________________
"9
કલશામૃત ભાગ-૪ “ભોગક્રિયા તે હોતાં સમ્યગ્દષ્ટિ જીવ અનિચ્છક થઈ કર્મના ઉદયે ક્રિયા કરે છે કરે છે એટલે ? થાય છે. પણ તે કર્તાપણે કરતો નથી “ક્રિયા કરે છે તો શું ક્રિયાનો કર્તા થયો ? સર્વથા ક્રિયાનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ નથી.” કર્તાપણાની બુદ્ધિ નથી એ અપેક્ષાએ કર્તા નથી. પરંતુ તેના પરિણમનમાં એ રાગ નથી એમ નથી. પરિણમનમાં તો જેટલો રાગ છે તેટલો કર્તા છે. પ્રવચનસાર ૪૭ નયમાં લીધું છે – ગણધર હો કે છદ્મસ્થ દશામાં તીર્થંકર હો ! જેટલો રાગ છે તેટલો કર્તા છે. પરિણામે તે અપેક્ષાએ કર્તા. સમકિતીને જેટલો રાગ છે તેટલો રાગનો ભોક્તા પણ છે. એ સુડતાલીસ નયમાં જ્ઞાનપ્રધાન કથન છે. અહીંયા દૃષ્ટિપ્રધાન કથનમાં જ્ઞાન પ્રધાન કથનને ગૌણ કરીને કહેલ છે. કોઈ તેને સર્વથા કાઢી જ નાખે કે તેને બિલકુલ રાગ છે નહીં તો તેમ નથી.
અહીંયા એ કહે છે જુઓ ! “ સર્વથા ક્રિયાનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ નથી.” કોનો કર્તા નથી ? ભોગક્રિયાનો. એ તો ભોગની રુચિ અને પ્રેમ નથી એ અપેક્ષાએ કહ્યું. તે ભોગના રાગનો કર્તા નથી પણ હજુ રાગમાં એટલું રાગનું પરિણમન છે અને તેટલો દુઃખનો ભોક્તા પણ છે. બન્ને વાત લક્ષમાં લેવી.
૫૩૨
નિર્મળ પર્યાયથી જુદું કોઈ ચૈતન્ય તત્ત્વ નથી; લોક અલોકની જેમ કાંઈ દ્રવ્ય ને પર્યાય જુદા નથી; બન્નેનાં અસંખ્ય પ્રદેશો એક જ છે, કાંઈ પ્રદેશ ભેદ નથી. આત્માને દ્રવ્ય અપેક્ષાએ ધ્રુવતા છે ને પર્યાય અપેક્ષાએ આત્માને પરિણમન છે, એ અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાય વચ્ચે કથંચિત્ ભેદ હોવા છતાં, જેમ બે આંગળી એક બીજાથી પ્રદેશભેદે જુદી છે તેમ દ્રવ્ય ને પર્યાય એ બે જુદા નથી. બાપુ ! નિર્મળ પર્યાયને છોડવા જઈશ તો તે પર્યાયથી જુદી કોઈ ( સર્વથા ધ્રુવ ) આત્મ વસ્તુ તને પ્રાપ્ત નહીં થાય. દ્રવ્ય અને પર્યાય બન્ને સાથે અનુભવમાં આવે છે, પણ તે અનુભૂતિમાં ‘આ દ્રવ્ય ને આ પર્યાય' એવા ભેદને તે સ્પર્શતો નથી; એટલે અનુભૂતિમાં ભેદ વિકલ્પનો નિષેધ નામ અભાવ છે. પણ અનુભૂતિમાં પર્યાયનો અભાવ નથી. પર્યાય તો અંતર્મુખ એકાગ્ર થઈ છે, ત્યારે તો આત્મા અનુભવમાં આવ્યો છે. અહો! આચાર્યદેવે દીવા જેવું ચોકખું વસ્તુ સ્વરૂપ ખુલ્લું કર્યુ છે.
( આત્મધર્મ અંક નં-૩૬૩, પેઈજ નં-૪)