________________
૪૭ર
કલશામૃત ભાગ-૪ મોટો ફેરફાર છે. “દષ્ટિ તેવી સૃષ્ટિ”.
આહાહા! જેને આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે તેની દૃષ્ટિ થઈ છે, એટલે કે પર્યાયમાં આનંદનો આસ્વાદ આવ્યો છે! આહાહા ! આમ દૃષ્ટિ થઈ છે....એટલું નહીં. પરંતુ દૃષ્ટિ કયારે થઈ કહેવાય? જે શક્તિમાં અનંત આનંદ છે તેનો વ્યક્તિમાં આનંદનો અંશ આવે ત્યારે તેની દષ્ટિ દ્રવ્ય ઉપર છે એમ કહેવામાં આવે છે. કોઈ બહારમાં ત્યાગ કરીને બેઠો હોય પંચમહાવ્રત પાળતો હોય અને અંદરમાં તેને રાગના કણ ઉપર રસ છે તે ધર્મના કણના રસથી ખાલી છે.
અહીંયા કહે છે કે એને બહારમાં કોઈ સામગ્રી હોય, ઇન્દ્રાસનની હોય, કરોડો અપ્સરાની સામગ્રી હોય, પરંતુ એ ક્રિયા અજીવની છે– પરની છે અને તેના પ્રત્યે રાગનો રસ છે. એ તો જેણે આત્માનો રસ નથી ચાખ્યો તેને પરના રસ છે. આહાહા ! એક મ્યાનમાં બે તલવાર ન રહીં શકે!? જેને રાગનો રસ છે તેને પ્રભુ ચૈતન્યનો રસ નથી. અને જેને ચૈતન્યનો રસ છે તેને રાગનો રસ નથી. તેથી તેને કર્મની નિર્જરા થાય છે એમ કહે છે.
“સમ્યગ્દષ્ટિ જીવને પંચેન્દ્રિય વિષયસામગ્રી છે,” પાઠમાં “કર્મ' શબ્દ છે. કર્મ નામ બાહ્ય સામગ્રીના ઢગલા હોય તો પણ તે શેય છે, જ્ઞાનમાં એ શેય છે. તેને ઠેકાણે જ્ઞાનમાં એમ માને કે- આ શેય મારા છે, એ તો મિથ્યાત્વ ભાવ છે. તેને રાગનો રસ ચડી ગયો છે. સમ્યગ્દષ્ટિ જીવ પંચેન્દ્રિય વિષય સામગ્રીને ભોગવે છે. એટલે કે લોકો દેખે છે એ અર્થમાં ભોગવે છે એમ કહ્યું. પરંતુ તે સામગ્રી તરફ જરા આસક્તિનો રાગ છે તેથી ભોગવે છે એમ કહેવામાં આવે છે. પરને ભોગવી શકે કાંઈ? શરીરના હાડકાં-ચામડાને અજ્ઞાનીનો આત્મા ભોગવે ? સ્ત્રી સાથેની રમતમાં તે સ્ત્રીના શરીરને ભોગવે છે? તે તેની સાથે રમે છે? આ મને ઠીક પડે છે તેવા રાગના રસમાં રમે છે. જ્યારે ધર્મીને એવી સામગ્રી અને સામગ્રી પ્રત્યેનો રસ ઊડી ગયો છે. આહાહા ! ક્યાં મારો નાથ આનંદનો સાગર અને ક્યાં આ રાગની સામગ્રી! બન્ને તદ્દન ભિન્ન છે....... એવું જેને અંતરમાં જ્ઞાન-ભાન વર્તે છે તેને પૂર્વનો કર્મનો ઉદય આવી ને ખરી જાય છે.
શ્રોતા- તેનુ જ્ઞાન બુઠું થઈ ગયું છે.
ઉત્તર- પર માટે તેનું જ્ઞાન બુઠું થઈ ગયું છે. તે પરના સ્વાદથી બુટ્ટો થઈ ગયો છે. અંતરના સ્વાદમાં જાગૃત થઈ ગયો છે. ઝીણી વાત છે ભાઈ !
શ્રોતા:- ભણ્યા છે એનું શું?
ઉત્તર-ભણ્યા-ગણ્યા એ બધા સમજવા જેવા છે. આ તો જુદી જાત છે. બેનના પુસ્તકમાં સાદી ભાષામાં સિદ્ધાંતનો સાર છે. ઘણીવાર કહીએ છીએ- “જાગતો જીવ ઊભો છે ને! તે ક્યાં જાય?” એટલે કે ભગવાન જ્ઞાનના સ્વભાવથી જાગૃત ધુવ ઊભો છે ને આત્મા જ્ઞાન સ્વરૂપે, આનંદ સ્વરૂપે ત્રિકાળ જાગતો ચૈતન્ય, ઊભો નામ ધુવ છે ને! એ જ્ઞાયક ચૈતન્ય ધ્રુવને અગિયાર ગાથામાં ભૂતાર્થ કહ્યો છે. જાગતી જ્યોત પ્રભુ આનંદનો નાથ ઊભો છે ને!