________________
૧૯૬
પ્રભાવક સ્થવિરો
મહારાજશ્રી મેવાડમાં કેવી રીતે દાખલ થયા એ બહુ આશ્ચર્ય ઉપજાવે એવી સમસ્યા બની ગઈ.
પોલીસ ચોકીદારોએ બે જૈન સાધુઓની ધરપકડ કરી હતી, પરંતુ તેઓ વિજયશાંતિસૂરિ નથી એની પાકી ખાતરી થતાં તેમને છોડી દેવામાં આવ્યા
હતા.
મદાર ગામમાં આવીને મહારાજશ્રી વરધીચંદ તલેસરા નામના એક શ્રાવકના ઘરે ઊતર્યા હતા. એમના આગમનના સમાચારની જાણ થતાં આસપાસનાં ગામોમાંથી હજારો લોકો એમનાં દર્શન કરવા માટે આવી પહોંચ્યા. દીવાન સુખદેવપ્રસાદ પણ મહારાજશ્રી પાસે આવી પહોંચ્યા. ચૌદશના દિવસથી મહારાજશ્રી ઉપવાસ કરવાના હતા. સુખદેવપ્રસાદ મહારાજશ્રીની પ્રશાંત મુખમુદ્રા અને એમના પ્રત્યેનો લોકોનો ભક્તિભાવ જોઈ ચકિત થઈ ગયા હતા. દીવાને મહારાજશ્રીને વિનંતી કરી કે, ‘મને બે દિવસનો સમય આપો. એ દરમિયાન હું સમાધાનના પ્રયાસો કરીશ.' દીવાનની વિનંતી સાંભળી મહારાજશ્રીએ કહ્યું, ‘જાહેરાત અનુસાર હું ઉપવાસ ચાલુ કરીશ, પરંતુ તમારી વિનંતીને માન આપી બે દિવસ હું ફક્ત છાશ લઈશ. બીજો કોઈ આહાર નહિ લઉં; પરંતુ જો બે દિવસમાં કશું જ પરિણામ આવ્યું નહિ તો ત્રીજે દિવસે મારા ઉપવાસ પાછા ચાલુ થઈ જશે.’
પરંતુ બે દિવસમાં કશું જ પરિણામ આવ્યું નહિ. એટલે મહારાજશ્રીએ ઉપવાસ ચાલુ કરી દીધા. એ સમાચારને ઘણાં છાપાંઓમાં પ્રસિદ્ધિ મળી. એથી મેવાડના મહારાણા ઉપર દબાણ વધતું ગયું.
ઉપવાસ ઉપર ઉપવાસ થવા લાગ્યા. રોજેરોજ આસપાસનાં ગામોમાંથી હજારો માણસો ચાલતાં આવવા લાગ્યાં. વ્યાખ્યાનમાં મહારાજશ્રી એ ગામવાસીઓને દારૂ, માંસ, જુગાર, ગાંજો વગેરે છોડવાનો ઉપદેશ આપતા. લોકો તે માટે એમની પાસે પ્રતિજ્ઞા લેતા. બાકીનો આખો દિવસ મહારાજશ્રી ‘ૐ શાંતિ'નો જાપ કરતા. એમ કરતાં લગભગ ૩૦ ઉપવાસ થઈ ગયા. પરિસ્થિતિ ચિંતાજનક બનવા લાગી. મહારાજશ્રી મદાર ગામથી વિહાર કરીને પાસે આવેલા દેવાલી ગામે ગયા.
.
દરમિયાન મેવાડના મહારાણા ભોપાલસિંહજીનું હૃદયપરિવર્તન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org