________________
૧૬૨
પ્રભાવક સ્થવિરો
પોતાના પિતાશ્રી તરફથી શત્રુંજયની તળેટીમાં બંધાઈ રહેલા દેરાસરની વાત કરી અને ત્યાં પ્રતિષ્ઠા કરાવવા માટે પધારવા પોતાના પિતાશ્રી વતી આગ્રહભરી વિનંતી કરી.
રાજસ્થાનમાંથી બંગાળમાં રહેવા ગયેલા ખરતરગચ્છના રાવબહાદુર ધનપતસિંહજીની માતા મહેતાબકુમારીની ભાવના શત્રુંજયની તળેટીમાં એક ભવ્ય જિનાલય બંધાવવાની હતી. એમના કુટુંબ તરફથી ગિરિરાજ ઉપર ‘ખરતરવસહિ’ નામનું જિનમંદિર અગાઉ બંધાવેલું હતું. પોતાની માતાની ભાવના અને ભલામણ અનુસાર બાબુ ધનપતસિંહજીએ વિ. સં. ૧૯૪૫માં ગિરિરાજની તળેટીમાં ખાતમુહૂર્ત કરીને જિનમંદિર બંધાવવાનું કાર્ય ચાલુ કર્યું હતું. ચાર વર્ષમાં તે પૂરું થઈ ગયું હતું. હવે ત્યાં મૂળનાયક તરીકે આદીશ્વર ભગવાનનાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવવાની હતી. મહારાજશ્રી જ્યારે સંઘ લઈને પાલિતાણા પધાર્યા હતા ત્યારે ધનપતસિંહજી અને તેમનાં પત્ની મેનાકુમારી પણ યાત્રાર્થે ત્યાં આવ્યાં હતાં. મહારાજશ્રી સિદ્ધાચલની યાત્રા કરીને ઘોઘા બાજુ વિહાર કરી રહ્યા હતા ત્યારે મેનાકુમારીએ સ્વપ્નમાં એક ઝળહળતી જ્યોતિ જોઈ હતી. એ જ્યોતિએ એવો આદેશ આપ્યો કે ‘તમારે દેરાસરની પ્રતિષ્ઠા મોહનલાલજી મહારાજના હાથે જ કરાવવી.' આ સ્વપ્નની વાત સાંભળીને ધનપતસિંહજીએ તરત પોતાના પુત્ર નરપતસિંહજીને મોહનલાલજી મહારાજ પાસે મોકલ્યા હતા. મહારાજશ્રીએ મેનાકુમારીના સ્વપ્નની વાત જાણીને તેમની વિનંતીનો સ્વીકાર કર્યો. ત્યાંથી તેઓ પાછા પાલિતાણા પધાર્યા. ત્યાં તેમણે યોગ્ય મુહૂર્ત કાઢી તળેટી પરના બાબુના દેરાસરમાં આદીશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા બહુ ધામધૂમપૂર્વક કરાવી હતી. [મોહનલાલજી મહારાજ કાળધર્મ પામ્યા ત્યારપછી સં. ૧૯૬૯માં તેમની મૂર્તિ આ દેરાસરના એક ગોખમાં પધરાવવામાં આવેલી છે.]
આત્મારામજી મહારાજને મોહનલાલજી મહારાજ પ્રત્યે કેટલો બધો આદરભાવ હતો તે અન્ય એક પ્રસંગથી પણ જાણી શકાય છે. અમેરિકાના શિકાગો શહેરમાં સર્વધર્મ પરિષદ માટે આત્મારામજી મહારાજને જ્યારે નિમંત્રણ મળ્યું ત્યારે પોતે જૈન સાધુ તરીકે જઈ શકે એમ નહોતા. એટલે એમણે પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org