________________
શ્રી વિજય શાંતિસૂરિ મહારાજ
૧૮૫
ગામોમાંથી મહારાજશ્રીનાં દર્શન કરવા માટે અનેક લોકો આવી પહોંચ્યા. મહારાજશ્રીની પધરામણી પછી અને જિનમંદિરના નિર્માણ પછી સેદાણી ગામની જાહોજલાલી દિવસે દિવસે વધતી ચાલી.
મહારાજશ્રીએ જ્યારે સેદાણી ગામથી વિહાર કર્યો ત્યારે ગામના બધા જ માણસો અને આસપાસનાં ગામોના કેટલાય માણસો તેમને વિદાય આપવા માટે આવી પહોંચ્યા હતા.
ફેદાણીથી વિહાર કરીને મહારાજશ્રી પોતાના ગુરુમહારાજ શ્રી તીર્થવિજયજી પાસે માંડોલી આવી પહોંચ્યા. ઠીક ઠીક સમય પછી પોતાના ગુરુમહારાજને ફરીથી મળતાં શ્રી શાંતિવિજયજી મહારાજને અપાર હર્ષ થયો. બીજી બાજુ આટલા સમયગાળા દરમિયાન પોતાના શિષ્ય કરેલી સાધનાની વાતો તથા લોકો ઉપરના તેમના ચમત્કારિક પ્રભાવની વાતો ગુરુમહારાજે સાંભળી હતી. એટલે પોતાના શિષ્યને મળતાં ગુરુમહારાજે પણ ધન્યતા અનુભવી.
માંડોલીમાં ગુરુ-શિષ્ય પોતાના સાધુ-સમુદાય સાથે કેટલોક સમય સ્થિરતા કરી. શ્રી શાંતિવિજયજીના વ્યાખ્યાનનો પ્રભાવ લોકો ઉપર ઘણો પડતો. જિનભક્તિ માટે લોકોનો ઉત્સાહ વધતો જતો હતો. જેનો ઉપરાંત રાયકાઓ અને બીજા લોકો પણ વ્યાખ્યાનમાં આવતા.
માંડોલી એક નાનું સરખું ગામ છે. રાજસ્થાનના એ પ્રદેશમાં એ દિવસોમાં ચોર-લૂંટારુઓનો ભય ઘણો રહેતો. આથી માંડોલીના ગ્રામજનોએ ગુરુમહારાજને વિનંતી કરી કે, “ચોર-લૂંટારુઓનો ઉપદ્રવ બંધ થાય એ માટે કંઈક કરો.”
ગુરુ મહારાજે કહ્યું કે, “આ કામમાં મારા કરતાં શાંતિવિજયજી મહારાજ તમને વધુ સહાય કરશે.'
ગ્રામજનોએ શ્રી શાંતિવિજયજી મહારાજને વિનંતી કરી. મહારાજશ્રીએ કહ્યું કે, “ભાઈઓ, જાઓ મારું વચન છે કે આજથી હવે માંડોલી ગામમાં ચોર-લૂંટારુઓનો કોઈ ડર નહિ રહે. માંડોલીની સીમમાં દાખલ થવાની હવેથી કોઈ હિંમત નહિ કરે. એ માટે તમે નિશ્ચિત અને નિર્ભય રહેજો. તમે સૌ પ્રભુભક્તિમાં લાગી જજો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org