________________
૧૨૪
પ્રભાવક સ્થવિરો
હતી. એટલે રસ્તામાં એમને થયું કે આ એ બે પંજાબી સાધુઓ તો નહિ હોય ને! તરત ડેલાના ઉપાશ્રયે આવીને તેઓ ગણિ સૌભાગ્યવિજયના વ્યાખ્યાનમાં બેઠા. તે દરમિયાન સૌભાગ્યવિજયજીને એ બે સાધુઓની વાત કરી. તરત તેમને તેડવા માણસ મોકલાયો. બુટેરાયજી મહારાજ તથા વૃદ્ધિચંદ્રજી મહારાજ ડેલાના ઉપાશ્રયે આવી પહોંચ્યા. તેમનો પરિચય થતાં સૌભાગ્યવિજયજી બહુ આનંદિત થયા. બીજી બાજુ ગુજરાતમાં આવા સંવેગી સાધુઓનાં દર્શન થતાં બુટેરાયજી અને વૃદ્ધિચંદ્રજીને પણ બહુ હર્ષ થયો.
તેઓ થોડા દિવસ અમદાવાદમાં રહ્યા. ત્યાં વાત સાંભળી કે કેશરીસિંઘ ગટા નામના એક શ્રેષ્ઠી અમદાવાદથી સિદ્ધાચલનો સંઘ લઈ જાય છે. આ બે પંજાબી સાધુઓએ સિદ્ધાચલજીની યાત્રા કરવાની પોતાની ભાવના દર્શાવેલી હતી. એટલે શેઠ હેમાભાઇએ કેશરીસિંઘને ભલામણ કરી કે આ બે સાધુઓને પણ સાથે લઈ લેવામાં આવે. કેશરીસિંઘે કહ્યું કે, “હા, જરૂર અમે એમને સંઘમાં સાથે લઈ લઈશું; પરંતુ અમારા સંઘમાં બધા યુવાનો છે અને જે વૃદ્ધો છે તેમને માટે ગાડાંની વ્યવસ્થા છે. અમે આઠ દિવસમાં ઝડપથી ત્યાં પહોંચવાના છીએ. બુટેરાયજી ઉંમરલાયક છે. વળી લાંબો વિહાર કરીને આવ્યા છે માટે તેમને માટે ડોળીની વ્યવસ્થા કરીશું.'
પરંતુ બુટેરાયજીએ ડોળીનો ઉપયોગ કરવાની ના પાડી અને પોતે લાંબા વિહાર કરશે એમ જણાવ્યું. તેઓ બંને સંઘ સાથે જોડાઈ ગયા અને ચૈત્ર સુદ તેરસે પાલિતાણા પહોંચ્યા. વૃદ્ધિચંદ્રજીને પગે વાની તકલીફ હતી. છતાં તે સહન કરીને પણ તેઓ સહુની સાથે પાલિતાણા પહોંચી ગયા, એટલું જ નહિ પણ સિદ્ધાચલજીની યાત્રાનું વર્ષોનું સ્વપ્ન સાકાર થતું હતું. એટલે પાલિતાણા પહોંચીને બીજે દિવસે ચૈત્ર સુદ ચૌદશે સવારે જ ડુંગર ચડીને જાત્રા કરી. આદિશ્વર દાદાનાં દર્શન કરી બંનેનાં હૃદય હર્ષથી ગદ્ગદ્ થઈ ગયાં. બીજી દિવસે તેઓએ ફરીથી ડુંગર ચડીને ચૈત્રી પૂનમની પણ જાત્રા કરી.
પાલિતાણામાં મૂળચંદજી મહારાજ આવીને જુદી જુદી ધર્મશાળામાં ઊતર્યા હતા. હવે બુટેરાયજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજી મહારાજ આવી પહોંચતાં ગુરુશિષ્યો એક વર્ષ પછી પાછા એકત્ર થયા. પાલિતાણામાં હતા ત્યાં સુધી જ્યારે જ્યારે અનુકૂળતા મળી ત્યારે ત્યારે તેઓ ડુંગર ચઢીને જાત્રા કરી આવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org