________________
૧૬૮
કલશામૃત ભાગ-૪ કહ્યું. ભગવાન ચૈતન્ય શુદ્ધ છે, રાગાદિ અશુધ્ધ છે. તે બન્નેનો ભિન્ન-ભિન્નપણે અનુભવ કરવો અતિ સૂક્ષ્મ છે. ઘણું સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. એકલું સૂક્ષ્મ ન લેતાં અતિ સૂક્ષ્મ છે.” રાગનો વિકલ્પ હો કે- પુણ્ય-પાપનો હો તેનાથી ભગવાન આત્માને જુદું પાડવું અતિ સૂક્ષ્મ છે, ત્યાં સ્થૂળબુદ્ધિ કામ ન કરે. ત્યાં શાસ્ત્રના જાણપણાનું જ્ઞાન કામ ન કરે ભાઈ? ભણ્યો છું ઘણું માટે... (અનુભવ થાય ) એ ત્યાં કામ ન આવે. સમજાણું કાંઈ?
અતિ સૂક્ષ્મ છે” કેમ? પુણ્ય ને પાપના ભાવ અને મિથ્યાત્વના ભાવ અશુધ્ધ અને જડ છે. પ્રભુ ચૈતન્ય શુદ્ધ ને પવિત્ર છે. એને ભિન્ન પાડવા અતિ સૂક્ષ્મ છે. “કેમકે રાગાદિ અશુધ્ધપણું ચેતન જેવું દેખાય છે” કારણ આપે છે. આ કેમ અતિ સૂક્ષ્મ છે (તેનું કારણ આપે છે) કે- પુણ્યના પરિણામ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ ચૈતન્યની પર્યાયમાં ચેતન જેવા દેખાય છે. તેથી એનાથી જુદું પાડવું અતિસૂક્ષ્મ છે. શ્લોક બહુ સારો આવ્યો છે.
(જુદું પાડવું) કેમ સૂક્ષ્મ છે? રાગ, પુણ્ય-પાપનો ભાવ એ અશુધ્ધપણું ચેતન જેવું દેખાય છે; કેમકે એ ચેતનની પર્યાયમાં છે ને ! એ (રાગ ) જડમાં કે કર્મ રજકણમાં નથી. શુભઅશુભભાવ જીવના સત્ત્વમાં છે. બપોરે આવ્યું હતું- જીવના સત્ત્વમાં અર્થાત્ પર્યાયરૂપી સત્ત્વમાં એ છે. એ પુણ્ય-પાપના ભાવને જડ કીધાં માટે જડમાં કે કર્મમાં છે એમ નથી. એ શુભ-અશુભભાવો ચેતનની પર્યાયમાં ચેતન જેવા દેખાય છે. તેથી તેનાથી જુદું પાડવું અતિ સૂક્ષ્મ છે. પર્યાય દૃષ્ટિએ દેખે તો એ પુણ્ય-પાપના ભાવ જીવની પર્યાયમાં છે. વસ્તુ દૃષ્ટિએ જુએ તો તે ભાવ વસ્તુમાં નથી. આહાહા ! દ્રવ્યદૃષ્ટિથી જુએ તો એ ભાવ એનામાં છે જ નહીં.
કેમ અતિ સૂક્ષ્મ છે? શુભ-અશુભભાવ એવું અશુધ્ધપણું ચેતન જેવું દેખાય છે. જોયું? કેમકે એ ચેતનની પર્યાય છે ને! એ અશુધ્ધતા કાંઈ કર્મની પર્યાય નથી. ગઈ કાલે સ્વાધ્યાયમાં આવ્યું'તું ને- ધર્મને અધર્મ તે આત્મા છે. સમજાયમાં આવ્યું હતું. પુણ્ય-પાપ શુભ-અશુભભાવ તે આત્મા છે એમ આવ્યું હતું. આત્માના એ ધર્મ ને અધર્મ છે. ધર્મ એટલે પુણ્યભાવ અધર્મ એટલે પાપ એ જ્ઞાનસ્વરૂપી ભગવાનની પર્યાયમાં છે. એ કાંઈ જડમાં છે, પરમાં છે એમ નથી.
આહાહા! ગઈ કાલે સ્વાધ્યાયમાં આવ્યું હતું કે- જેમ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ એ આત્મા છે- જ્ઞાનસ્વરૂપ છે તેમ પુણ્ય-પાપ પણ જ્ઞાન સ્વરૂપ છે- એમ આવ્યું હતું. ભગવાન જ્ઞાનસ્વરૂપની પોતાની દશામાં એ પુણ્ય-પાપના ભાવ છે, એ કાંઈ જડમાં, શરીરમાં, પરમાં નથી. અને તે પરથી થયા નથી. આહાહા ! પોતાની પર્યાયમાં અપરાધને કારણે એ ભાવ થયા છે... તેથી તેને ત્યાં આત્માના છે તેમ કહેવામાં આવ્યું છે. કેમકે એ પર્યાય એની છે ને !! સમયસાર ૪૦૪ ગાથામાં આવ્યું હતું ને!
“णाणं सम्मादिष्ठिं संजमं सुत्तमंगपुव्वगयं। धम्माधम्मं च तहा पव्वज्जं अब्भुवंति बुहा।।