________________
શ્રી મોહનલાલજી મહારાજ
૧૭૫
એમના કાળધર્મના સમાચાર ઝડપથી ભારતભરમાં પ્રસરી ગયા હતા અને અનેક સ્થળેથી શ્રદ્ધાંજલિના સંદેશાઓ આવ્યા હતા. - મોહનલાલજી મહારાજે પાલી, સિરોહી, સાદડી, જોધપુર, અજમેર, પાટણ, પાલનપુર, ફલોધી, અમદાવાદ, પાલિતાણા, સુરત, મુંબઈ વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યા હતાં. તેમાં કુલ છ જેટલાં ચાતુર્માસ સુરતમાં અને કુલ નવ જેટલાં ચાતુર્માસ મુંબઈમાં કર્યાં હતાં. એટલે મુંબઈ અને સુરતના જૈન સમાજ ઉપર તેમનો પ્રભાવ ઘણો વધુ રહ્યો હતો.
મોહનલાલજી મહારાજનું વ્યક્તિત્વ એટલું બધું આકર્ષક અને પ્રભાવશાળી હતું કે તે સમયના જુદાં જુદાં સ્થળોના લગભગ બધા જ સંઘોના શ્રીમંત શ્રેષ્ઠીઓ તેમના ઉપદેશાનુસાર ધન ખર્ચવા તત્પર રહેતા. તેઓ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં વિવિધ યોજનાઓ માટે ઘણી મોટી ઉછામણી થતી અને લાભ લેવા માટે શ્રીમંતોમાં પડાપડી થતી. એ જમાનાના ગુજરાત, રાજસ્થાન અને મુંબઈના શ્રેષ્ઠીઓમાં શ્રી લાલભાઈ દલપતભાઈ, બાબુસાહેબ બદ્રિદાસજી, બાબુ પન્નાલાલ પૂરણચંદ, બાબુ અમીચંદ પન્નાલાલ, દેવકરણ મૂળજી, પ્રેમચંદ રાયચંદ, નગીનદાસ કપૂરચંદ, નગીનચંદ ઘેલાભાઈ, નવલચંદ ઉમેદચંદ, ગોકુળચંદ મૂળચંદ, નગીનચંદ મંછુભાઈ, ધરમચંદ ઉદયચંદ, હીરાચંદ મોતીચંદ વગેરે શ્રેષ્ઠીઓએ વિવિધ પ્રકારનાં ધર્મકાર્યોમાં ઘણું મોટું આર્થિક યોગદાન આપ્યું હતું.
મોહનલાલજી મહારાજના ઉપદેશથી મુંબઈમાં, સુરતમાં અને બીજા કેટલાંય સ્થળોમાં વિવિધ પ્રકારનાં મહત્ત્વનાં કાર્યો થયાં હતાં. એમાં મુંબઈમાં બાબુ પન્નાલાલ પૂરણચંદ હાઈસ્કૂલ, ગોકુળભાઈ મૂળચંદ જૈન હોસ્ટેલ, જૈન ઘર્મશાળા, જેને ડિસ્પેન્સરી, મોહનલાલજી જૈન પાઠશાળા, મોહનલાલજી સેન્ટ્રલ લાઈબ્રેરી, સુરતમાં નેમુભાઈની વાડીનો ઉપાશ્રય, શેઠ નગીનચંદ ઘેલાભાઈ ઝવેરી જેન હાઈસ્કૂલ, જૈન બોર્ડિંગ, જૈન ઉદ્યોગશાળા, જૈન જ્ઞાનમંદિર, જૈન ઉપાશ્રય, જૈન ભોજનશાળા, જૈન કન્યાશાળા વગેરેની સ્થાપના થઈ હતી. પાલિતાણાના શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમ માટે પણ મહારાજશ્રીએ મુંબઈમાં મોટું ફંડ એકત્ર કરી આપ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org