________________
૧૫૨
પ્રભાવક સ્થવિરો
એક પ્રકારનો પૂજ્યભાવ રહ્યો હતો. તેઓ તેમના સતત સંપર્કમાં પણ રહેતા. આત્મારામજી મહારાજ સુરતમાં જ્યારે ચાતુર્માસ પૂર્ણ કરીને વિહારની તૈયારી કરતા હતા તે વખતે સંઘના આગેવાનોએ સુરતમાં બીજા ચાતુર્માસ કરવા માટે તેમને બહુ જ આગ્રહભરી વિનંતી કરી, પરંતુ આત્મારામજી મહારાજે કહ્યું, ‘મહાનુભાવો, મોહનલાલજી મહારાજ મારા કરતાં વધારે જ્ઞાની અને તેજસ્વી છે. તમને એમનો પરિચય નથી. તેઓ મારવાડથી વિહાર કરીને પાલિતાણા પધાર્યા છે. તમે એમને ચાતુર્માસ માટે વિનંતી કરજો. એમને જોશો એટલે મને પણ ભૂલી જશો.’
આત્મારામજી મહારાજ સુરતથી વિહાર કરીને ગયા પછી સંઘના આગેવાનો પાલિતાણા ગયા. ત્યાં મોહનલાલજી મહારાજને મળતાં જ તેઓ આનંદિત થઈ ગયા. તેઓએ મોહનલાલજી મહારાજને ચાતુર્માસ માટે સુરત પધારવા વિનંતી કરી. એ વિનંતીનો સ્વીકાર કરી મોહનલાલજી મહારાજે પાલિતાણાના ચાતુર્માસ પછીનું ચાતુર્માસ ૧૯૪૬માં સુરતમાં કર્યું હતું.
મહારાજશ્રી પોતાના ચારિત્ર અને તપના પ્રભાવે કેટલાંક ક્રાંતિકારી કાર્યો કરાવી શકતા હતા. સુરતમાં તેઓ જ્યારે ચાતુર્માસ માટે બિરાજમાન હતા ત્યારે મુંબઈના લોકોને એવી ભાવના થઈ કે મોહનલાલજી મહારાજ મુંબઈ પધારે તો કેવું સારું ! એ દિવસોમાં જૈન સાધુઓનો ગુજરાતમાં દક્ષિણે સુરત અને દમણ સુધીનો વિહાર રહેતો. મુંબઈ અનાર્યભૂમિ છે, મ્લેચ્છભૂમિ છે, પાપનગરી છે એવા ખ્યાલો પ્રવર્તતા હતા. દહાણુ પછી જૈનોની ખાસ વસ્તી ન હોવાને કારણે વિહારની તકલીફ પડે એ પણ સંભવિત હતું. પરંતુ મોહનલાલજી મહારાજે યતિ તરીકે મુંબઈ નગરીની અગાઉ પોતાના ગુરુ સાથે ત્રણ વખત મુલાકાત લીધી હતી. એટલે મુંબઈના શ્રાવક-જીવનથી અને મુંબઈના લોકોની ધર્મ માટે તીવ્ર ઉત્કંઠાથી તેઓ પરિચિત હતા. આથી તેમણે ચાતુર્માસ માટે મુંબઈ પધારવાનું નિમંત્રણ સ્વીકાર્યું હતું. માર્ગમાં વિહારની જે તકલીફ પડે તે માટે મનથી તેઓ તૈયાર હતા. ચાતુર્માસનો નિર્ણય થતાં સં. ૧૯૪૭માં તેમણે મુંબઈ તરફ પ્રયાણ કર્યું. તે વખતે દહાણુથી મુંબઈ સુધીના માર્ગમાં કોઈ જૈન ઉપાશ્રય નહોતા. ત્યાં જૈનોની ખાસ વસ્તી નહોતી. એટલે તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org