________________
૩૦૮
કલશામૃત ભાગ-૪ - લીંડી પીપરમાં ચોસઠહોરી તિખાશ ભરી છે. એ લીંડી પીપરને ચોસઠપ્પોર ઘૂટે એટલે સોળઆના પૂરો રૂપિયો. તેને ચોસઠપ્પોર ઘૂટે એટલે તેમાંથી ચોસઠવ્હોરી તિખાશ બહાર આવે. એ તિખાશ કયાંથી આવી? પથરામાંથી આવી? પડી હતી તે બહાર આવી ! તેમ આ ભગવાન આત્મામાં પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, અનંત આનંદ જે પરમાત્માને પ્રગટ થયો છે, તે કયાંથી આવ્યો? પ્રભુ! તને તારા સ્વરૂપની ખબર નથી. તારું સ્વરૂપ પૂર્ણ આનંદાદિથી ભર્યું છે. અંદર અતીન્દ્રિય આનંદનું દળ છે. અતીન્દ્રિય આનંદનો કંદ છે. સમજાય છે કાંઈ ?
ઘણી વખત સકકરકંદનો દાખલો આપીએ છીએ. આ સકકરકંદ એટલે સકરિયા. એ સકરિયાની ઉપર જુઓ તો ઉપર જરાક લાલ છાલ હોય છે. એ છાલ ન દેખો તો અંદર સકકરકંદ છે. સકકર નામ સાકરની મીઠાશનો પિંડ છે...... તેને સકકરકંદ કહ્યું છે. તેમ ભગવાન આત્મામાં દયા-દાન-વ્રત-ભક્તિના વિકલ્પ એ લાલ છાલ છે, તેને ન દેખો તો અંદરમાં આનંદનો કંદ પ્રભુ છે. અરે! કયાં બેસે! આવી વાત સાંભળવા મળે નહીં? એ તો એકાન્ત છે- એકાન્ત છે-એમ કરીને કાઢી નાખ્યું! એ બિચારા પણ શું કરે! સમજાય છે કાંઈ? દાખલો તો નાળિયેરનો પણ આપીએ છીએ. નાળિયેર એટલે શ્રીફળ હોય છે ને! તેના ઉપરના છાલા તે જુદી ચીજ છે, કાચલી તે જુદી ચીજ છે, અને જ્યારે ટોપરાપાક કરે ત્યારે લાલ છાલને ઘસી નાખે છે, એ લાલ છાલ જુદી છે. એ છાલા, કાચલી, લાલ છાલ તેનાથી ભિન્ન અંદર સફેદ મીઠું દળ જે ટોપરું છે, ધોળો મીઠો ગોળો છે તેને નાળિયેર કહીએ.
તેમ આ દેહ છે તે ઉપરના છાલા છે. અંદરમાં આઠ કર્મ તે કાચલી છે. અને દયા-દાનપૂજા ભક્તિના, કામ-ક્રોધના ભાવ તે લાલ છાલ છે. એ લાલ છાલની પાછળ શ્રીફળનો ધોળો મોટો મીઠો આત્મા છે. નાળિયેરનું આનંદનું દળ પડ્યું છે મોટું ભાઈ ! કોઈ દિ' (પોતાની) ખબર ન કરી ! તેની ઉપર નજર નહીં અને લાલ છાલ ઉપર નજર, આ દયા-દાન વ્રત ભક્તિના ભાવ એ ઉપરની લાલ છાલ છે. ફોતરાં છે. આકરું કામ! એ વાત અહીંયા કરે છે.
ભલે શુભભાવ કરી ગાલ-મોટું ફુલાવો અને અમે ધર્મી છીએ એમ માનો, તો તમને કોણ ના પાડે છે. બાપા! પણ છો તો મિથ્યાદેષ્ટિ. અરેરે! અનંત અનંત અવતાર થયા કાગડાનાં, કૂતરાનાં, નરકનાં, નિગોદનાં એ તું ભૂલી ગયો. તે અનાદિનો પ્રભુ છો ને! તો તું કયાં રહ્યો હતો? ચારગતિમાં દુઃખી થઈને રખડતો રહ્યો, નરકનાં, મનુષ્યનાં, તિર્યંચનાં સ્વર્ગનાં એ ચારે ગતિમાં દુઃખ છે, એવા દુઃખના અનંતા ભવ કર્યા. પ્રભુ તું થાકયો નહીં? તને થાક ન લાગ્યો....! પણ હવે તો સમજ! શ્લોક ૧૩૮ માં કહેશે- હવે તો ટાણા આવ્યા પ્રભુ! સમજ તો ખરો પ્રભુ! અંદરમાં અતીન્દ્રિય આનંદનું દળ છે ને! આ ઇન્દ્રિયના વિષયમાં સુખ માને છે એ તો રાગ ને કલ્પના છે. એ તો રાગનું ઝેર છે.
અહીંયા તો વ્રત, તપાદિનો શુભભાવ હો! તેને પ્રભુ તો ઝેર કહે છે. સમયસાર મોક્ષ અધિકારમાં રાગને ઝેર કહ્યું છે. ભગવાન અંદર રાગથી ભિન્ન પડયો છે. અમૃતનો સાગર છે