________________
૧૫૪
પ્રભાવક સ્થવિરો
મુંબઈમાં લાલબાગના ઉપાશ્રયમાં મહારાજશ્રીનાં વ્યાખ્યાનો ચાલુ થયાં હતાં. એમાં લોકોની ભીડ દિવસે દિવસે એટલી બધી વધી ગઈ હતી કે બાબુ બુદ્ધિસિંહજીએ રૂપિયા સોળ હજાર ખર્ચ તાબડતોબ એ હૉલ મોટો કરાવ્યો હતો. એ ઉપાશ્રયવાળી જગ્યા પહેલાં શેઠ મોતીશાના બાગ તરીકે ઓળખાતી હતી, પરંતુ મહારાજશ્રીના ચાતુર્માસ પછી એમના નામમાં રહેલા “લાલ” શબ્દ પરથી લાલબાગ તરીકે ઓળખાવા લાગી હતી.
મહારાજશ્રી જ્યારે મુંબઈ બિરાજમાન હતા ત્યારે અષાઢ મહિનો પૂરો થવા આવ્યો, છતાં ચોમાસુ બેસવાનાં કોઈ એંધાણ જણાતાં ન હતાં. દુકાળ પડશે એવી ચિંતા લોકોને થવા લાગી. એ વખતે મુંબઈના મહાજનના કેટલાક આગેવાન શ્રેષ્ઠીઓએ મહારાજશ્રી પાસે આવીને પોતાની ચિંતા વ્યક્ત કરી અને આશીર્વાદ આપવા કહ્યું. તે વખતે મહારાજશ્રીએ કહ્યું, “જાઓ, હું કહું છું કે વરસાદ જરૂર પડશે, પરંતુ એ માટે તમે રથયાત્રાનો વરઘોડો કાઢજો.” મહારાજશ્રીનું વચન એટલે આજ્ઞા બરાબર. તરત નજીકનાં દિવસ-તિથિ નક્કી થયાં અને જિનબિંબ સાથે રથયાત્રા નીકળી. આ રથયાત્રા અડધે પહોંચી ત્યાં તો ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લોકો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. મહારાજશ્રીની વચનસિદ્ધિનો ત્યારે લોકોને ખ્યાલ આવ્યો હતો.
મોહનલાલજી મહારાજ સ્વરોદયશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે વિદ્યાઓના પ્રખર જાણકાર હતા. વળી તેઓ વચનસિદ્ધ મહાત્મા તરીકે ખ્યાતિ પામ્યા હતા.
મુંબઈના ચાતુર્માસ પછી મહારાજશ્રી ફરી ગુજરાત તરફ વિચર્યા હતા.
મહારાજશ્રી ખેડા જિલ્લાના માતર તીર્થમાં જ્યારે બિરાજમાન હતા ત્યારનો એક પ્રસંગ જાણવા જેવો છે. એક દિવસ ત્યાંના જૈનસંઘના આગેવાનોએ આવીને એમને વાત કરી કે “મહારાજ સાહેબ ! અહીં થોડા દિવસમાં નવરાત્રી ચાલુ થશે. ધાર્મિક ઉત્સવના એ દિવસોમાં દેવીના મંદિરમાં પાડાનો વધ થાય છે. આપ એને માટે કંઈક કરો એવી અમારી ભાવના છે.”
મહારાજશ્રીએ વિચાર કરીને કહ્યું, “ભલે, હવેથી અહીં માતરમાં પાડાનો વધ નહિ થાય. નવરાત્રી ચાલુ થાય તે પહેલાં તમે મને બધી વિગત જણાવજો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org