________________
કલશ-૧૫૦
૪૯૫ અહીંયા કહે છે કે- જેને અંદર આત્માના વેગ જાગ્યા છે, આત્માનો રસ જાગ્યો છે તેને રાગના રસ છૂટી ગયા છે. શ્લોક ૧૪૯ માં આવ્યું હતું (સ્વરસત:) જેને રાગના રસના પ્રેમ છૂટી ગયા છે ત્યારે તો રાગથી વિરુદ્ધ શાશ્વત તત્ત્વ ભગવાન આત્માનો રસ તેને જાગ્યો છે. એનો જેવો સ્વભાવ છે તેવો જ રહેવાનો છે. વસ્તુ તો જેવી છે તેવી જ છે પણ આ તો તેનું પરિણમન થયું એ હવે એવું ને એવું રહેવાનું છે.
લોકોને ખબર નથી આત્મા શું છે? આત્મા..........આત્મા એમ ભાષા કહે છે ને! વસ્તુ ભગવાન આત્મા! અંદર અનંતજ્ઞાન, અનંત આનંદ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, અનંત સર્વજ્ઞતા, અનંત સર્વદર્શિત્વ એવી અમાપ.....અમાપ....અમાપ.... શક્તિઓનો તો સાગર છે...પ્રભુ! એનું અંદર માપ લેવા જાય ત્યારે માપની પર્યાય પણ અનંતથી અનંત તાકાતવાળી થઈ જાય છે. એક જ્ઞાનની પર્યાય અમાપનું માપ લેવા જાય કે પ્રતીત કરવા જાય તો તે પર્યાયમાં અમાપપણું આવી જાય છે. એવી શુદ્ધ પર્યાયનું પરિણમન થયું તેને જગતની માયાજાળ કે વિકલ્પ કે સામગ્રી એ કોઈ તેને મિથ્યાત્વ કરાવી શકશે નહીં. અહીંયા પાઠમાં (અજ્ઞાન) છે તેમાં મૂળ વજન મિથ્યાત્વ ઉપર છે. હવે દેષ્ટાંત આપે છે.
જેવી રીતે શંખનો શ્વેત સ્વભાવ છે, શ્વેત પ્રગટ છે,”શંખ છે તે ધોળો છે. એ શ્વેત શંખ પ્રગટ છે. “તેવી રીતે સમ્યગ્દષ્ટિનો શુદ્ધ પરિણામ હોતો થકો શુદ્ધ છે.” જુઓ, અહીં પરિણામની વાત લીધી. જેવો શંખનો પ્રગટ સ્વભાવ ધોળો છે તેમ સમ્યગ્દષ્ટિનો શુદ્ધ પરિણામ હોતો થકો શુદ્ધ છે. ભગવાન પૂર્ણાનંદ વસ્તુની પ્રતીતિ ને જ્ઞાન કરતાં એ શુદ્ધ છે. જેમ શંખનું પ્રગટ ધોળાપણું છે તેમ ભગવાન આત્માની શુદ્ધ પરિણતિની તે ધોળાશું છે. આ ધર્મની વાત છે.
સમ્યગ્દષ્ટિનો શુદ્ધ પરિણામ હોતો થકો,” આહાહા! ભગવાન શુદ્ધ ચૈતન્યમૂર્તિ! તેના અનંતગુણો ને અનંત શક્તિઓ શુદ્ધ છે. તેણે અંતર્મુખ થઈને પરિણમન કર્યું જે અનંત કાળમાં કદી નહોતું કર્યું. પ્રભુને કદી દષ્ટિમાં લીધો ન હતો. પ્રભુ એટલે અહીંયા ભગવાન આત્મા હોં! પોતાની પ્રભુતાની પ્રભુતાને પર્યાયમાં, પ્રતીતમાં, જ્ઞાનમાં, વેદનમાં આવી એ તો શુદ્ધ છે એમ કહે છે. જેમ શંખ પ્રગટ સ્વભાવે ધોળો છે તેમ ધર્મનું શુદ્ધ પરિણમન શુદ્ધ છે. એમ કે એ પોતે સ્વભાવે શુદ્ધ ત્રિકાળ છે તો તેનું પરિણમન શુદ્ધ છે.
આઠ આઠ વર્ષના બાળકો રાજકુમાર જ્યારે સમ્યફ પામે છે અને પુરુષાર્થ ઊછળે છે તો માતાની પાસે માંગણી કરે છે કે શરીરની માતા અમને રજા દે! હું વનમાં એકલો મારા આત્મ આનંદ સ્વરૂપને સાધવા જાઉં છું. પ્રવચનસાર ચરણાનુયોગમાં ૨૦૨ ગાથામાં આવે છે. હીરાના પલંગ, રેશમના બબ્બે, ત્રણ-ત્રણ ગાદલા ઉપર સૂતેલા..... એ જંગલમાં ચાલ્યા જાય છે. એક ક્ષણમાં પલટી ખાઈ ગયો.
પ્રશ્ન- એ બધાને હળવાં કર્મ હતા?