________________
શ્રી મોહનલાલજી મહારાજ
બીજા લોકોની વાડીઓમાં મુકામ કરીને તથા પોતાની સામાચા૨ીનું શુદ્ધ પાલન કરીને મુંબઈ બાજુ આવી રહ્યા હતા. ભીલાડ, બોરડી, ગોલવડ, દહાણુ, ચીંચણ, વાણગામ, બોઈસ૨, પાલઘર વગેરે સ્થળે જૈનેતર લોકોએ તેમના સ્વાગત માટે સારી તૈયારી કરી હતી. જ્યાં જ્યાં તેમણે મુકામ કર્યો અને વ્યાખ્યાન આપ્યું ત્યાં ત્યાં લોકો પ્રભાવિત થયા હતા. કેટલાકે જૈન ધર્મ અંગીકાર કરી મહારાજશ્રીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા અને પછીથી જ્યારે એમનો ફોટો મળ્યો ત્યારે તે મઢાવીને પોતાના ઘરમાં તેઓ રાખતા હતા.
મુંબઈ તરફ વિહાર માટે એ જમાનામાં એક સૌથી મહત્ત્વનો પ્રશ્ન તે વસઈ અને અન્ય સ્થળે રેલવેના પુલ ઓળંગવાનો હતો. અંગ્રેજોના એ અમલ દરમિયાન મુંબઈ અને અમદાવાદ તથા દિલ્હી વચ્ચે ચાલતી રેલવે બી. બી. એન્ડ સી. આઈ. (બૉમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા) રેલવે કંપનીની માલિકીની હતી. વસઈના લોખંડના પુલ ઉપર લોકોને ચાલવાની મનાઈ હતી. એટલે મહારાજશ્રીના વિહાર માટે રેલવેની પરવાનગી લેવી અનિવાર્ય હતી. એ દિવસોમાં આટલી એક પરવાનગી માટે પણ મુંબઈના સંઘને બી. બી. એન્ડ સી. આઈ. રેલવેના ગોરા અમલદારો સાથે ઘણો લાંબો પત્રવ્યવહાર થયો હતો. છેવટે રેલવે કંપનીએ મહારાજશ્રી અને અન્ય સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકાને વસઈના પુલ ઉપર પસાર થવાની પરવાનગી આપી હતી, જે એ જમાનાની દૃષ્ટિએ એક મહત્ત્વની એતિહાસિક ઘટના હતી. એટલા માટે એ દસ્તાવેજી પત્રવ્યવહાર એક પુસ્તકરૂપે પ્રગટ થયો હતો.
મહારાજશ્રીએ મુંબઈ નગરીમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે તેમના સ્વાગત માટે બહુ મોટા પાયા ઉપર તૈયારીઓ થઈ હતી. ઠેર ઠેર તેમના સામૈયામાં હીરા, મોતી, ચાંદી, ગીની વગેરે સાથે ગહુંલીઓ થઈ હતી. એ વખતે ભવ્ય મોટો વરઘોડો નીકળ્યો હતો. એ સમયે નજરે જોનારા લોકો કહેતા કે આટલો મોટો અને ભવ્ય વરઘોડો તો મુંબઈમાં બ્રિટિશ વાઇસરૉય રિપનના આગમન વખતે પણ નહોતો નીકળ્યો. આ અભૂતપૂર્વ વરઘોડામાં માત્ર જૈનો જ નહિ, ભાટિયા, લોહાણા વગેરે હિન્દુઓ, વહોરાઓ, ખોજાઓ, પારસીઓ અને અંગ્રેજો સુધ્ધાં સામેલ થયા હતા.
Jain Education International
૧૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org