________________
શ્રી વિજય શાંતિસૂરિ મહારાજ
૧૭૯
હતો. એમના મુખ્ય શિષ્યોમાં તીર્થવિજયજી હતા.
એક વખત મુનિશ્રી તીર્થવિજયજી મણાદરમાં પધાર્યા ત્યારથી સગતોજીને એમની પાસે રહેવાનો રંગ લાગ્યો હતો. તેઓ શ્રી તીર્થવિજયના મુનિજીવનથી બહુ પ્રભાવિત થઈ ગયા. એમની પાસેથી એમણે નવકાર મંત્ર શીખી લીધો. થોડા દિવસના સહવાસમાં એમણે મુનિશ્રીના જીવનમાંથી ઘણી પ્રેરણા મળી હતી.
તીર્થવિજયજી મહારાજ મણાદરથી વિહાર કરી ગયા, ત્યારપછી સગતોજી ફરી પાછા પોતાના પિતાની સાથે ગાયો ચરાવવા માટે સીમમાં જવા લાગ્યા, પરંતુ હવે તેમાં ફરક પડવા લાગ્યો. એકલા બેઠા બેઠા તેઓ જન્મમરણના, સંસારની ઘટનાઓના વિચારે ચડી જતા. ઘણી વાર તેઓ ઉદાસ રહેતા. માતાપિતા તેમને ઉદાસીનતાનું કારણ પૂછતાં તો તેઓ કહેતા કે, “મારી ઈચ્છા તો કાકાશ્રી તીર્થવિજયજી મહારાજ પાસે દીક્ષા લઈને જૈન મુનિ બનવાની છે.' માતાપિતાએ મુનિજીવનનાં કષ્ટો બતાવી તેમને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ સગતોજી દીક્ષા લેવા માટે મક્કમ જ રહ્યા. છેવટે એક દિવસ માતાપિતાએ અશ્રુભર્યા નયને સગતોજીને દીક્ષા લેવા માટે સંમતિ આપી. તીર્થવિજયજી મહારાજ જ્યારે ફરી મણાદર આવી પહોંચ્યા ત્યારે તેમણે સગતોજીને ઉગ્ર વિહાર, કઠિન તપશ્ચર્યા, સાધુજીવનની ક્રિયા-વિધિઓ, લુખ્ખો-સૂકો આહાર, માત્ર જરૂરી વસ્ત્રો અને ઉપકરણોથી ચલાવી લેવાની તૈયારી વગેરેથી માહિતગાર કર્યા અને સાધુજીવન કેટલું કઠિન છે તે સમજાવ્યું. પરંતુ સગતોજી તો દીક્ષા લેવા માટે અડગ હતા.
તીર્થવિજયજી મહારાજ કેટલીક વાર લાંબા વિહાર કરતા હતા. તેઓ ભારે તપસ્વી હતા. પર્યુષણના દિવસોમાં તેઓ કેટલીક વાર સળંગ સોળ ઉપવાસ કરતા. એમનાં વ્યાખ્યાનોમાં જૈન-જૈનેતર તમામ લોકો આવતા. આવા તપસ્વી મહાત્માઓનો વાસક્ષેપ લેવા માટે લોકો પડાપડી કરતા. એમના વાસક્ષેપથી પોતાને ઘણું સારું થયું હોય એવા અનુભવો અનેક લોકોને થતા. આથી તીર્થવિજયજી મહારાજના સાધુજીવનમાંથી કિશોર સગતોજીને મુગ્ધભાવે પ્રેરણા મળી હતી. એટલે ગૃહસ્થ જીવનમાં રહેવા કરતાં સાધુ થવાનો એમનો સંકલ્પ વધુ દઢ થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org