________________
શ્રી મોહનલાલજી મહારાજ
૧૪૫
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આવેલા અનેક શ્રેષ્ઠીઓની હાજરીમાં ધામધૂમથી ઊજવાયો હતો.
દીક્ષા લીધા પછી યતિશ્રી મોહનજીએ કેટલોક સમય આચાર્ય મહેન્દ્રસૂરિ પાસે પસાર કર્યો. મહેન્દ્રસૂરિને ભવ્ય, પ્રતાપી મુખમુદ્રા, ઊંચી દેહાકૃતિ અને આજાનબાહુ ધરાવનાર આ કિશોર યતિશ્રીની વિદ્વત્તા, ગુણગ્રાહકતા, ધાર્મિકતા ઈત્યાદિની વધુ પ્રતીતિ થઈ. ભવિષ્યમાં આ કોઈ મહાન ઉજ્જવળ આત્મા તરીકે પોતાનું નામ કાઢશે એમ તેમને જણાયું. બીજી બાજુ યતિશ્રી મોહનજીને પણ લાગ્યું કે પોતાના વિદ્યાગુરુ યતિશ્રી રૂપચંદ્રજી તો એક મહાન આત્મા છે જ, પરંતુ દીક્ષાગુરુ આચાર્ય ભગવંત તો ખરેખર એક મહાન વિભૂતિ છે. એમના સાંનિધ્યમાં જેટલું વધુ રહેવાય તેટલું વધુ સારું. પરંતુ ત્યાં તો મુંબઈથી યતિશ્રી રૂપચંદ્રજીનો પત્ર મહેન્દ્રસૂરિ ઉપર આવ્યો કે યતિશ્રી મોહનજીને હવે મુંબઈ મોકલી દેવામાં આવે. પત્ર મળતાં જ મહેન્દ્રસૂરિએ યતિશ્રી મોહનજીને એમના વિદ્યાગુરુ યતિશ્રી રૂપચંદ્રજી પાસે મુંબઈ મોકલી આપ્યા.
મુંબઈમાં કેટલોક સમય રહ્યા પછી યતિશ્રી રૂપચંદ્રજી પોતાના શિષ્ય યતિશ્રી મોહનજી અને બીજાઓને લઈ વિહાર કરીને બે મહિને ગ્વાલિયરમાં પહોંચ્યા. ત્યાં મહેન્દ્રસૂરિ બિરાજતા હતા. તે વખતે તેઓ બંનેએ પરસ્પર વિચારવિનિમય કરીને યતિશ્રી મોહનજીને હજુ વધુ વિદ્યાભ્યાસ માટે કાશી મોકલવાનું નક્કી કર્યું. એ માટે યતિશ્રી રૂપચંદ્રજી પણ યતિશ્રી મોહનજીની સાથે કાશી આવીને રહ્યા. ત્યાં મોહનજીએ અન્ય પંડિતો અને શાસ્ત્રીઓ પાસે વ્યાકરણ, કાવ્ય, ન્યાય, જ્યોતિષ, આયુર્વેદ વગેરે વિદ્યાઓનો વધુ ઊંડો અભ્યાસ કર્યો. દરમિયાન યતિશ્રી રૂપચંદ્રજીની તબિયત બગડતાં તેઓ કાશીમાં કાળધર્મ પામ્યા. એથી યતિશ્રી મોહનજીને ભારે આઘાત લાગ્યો. મહેન્દ્રસૂરિને એ સમાચાર મળતાં તેઓ કાશી આવી પહોંચ્યા. યતિશ્રી મોહનજીનો અભ્યાસ ન બગડે એની પણ ચિંતા હતી. એટલે મહેન્દ્રસૂરિ મોહનજીની સાથે ચારેક વર્ષ કાશીમાં રહ્યા. મોહનજી વિદ્યામાં પારંગત થયા. એટલે મહેન્દ્રસૂરિએ પોતાનો સમગ્ર ગ્રંથભંડાર મોહનજીને સુપરત કરી દીધો. મોહનજીના આધ્યાત્મિક વિકાસમાં પણ એમને એટલો જ રસ હતો. જ્ઞાન, ધ્યાનમાં તન્મય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org