________________
શ્રી મોહનલાલજી મહારાજ
૧૭૩
તેમનું આરોગ્ય હંમેશાં સારું રહેવા લાગ્યું અને આખા કુટુંબની બહુ ઉન્નતિ થઈ.
મોહનલાલજી મહારાજના ચારિત્રનો પ્રભાવ એટલો બધો હતો કે આવી એક અજાણી વ્યક્તિ પણ તેમના પ્રભાવથી ઘણું સુખ પામી હતી.
વિ. સં. ૧૯૬૨ના ચાતુર્માસ મુંબઈમાં પૂરાં થયાં. મહારાજશ્રીની ભાવના મુંબઈથી વિહાર કરીને શત્રુંજય ગિરિરાજની તીર્થયાત્રા કરવાની હતી, પરંતુ હવે એમનું શરીર લથડ્યું હતું. ૭૯ વર્ષની જીવનયાત્રા પૂરી કરીને ૮૦માં વર્ષમાં તેઓ પ્રવેશી ચૂક્યા હતા. હવે મહારાજશ્રીનો અવાજ પણ મંદ પડી ગયો હતો. એમનું વ્યાખ્યાન બધા લોકોથી બરાબર સાંભળી શકાતું નહોતું. તેમ છતાં એમના વ્યાખ્યાનમાં ભારે ભીડ રહેતી, કારણ કે ઘણા લોકો તો માત્ર એમની અત્યંત પવિત્ર મુખમુદ્રાનાં દર્શન કરવાથી પણ ધન્યતા અનુભવતા
હતા.
મુંબઈના સંઘની ભાવના એવી હતી કે મહારાજશ્રીને મુંબઈમાં જ સ્થિરવાસ કરાવવો, કારણ કે કુલ નવ ચાતુર્માસ કરીને મુંબઈ ઉપર એમણે ઘણો મોટો ઉપકાર કર્યો હતો. હજુ એમની પ્રેરણાથી સંઘના અભ્યદય માટેની વિવિધ યોજનાઓનો અમલ કરવાની જરૂર હતી. પરંતુ મુંબઈથી વિહાર કરીને શત્રુંજય ગિરિરાજ તરફ જવાની મહારાજશ્રીની પ્રબળ ભાવનાને કારણે સંઘના આગેવાનો પણ વધુ આગ્રહ કરી શક્યા ન હતા.
મુંબઈથી વિહાર કરીને મહારાજશ્રી સુરત પધાર્યા, પરંતુ સુરતમાં તેમની તબિયત વધુ બગડી હતી. તેઓ ગોપીપુરાના ઉપાશ્રયમાં હતા. હવાફેર માટે તેમને સુરતમાં અઠવા લાઈન્સના વિસ્તારમાં લઈ જવામાં આવ્યા. પણ બહુ ફરક પડ્યો નહિ. એટલે છેવટે ગોપીપુરાના ઉપાશ્રયે આવીને ફરી પાછા સ્થિર થયા. શત્રુંજયની યાત્રાની હવે શક્યતા નહોતી એટલે લથડેલી તબિયતે પણ તેઓ ચૈત્રી પૂનમના દિવસે કતારગામમાં સિદ્ધાચલની ટૂક જેવા, શત્રુંજયની આકૃતિ જેવા જિનમંદિરની યાત્રા કરી આવ્યા હતા.
મહારાજશ્રી સ્વરોદયશાસ્ત્રના ઊંડા જાણકાર હતા. પોતાનો અંતિમકાળ નજીક આવી રહ્યો છે તે તેમણે જાણી લીધું હતું. તેઓ સતત આત્મોપયોગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org