________________
શ્રી મોહનલાલજી મહારાજ
૧૬૭
ગુરુ-મહારાજને કહેતા, “મહારાજજી, હું પંન્યાસ શ્રાવકો માટે છું, આપને માટે નહિ.” પરંતુ મહારાજશ્રી કહેતા કે, “સંઘે તમને જે પદવી આપી છે તેમાં મારી પણ સંમતિ છે. એટલે હું પણ તમને પંન્યાસજી કહીને બોલાવીશ.” પદની બાબતમાં મહારાજશ્રીની કેટલી બધી ઉદાર દૃષ્ટિ હતી! આદર્શ ગુરુ તે કે જે પોતાના કરતાં શિષ્યોની વધુ પ્રગતિ જોઈને રાજી થાય.
- સં. ૧૯૬૦ના મુંબઈના ચાતુર્માસ દરમિયાન વ્યાખ્યાનમાં વાંચવા માટે ગ્રંથની પસંદગી કરવાની હતી. તે વખતે સંઘના જિજ્ઞાસુ શ્રાવકોની આગ્રહભરી વિનંતીને માન આપીને મહારાજશ્રીએ ભગવતીસૂત્રનો ગ્રંથ વ્યાખ્યાન માટે પસંદ કર્યો હતો. આ આગમસૂત્રની ભૂતકાળમાં બહુમાનભરી શક્તિ કરનારા તરીકે શેઠ પેથડશાહનું નામ સુપ્રસિદ્ધ છે. ભગવતીસૂત્રની વાચના વખતે તેમાં જેટલી વાર ગોયમ (ગૌતમ) શબ્દ આવે તેટલી વાર તેનું સુવર્ણ મહોરથી પેથડશાહે પૂજન કર્યું હતું. તેની તોલે તો ન આવે પણ એની કંઈક ઝાંખી કરાવે એ રીતે મુંબઈના બે શ્રેષ્ઠીઓ શેઠશ્રી દેવકરણ મૂળજી અને શેઠશ્રી પ્રેમચંદ રાયચંદે ભગવતીસૂત્રના દર શતકે સોનાની ગીની મૂકીને તેનું પૂજન કર્યું હતું. શ્રી ભગવતીસૂત્રનો મહિમા અને મહારાજશ્રીનો પ્રભાવ કેટલો બધો હતો તે આ પ્રસંગ ઉપરથી જોઈ શકાય છે.
મુંબઈના શ્રેષ્ઠીઓને મોહનલાલજી મહારાજ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. તેઓ એમના વચનને આજ્ઞા તરીકે માનીને તે પ્રમાણે કાર્ય કરતા. આ શ્રેષ્ઠીઓમાંના એક તે પાટણના વતની બાબુ અમીચંદ પન્નાલાલ હતા. તેઓ મોટા ધનાઢ્ય હતા. તેઓ મુંબઈમાં વાલકેશ્વરમાં રહેતા હતા કે જ્યાં તે વખત કોઈ દેરાસર ન હતું. તેઓ ઝવેરી બજારમાં જતાં પહેલાં લાલબાગના દેરાસરે દર્શન કરતા અને મહારાજશ્રીને વંદન કરતા, પરંતુ એમનાં પત્ની કુંવરબાઈને દર્શન-પૂજાનો લાભ મળતો નહોતો. એટલા માટે વાલકેશ્વરની ટેકરી ઉપર, ચારે બાજુ મનોહર દશ્ય દેખાય એવું સ્થળ પસંદ કરીને ત્યાં એક નૂતન જિનમંદિરનું નિર્માણ કરવાની તેમની ભાવના હતી. મહારાજશ્રીની સૂચના અનુસાર મોકાની વિશાળ જગ્યા લઈને તેમણે મેઘમંડપવાળું શિખરબંધી ભવ્ય દેરાસર બંધાવવાનું કામ ચાલુ કરી દીધું હતું. આ વિશાળ જિનમંદિરમાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org