________________
૫૭.
કલશ-૧૧૮ કહેવામાં આવ્યું છે. હવે કોઈ એકાન્ત પકડી લ્ય કે બસ, પર્યાય અસત્ય છે. મુંબઈમાં એક જણો કહેતો હતો કે–આ સમયસારમાં જે લીધું છે કે- “વ્યવહાર અભૂતાર્થ છે” તો તેણે વેદાંતના ઢાળામાં ઢાળી દીધું છે. કેમકે સમયસાર ૧૧ મી ગાથામાં એમ કહ્યું છે કે- પર્યાયમાત્ર છે જ નહીં, વ્યવહાર અભૂતાર્થ અર્થાત્ પર્યાય જૂહી છે. એટલે પેલા ભાઈએ એમ કહ્યું કે- સમયસારને વેદાંતના ઢાળામાં ઢાળી દીધું છે. પણ તું કહે છે એમ નથી ભાઈ !
આહાહા! પર્યાયને ગૌણ કરીને “નથી' એમ કહ્યું છે. અને ત્રિકાળી દ્રવ્યને–વસ્તુને મુખ્ય કરીને નિશ્ચય કરીને કહ્યું છે. નિશ્ચય કરીને મુખ્ય કર્યું છે (તેમ નહીં, પરંતુ મુખ્ય કરીને નિશ્ચય કરીને સત્ય કહ્યું છે. પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કહીને “નથી” એમ કહ્યું છે.
તેમ અહીંયા કહે છે કે સમ્યગ્દષ્ટિને આસકિતનો રાગ થાય છે... પણ તે તેનો સ્વામી નથી, રુચિ નથી, તેમાં વિપરીત બુદ્ધિ નથી. તે કાળે તેને રાગ-આસ્રવ નથી તેમ કહેવામાં આવ્યું છે. આહાહા! આવી કેટલી શરતું! આમાંથી કોઈ એકાન્ત પકડે કે સમકિતીને આસ્રવ અને દુઃખ નથી. તેને આસવનું દુઃખ ક્યાં છે? અરે સાંભળ તો ખરો! તને કાંઈ ખબર નથી. જ્ઞાનીને દુઃખ હોય જ નહીં, પણ... એ કઈ અપેક્ષાએ કહ્યું છે. તેને દૃષ્ટિ ને દૃષ્ટિના વિષયની અપેક્ષાએ દુઃખ નથી. પરંતુ જેટલો રાગ છે તેટલું દુઃખ પણ છે. એ દુઃખનું વેદન પણ જ્ઞાનીને છે.
શ્રોતા:- સચિપૂર્વક નથી તેથી તેને ગણવામાં આવ્યો નથી.
ઉત્તર- ત્રણેયમાં ‘ના’ આવે છે. રુચિ નથી, સ્વામી નથી, મારો નથી એ અપેક્ષાએ ના પાડી છે. સમજમાં આવ્યું?
“સમ્યગ્દષ્ટિ જીવ કર્મ બંધનો કર્તા નથી.” કેમકે તે રાગનો કર્તા નથી તો પછી કર્મબંધનો કર્તા ક્યાંથી આવ્યું? સમ્યગ્દષ્ટિ જીવ કર્મબંધનો કર્તા નથી. કેમકે રાગનો પણ કર્તા નથી તો કર્મબંધનો કર્તા ક્યાંથી આવ્યો? આહાહા ! અશુભભાવનો કર્તા-ધર્મી સમકિતી તો નથી પણ તે શુભભાવનોય કર્તા નથી. આવી વાત છે. શુભાશુભ ભાવ આવે છે પણ તેનો કર્તા નથી, તેનો જ્ઞાતા છે.
શ્રોતા-એવો ભાવ કેમ આવે છે?
ઉત્તર- પોતાની નબળાઈથી-કમજોરીથી તે ભાવ આવે છે. કમજોરીથી આવે છે પણ તેનો જ્ઞાતા છે. તેને શેય તરીકે જાણે છે. અરે ! આટલી બધી વાતું ક્યાં હવે ! દસમાં ગુણસ્થાને પણ અલ્પ રાગ છે, તે અબુદ્ધિપૂર્વકનો છે. તેને છ કર્મનો બંધ પડે છે. જ્યારે અહીંયા કહ્યું કેસાધકને ચોથે ગુણસ્થાને રાગ-આસ્રવ નથી અને તેને બંધ પણ નથી. એ કઈ અપેક્ષાએ વાત છે. સમજાય છે કાંઈ ? તેને વિપરીત બુદ્ધિ છૂટી ગઈ છે એ અપેક્ષાએ બંધ નથી. રાગ અને પુણ્ય અને પુણ્યના ફળમાં- “તે મારાં છે' એવી વિપરીત બુદ્ધિ છૂટી ગઈ છે. પછી દુનિયામાં ગમે તે ચીજ હો! પરંતુ તેની સાથે મારે કાંઈ સંબંધ નથી એ અપેક્ષાએ જ્ઞાની કર્મબંધનો કર્તા નથી.