________________
શ્રી બુટેરાયજી મહારાજ
૧૦૫
શ્રાવક-શ્રાવિકાઓ તથા અનેક સંતો-મહાસતીઓ પતિયાલા પધાર્યા હતાં. ત્યાં આવતાં જ તેમણે જોયું કે તેમણે મુહપત્તીનો જે દોરો છોડી નાખ્યો છે તેની ચર્ચા પતિયાલામાં ઠેકઠેકાણે ચાલી રહી હતી. આટલાં બધાં સાધુ-સાધ્વીઓ એકત્ર થયાં છે તેનો લાભ લઈ તે બધાંની સમક્ષ પોતાને પડકારશે. એટલે બુટેરાયજી મહારાજે વિચાર્યું કે આવી પરિસ્થિતિમાં અહીં પતિયાલામાં રહેવું પોતાને માટે ઉચિત નથી. અહીં રહીને સંઘર્ષ કરવાનો કે લોકોના ઉપદ્રવનો ભોગ બનવાનો કોઈ અર્થ નથી. ટોળાની સામે શાસ્ત્રસિદ્ધાંતની વાત ચાલશે નહિ. માટે પતિયાલા છોડીને આગળ વિહાર કરવો યોગ્ય છે.
આમ વિચારીને બુટેરાયજી મહારાજે ગોચરી–પાણી કર્યા પછી તરત પતિયાલામાંથી વિહાર કર્યો. જ્યારે અમરસિંહને આ વાતની ખબર પડી ત્યારે તેઓ અને તેમના સાધુઓ વિચારમાં પડી ગયા, કારણ કે બુટેરાયજીને પાઠ ભણાવવાની તેમની યોજના નિષ્ફળ થતી હતી.
તેઓએ થોડાક યુવાનોને બોલાવીને સમજાવ્યું કે, “તમે બુટેરાયજી પાસે જાવ અને તેમની પ્રશંસા કરી, તથા તેમને આગ્રહપૂર્વક વિનંતી કરી ગમે તે રીતે યુક્તિપૂર્વક સમજાવીને અહીં પાછા બોલાવી લાવો.'
તેઓ બુટેરાયજી મહારાજ પાસે પહોંચી ગયા. એમની મુહપત્તીની ઘટનાની તેઓએ બહુ પ્રશંસા કરી. પછી બહુ જ આગ્રહપૂર્વક જાતજાતનાં વચનો આપીને તેઓ બુટેરાયજી મહારાજને પતિયાલા પાછા તેડી લાવ્યા. બુટેરાયજી મહારાજે પોતાના શિષ્ય સાથે પતિયાલાનગરમાં પાછો પ્રવેશ કર્યો. સ્થાનક તરફ તેઓ જ્યારે જતા હતા તે વખતે જે રીતે કેટલાક શ્રાવકો તેમના તરફ કરડી નજરથી જોતા હતા અને કાનમાં વાતો કરતા હતા તે પરથી તેમને લાગ્યું કે તેમને માટે વાતાવરણ ધારવા કરતાં વધુ પ્રતિકૂળ અને તંગ બન્યું છે. પરંતુ હવે બીજી વાર પાછા ફરવાનું તેમના જેવા સાધુ માટે યોગ્ય ન કહેવાય. એટલે હવે તો જે થવાનું હશે તે થશે એમ સમજીને તેઓ શ્રાવકો લઈ ગયા તે સ્થાનકમાં ઊતર્યા. તેઓ ત્યાં બેઠા હતા એટલામાં પચીસેક સાધુઓ અને લગભગ ૪૦૦ સ્ત્રી-પુરુષો ત્યાં આવીને તેમને ઘેરી વળ્યાં. અમરસિંહજીની યોજના એવી હતી કે બુટેરાયજી પાસે મુહપત્તી મોઢ બંધાવવી અને જો ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org