોય તો અર્ધમાગધી ઉપરાંત સંસ્કૃત ભાષા, વ્યાકરણ અને ન્યાયના અભ્યાસની બહુ જરૂર છે. પોતાને એ પ્રમાણે અભ્યાસ કરવાની તાલાવેલી લાગી.
એવામાં અંજારમાં એક દિવસ એમને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પોતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org