________________
૪૪૨
કલશામૃત ભાગ-૪ સંસાર છે. ચારગતિમાં રખડાવનારા તે પરિણામ છે. તે મિથ્યાત્વને છોડાવવાનો મુનિનો અભિપ્રાય છે. તો સામાન્યપણે તો પહેલાં વાત કરી, હવે વિશેષપણે વાત કરે છે.
તમ વ વિશેષતારકર્તમ” જેટલો પરદ્રવ્ય પરિગ્રહ છે તેને ભિન્ન-ભિન્ન નામોનાં વિવરણ સહિત છોડવાને માટે અથવા છોડાવવાને માટે. અહીં સુધી કહ્યું તે શું કહ્યું? ઝીણી વાતું છે ભાઈ ! અત્યારે તો બધે ગોટા હાલે છે. કાં કહે- વિકલ્પથી શૂન્ય થઈ જાવ, શૂન્ય થઈ જાવ....પણ એમ વિકલ્પથી શૂન્ય થાય? વસ્તુ શું છે કે જેના અસ્તિત્વનો અનુભવ થતાં વિકલ્પથી શૂન્ય થઈ જાય !?
સચ્ચિદાનંદ પ્રભુ છે તે દેહ પ્રમાણે દેહથી ભિન્ન અંદર છે. જેમ પાણીનો લોટો હોય છે તેમાં જળ ભરેલું છે, તો જળ ભિન્ન અને લોટો ભિન્ન. તેમ આ જળનો ધૂળનો લોટો છે, તેમાં આનંદકંદ જળ ભર્યું છે. આ લોટો જ્ઞાનનો છે. કાશી ઘાટના કળશા જેવો આ લોટો છે જુઓને !! લોટાની અંદર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ! અનંત અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતાથી ભરેલો અને શરીરના રજકણથી ભિન્ન ભગવાન છે. એ તો કહ્યું, પણ અંદરમાં જે પુણ્ય-પાપના ભાવ થાય તેનાથી આત્મા ભિન્ન છે.
એ લોકો કહે-પહેલા ખૂબ રડી લે.રુદન પછી નિર્વિકલ્પ થઈ જઈશ! રૂદન કરવું તે પાપ ભાવ છે. ખૂબ હસો...હસો.....પછી નિર્વિકલ્પ થઈ જશો! પહેલાં ખૂબ પાપ કરો.... પાપ કર્યા પછી નિર્વિકલ્પ થઈ જઈશ! એ બધા પાખંડ છે.
અહીંયા તો કહે છે કે- જેટલા વિકલ્પ છે તે શાંતિનો ઘાત કરવાવાળા છે. શુભ અને અશુભની વૃત્તિઓ ઊઠે છે, ગુણ-ગુણીના ભેદની વૃત્તિઓ ઊઠે છે તે રાગ છે. આહાહા! અંદર ભગવાન અસ્તિત્વ સ્વરૂપે, પરમાત્મ સ્વરૂપે બિરાજમાન છે. તેની દૃષ્ટિ કરીને ત્રિકાળી આનંદના નાથનો આશ્રય કરીને રાગ અને પરદ્રવ્ય એ બધાની એકત્વબુદ્ધિ છોડવી તે મિથ્યાત્વને છોડવું છે. તે પહેલી વાત છે. કેમ કે- મિથ્યાત્વ છૂટયા વિના વ્રત-તપ-નિયમ સાચા હોતા નથી.
પ્રશ્ન- વાટ (રાહ) ક્યાં સુધી જોવી?
ઉત્તર- જ્યાં સુધી અંદરમાં (આત્મા) ન મળે ત્યાં સુધી. બહારમાં બહુ રખડયા....હવે કેટલું રખડવું છે.
પ્રશ્ન:- ઘણા વખતથી પ્રયત્ન કર્યો પણ ...થતું નથી?
ઉત્તર-દરકાર નથી એટલે થતું નથી. ભાઈ !તેની જેટલી રુચિ ને દરકાર જોઈએ તેટલી દરકાર નથી. તેની દરકાર પૂરી હોય અને મળે નહીં તેમ ત્રણકાળમાં બને નહીં. ભગવાન ત્રિકાળ અસ્તિત્વપણે મૌજુદ છે. આહાહા ! અનંત આનંદ......અનંત જ્ઞાન........ એવી શક્તિઓ અનંત છે. વસ્તુ એક છે પણ તેની શક્તિઓ–ગુણ અનંત છે. અને એક એક ગુણની એક સમયની એક એક પર્યાય એવી અનંતી પર્યાય છે. વસ્તુની ખબર નથી ને!! એ વર્તમાન