________________
શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ
૧૯૧
લોકોનો એક બહોળો અનુયાયી વર્ગ થયો હતો. મહારાજશ્રી પોતાની પાસે આવનાર દરેકને પ્રભુભક્તિ કરવા, ૐ શાંતિઃ નો જાપ કરવા તથા માંસાહાર, દારૂ, જુગાર, વ્યભિચાર, બીડી-સિગારેટ વગેરે ત્યજવા માટે ઉપદેશ આપતા.
સં. ૧૯૮૮માં મહારાજશ્રી જ્યારે આબુ દેલવાડાના ઉપાશ્રયમાં ચાતુર્માસ માટે બિરાજમાન હતા ત્યારે એમને એક એવો વિચાર આવ્યો કે ચાતુર્માસમાં નવરાત્રિના દિવસોમાં અને ખાસ તો દશેરાના દિવસે ક્ષત્રિય રાજકુટુંબોમાં માતાજીના મંદિરમાં પાડાનો, બકરાનો કે કુકડાનો વધ કરવાની જે પરંપરા જૂના વખતથી ચાલી આવી છે એથી સમગ્ર ભારતમાં ઘણી મોટી નિરર્થક હિંસા દર વર્ષે થાય છે. આથી મહારાજશ્રીએ પોતાની પાસે આવેલા કેટલાક રાજવીઓ સાથે આ હિંસા બંધ કરાવવા માટે વિચાર-વિનિમય કર્યો. તેનો એમને ઘણો સારો પ્રતિસાદ સાંપડ્યો. એટલે એમણે સમગ્ર ભારતમાં બધાં જ દેશી રાજ્યોને નવરાત્રિ અને દશેરાને દિવસે માતાજીના સ્થાનકમાં પશુબલિ ન ધરાવવા માટે અગાઉથી તાર કરવાનું નક્કી કર્યું. તે માટે ખર્ચ અને બીજી કાર્યવાહીની બધી વ્યવસ્થા થઈ ગઈ અને એ પ્રમાણે સમગ્ર ભારતમાં સેંકડો તાર મોકલવામાં આવ્યા.
અનેક રાજવીઓ મહારાજશ્રી પાસે આશીર્વાદ માટે અગાઉ આવી ગયા હતા. અને બીજા અનેક રાજવીઓએ કોઈક ને કોઈક મારફત મહારાજશ્રીનું પવિત્ર નામ સાંભળ્યું હતું. એટલે મહારાજશ્રીના આ પ્રસ્તાવને ચારે તરફથી સમર્થન સાંપડ્યું. જોધપુર, ઈન્દોર, જયપુર, ધરમપુર, સિરોહી, ભાવનગર, મૈસુર, ગ્વાલિયર, રાજપીપળા, દેવગઢબારીઆ, વાંસદા, રેવા, પાલિતાણા, મોરબી, વાંકાનેર, ધ્રાંગધ્રા, માંગરોળ, ચાણોદ, લુણાવાડા, છોટાઉદેપુર, પાટડી, માળિયા વગેરે ઘણાં બધાં રાજ્યોના તારથી જ જવાબ આવી ગયો કે પોતાના રાજ્યમાં નવરાત્રિમાં અને દશેરાના દિવસે હવેથી માતાજીને પશુનો બલિ ધરાવવામાં નહિ આવે. ક્ષત્રિય રજવાડી કુટુંબોની ધાર્મિક પરંપરામાં આવો ફેરફાર થવો તે એ જમાનામાં મોટું ક્રાંતિકારી પગલું હતું. પરંતુ મહારાજશ્રીની દિવ્ય પ્રતિભા એવી હતી કે એ બધાં રાજ્યોએ મહારાજશ્રીને હર્ષપૂર્વક સહકાર આપ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org