________________
૪૮૫
કલશ-૧૫૦ જ્ઞાનમાં અનંત તરીકે આવ્યું છે. તેમ આ અનંત અમાપ આત્માના ગુણો છે તેનું જ્ઞાનમાં અનંત અમાપપણું આવ્યું છે. અરે તેને પોતાનું ઘર કેવડું મોટું છે તેની તેને ખબર ન મળે! એવા પ્રભુના મોટા ઘરમાં જે પેઠા તેને પોતાના ઘરની અમાપતા દેખાણી.
જ્ઞાનીને પોતાના ભગવાનની મીઠાશ આગળ રાગની મીઠાશ લાગતી નથી. ઈન્દ્રાણીના ભોગમાં જે રાગ આવે છે તે દુઃખરૂપ લાગે છે. જેમ કાળો નાગ દેખે અને ત્રાસ થાય એવો તેને ત્રાસ લાગે છે.
શ્રોતા- કાળા નાગને અડે તો મરી જાય.
ઉત્તર- અહીંયા તો જ્ઞાની કાળા નાગને અડવા દેતો નથી. તે રાગને કાળો નાગ જાણે છે પણ તેને અડતો નથી- સ્પર્શ કરતો નથી. તે સ્પર્શ તો ચેતનને કરે છે. આવો વીતરાગ મારગ છે. જિનેન્દ્ર સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથે જાણીને, જોઈને, અનુભવીને કહ્યું છે. એવી ચીજ બીજે કયાંય નથી હોં! આહાહા! આવી ચીજ બીજે નથી એમ એ ભગવાને કહ્યું છે.
અહીંયા કહે છે “ભોગવે તો પણ તને બંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મનું આગમન નથી.” એ કઈ અપેક્ષાએ કહ્યું છે? અરે ! સંતો ભોગને ભોગવવાનું કહે ? પાઠમાં તો કહ્યું કેભોગને ભોગવે છે. તેનો એ અર્થ છે કે- પર એવા જડની પર્યાયથી તને નુકશાન થાય!! એવી જે શંકા તે ટાળવી છે. તારી પર્યાયમાં જે અપરાધ થાય તેનાથી બંધ છે. ઘણી સામગ્રી હોય તો તેને ઘણો બંધ હોય અને અલ્પ સામગ્રી હોય તો તેને અલ્પ બંધ હોય એમ છે? એ સામગ્રી પ્રત્યેની જે એકત્તાબુદ્ધિ છે અને સ્વભાવ પ્રત્યેની જે વિરક્તબુદ્ધિ છે તેનો તેને બંધ છે. ધર્મી સ્વભાવ પ્રત્યે રક્ત છે અને રાગથી વિરક્ત છે. વિરક્તપણું જે મુનિને છે તેવું નથી; પણ ધર્મી થતાં તે રાગથી વિરકત છે. આહાહા! તે રાગથી છૂટો પડયો છે. ઝીણી બહુ વાતો માટે આ તકરારો ઊઠે છે ને!
કાલ લખાણ આવ્યું છે કે- સમ્યકજ્ઞાન દીપિકામાં જે કહ્યું છે સોનગઢવાળા કહે છે. સમ્યકજ્ઞાન દીપિકા તો બ્રહ્મચારી ધર્મદાસ ક્ષુલ્લકે કરેલી છે. પ્રભુ! તું આ શું કરે છે? સોનગઢમાં દિગમ્બરના શાસ્ત્રો છપાય છે તેથી પંડિતોના અને આચાર્યોના પુસ્તકો છપાય છે. તેમાં બ્રહ્મચારી ક્ષુલ્લકનું પણ છાપ્યું છે. એથી કરીને એ અભિપ્રાય અમારો છે – એમ કહે છે. અને ધર્મદાસજીનો અભિપ્રાય પણ ખોટો નથી. તે એટલું કહેવા માગે છે કે – જેને માથે પતિ હોય અને કોઈ ભૂલ થઈ જાય પત્નીની તો તે બહારમાં આવતું નથી; તેને દુનિયા દેખતી નથી. તેમ ધર્મી ! આત્માના પ્રેમમાં – રસમાં પડયો છે અને કદાચિત્ કોઈ અશુભ રાગાદિકનો ભાવ આવ્યો તો તેનો ધણી જ્ઞાન સ્વરૂપ પ્રભુ માથે છે તેથી એ દોષ બહાર નહીં આવે. તેને લોકો જાણી શકે તે રીતે એ દોષ બહાર નહીં આવે એમ કહે છે. બાકી દોષ તો દોષ જ છે. એ લખાણ સમ્યકજ્ઞાન દીપિકાનું છે, સોનગઢનું નહીં. સોનગઢ તો દિગમ્બર શાસ્ત્રોને પ્રસિદ્ધ કરે છે તેમાં પંડિતનું શાસ્ત્ર પણ પ્રસિદ્ધ કર્યું.