________________
૧૯૪
પ્રભાવક સ્થવિરો
પકડીને તેને ઝેરનું ઇન્જેક્શન આપીને મારી નાખવામાં આવતાં હતાં તે પણ ન કરવામાં આવે એવો હુકમ મહારાજશ્રીની ભલામણથી કાઢવામાં આવ્યો હતો. વળી આબુ પર્વત ઉપર પશુઓ માટેની એક ઇસ્પિતાલ સર ઓગિલ્વેએ શરૂ કરાવી અને તેનો વહીવટ સંભાળવા માટે મિસિસ રાઈટ નામની એક અંગ્રેજ મહિલાની નિમણૂંક કરવામાં આવી હતી. મહારાજશ્રીનો પ્રભાવ કેટલો બધો હતો તે આવી ઘટનાઓ ઉપરથી જોઈ શકાય છે.
કેસરિયાજી તીર્થ અત્યંત પ્રાચીન છે. પરંતુ મેવાડની ભૂમિમાં ડુંગરો અને જંગલો વચ્ચે આવેલા એ તીર્થ માટે વારંવાર વિવાદ રહ્યા કર્યો છે. કેસરિયાજી તીર્થના આદીશ્વર દાદાના ચમત્કારિક પ્રભાવનો અનુભવ જૈન-જૈનેતર એવા અનેક લોકોને સેંકડો વર્ષોથી થતો આવ્યો છે. આ વિસ્તારમાં જ્યારે જૈનોની વસ્તી બિલકુલ રહી નહોતી ત્યારે કેસરિયાજી દાદાનાં દર્શને આસપાસના ભીલ વગેરે આદિવાસી લોકો આવતા રહ્યા હતા. આદીશ્વર ભગવાનનાં પ્રતિમાજીની નવાંગી પૂજા કરવાને બદલે જમણા પગના અંગૂઠે વાટકી ભરેલું કેસર રેડવાનો આદિવાસીઓમાં રિવાજ પડી ગયો હતો અને એથી આ તીર્થના ભગવાનને લોકો કેસરિયાજી દાદા તરીકે ઓળખવા લાગ્યા હતા. આમ સૈકાઓથી જૈનો અને હિન્દુઓ આ મંદિરમાં ઋષભદેવ ભગવાનની પૂજા કરતા રહ્યા હોવાથી આ મંદિર તે કોનું ?−એવો વિવાદ વારંવાર થયા કર્યો છે. વળી જેનોમાં પણ આ મંદિર તે શ્વેતમ્બરોનું કે દિગમ્બરોનું એ વિશે પણ કેટલીય વાર વિવાદ થયા કરેલો.
ગુરુદેવ શ્રી શાંતિસૂરિ મહારાજ સાહેબના વખતમાં પણ આ તીર્થ અંગે વિવાદ ઊભો થયો હતો. આ તીર્થમાં વૈષ્ણવ યાત્રિકો વધુ પ્રમાણમાં આવતા હોવાને કારણે પંડાઓની વસ્તી પણ વધતી ગઈ હતી અને મંદિરમાં પણ જિનપૂજામાં કેટલીક વૈષ્ણવ રીતિઓ દાખલ થઈ ગયેલી હતી.
ભારતની સ્વતંત્રતા પૂર્વે આ તીર્થ મેવાડ રાજ્યમાં આવેલું હતું. એથી એના ઉપર ઉદયપુરના મહારાણાની હકૂમત ચાલતી. મહારાણા પોતે હિન્દુ હતા, એટલે જૈનોને આ મંદિરની બાબતમાં પૂરો ન્યાય મળતો નહિ અને વૈષ્ણવો તરફથી કનડગત થતી. રાજ્ય તરફથી પણ વૈષ્ણવો તરફ પક્ષપાત દર્શાવાતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org