________________
૩૬૨
કલશામૃત ભાગ-૪ છે. પણ એ નામ જૂઠા છે.
શ્રોતા- ખોટા નામ છે તો સારું નામ શું?
ઉત્તર:- સાચું નામ જ્ઞાન પર્યાય બસ. નામ નિક્ષેપે કહીએ તો એ બધું કહેવાય. આત્માને નામ નિક્ષેપે કહીએ તો આત્મા કહેવાય. બાકી “આત્મા’ શબ્દ એ વસ્તુમાં કયાં છે? વીતરાગનો માર્ગ અચિંત્ય ને અલૌકિક છે. જેના ફળ પણ અચિંત્ય અને અલૌકિક છે.
આહાહા ! અસંખ્ય સમયનું સાધકપણું છે. ભવિષ્યનો સાધ્યકાળ ભૂતકાળથી અનંતગુણો છે. જેમાં આનંદની પ્રાપ્તિ થાય એ ઉપાય કેવો હોય બાપુ! શું કહ્યું એ? સ્વરૂપને સાધવા માટે, પછી પૂર્ણ થવામાં અસંખ્ય સમય જોઈએ, તેને અનંત સમય ન જોઈએ. સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થઈ પછી કેવળજ્ઞાન પામવા માટે ભલે અસંખ્ય સમય જાય. ભલે તે સાત-આઠ ભવ કરે તો પણ તે અસંખ્ય સમયમાં જાય છે. તેના એક એક સમયના ફળમાં અનંત અનંત સમાધિ મળે છે. “અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.... અપૂર્વ અવસર એવો કયારે આવશે.” આહાહા! જેના કાળ અનંત છે. ને ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ અનંતગુણો છે ને ! ભવિષ્યકાળ કેટલો છે?
દરેકને માટે જેણે આત્માને સ્વરૂપનું સાધન બનાવી અનુભવ કર્યો તેના અનુભવથી પૂર્ણતા સુધીનો સમય અસંખ્ય સમય જ છે. અને તેનાં ફળ તરીકે અનંત અનંતકાળ જેમાં અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનનો ભોગવટો થાય એ ચીજ શું છે? સમજાણું કાંઈ?
શ્રોતા- સમજાણું એમ કહેવું પણ કઠણ પડે.
ઉત્તર:- તેથી હળવે હળવે તો કહેવાય છે. અંદરમાં ચૈતન્ય સાગર ઊછળે છે. હવે પછીના કળશમાં અચ્છા-અચ્છા કહેશે. “ગચ્છાચ્છા; સ્વયમુઋત્તિ યતિન” નિર્મળથી નિર્મળ ધારા ઊછળે છે અંદરથી. કેવળીને તો પૂર્ણ નિર્મળ અને સાધકને એક પછી એક નિર્મળધારા ઊછળે છે.
આ નિર્જરા અધિકાર છે ને! સંવરે શુધ્ધિની ઉત્પત્તિ કરી છે. નિર્જરા છે તેણે શુધ્ધિની વૃધ્ધિ કરી છે. મોક્ષ છે તે શુધ્ધિની પૂર્ણતા છે. નિર્જરાના ત્રણ પ્રકાર છે.
(૧) કર્મનું ગળવું એ કર્મનો સ્વતંત્ર સ્વભાવ છે. (૨) પર્યાયમાંથી અશુધ્ધતાનું જવું.
(૩) પર્યાયમાં શુધ્ધતાનું વધવું... એ ત્રણેયને નિર્જરા કહેવાય છે. પેલો તો એકવાત પકડી રાખે કે-કર્મ ખરી ગયા તે નિર્જરા બસ. કર્મ ખરે અને નિર્જરા થાય તે કઈ અપેક્ષાએ બાપુ! કર્મ તો જડ છે, અને ખરવું ન ખરવું એ તો કર્મની પર્યાયની સ્વતંત્રતા છે. કર્મની અકર્મરૂપ પર્યાય થવી તે તેનો સ્વભાવ છે. અહીં શુધ્ધતા પ્રગટ થઈ માટે તે (કર્મની પર્યાય) અકર્મપણે થઈ એમ નથી. જયાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવીને કહ્યું ત્યાં આત્મ સ્વભાવના આશ્રયે શુધ્ધિની વૃધ્ધિ થઈ અને તેના કાળે ત્યાં કર્મની નિર્જરા થઈ છે. આ સંવરપૂર્વક