________________
કલશ-૧૩૪
૨૫૫ પાઠમાં એમ લીધું છે કે- જો એ ઝેર વૈદ્ય ખાય તો મરે નહીં અને એ ઝેર બીજો ખાય તો મરી જાય. એમ જે જ્ઞાની આત્માના આનંદમાં પડયો છે તેને એ ભોગ, સામગ્રીથી નિર્જરા થાય છે. એ ભોગ સામગ્રીમાં અજ્ઞાનીને બંધ થાય છે. અજ્ઞાની જ્યાં હોય ત્યાં હજારો, લાખો ભોગ સામગ્રીમાં ઊભો હોય ત્યાં તેને એમ લાગે કે આ બધું મારું. મારું મારું છે. તેને ઝેરનો પ્યાલો ચડી ગયો છે.
જ્યારે ધર્મી પોતાના સ્વરૂપમાં, પોતાના આનંદમાં રમે છે. જ્ઞાનાદિ અનંતગુણ તે મારા છે. ધર્મીને શુભભાવ આવે તે પણ બોજો લાગે છે. પાપના ભાવને તો ધર્મી કાળો નાગ જાણે છે. અજ્ઞાની એ પાપના ભાવને પ્રેમથી ભોગવે છે... અને પુણ્યભાવમાં ધર્મ થાય એમ માને છે. આવી વાતો છે. ક્યાં પડી છે જગતને કે શું થશે? મરીને ક્યાં જઈશ?
“અથવા કોઈ શુદ્ર મદિરા પીએ છે, પરંતુ પરિણામોમાં કંઈક દુચિન્તા છે” કોઈ શુદ્ર જીવ મદિરા અર્થાત્ દારૂ પીવે છે. તેને પરિણામોમાં કોઈ ચિંતા છે. કોઈનો દિકરો મૃત્યુ પામ્યો છે, તો કોઈને બીજી ચિંતા છે. તે દારૂ પીવે છે છતાં તેને “મદિરામાં રુચિ નથી એવો શુદ્રજીવ” દારૂ પીવા છતાં “મતવાલો થતો નથી” જેવો હતો તેવો જ રહે છે; મધ તો એવું છે કે જો અન્ય કોઈ પીએ તો તત્કાળ મતવાલો થાય; પણ જે કોઈ મતવાલો નથી થતો તે અરુચિ પરિણામનો ગુણ જાણો;
પહેલો દાખલો વૈધનો આપ્યો તે જાણપણાનો હતો અને આ વૈરાગ્યનું દૃષ્ટાંત છે. દારૂ તો એવો છે કે- તે પીવે તો મતવાલો થાય, પરંતુ તે મતવાલો થતો નથી. તે તેની દારૂ પ્રત્યેની અરુચિપણાનો ગુણ જાણવો. કેટલાક સુવાવડમાં સ્ત્રીઓને દારૂ પાય છે, તેને દારૂ પ્રત્યે પ્રેમ હોતો નથી એટલે તે મતવાલો થતો નથી. કોઈ સ્ત્રીનું શરીર સાધારણ પાતળું હોય અને ખોરાક બહુ લેવાય નહીં, સુવાવડમાં શરીર મોળું પડી ગયું હોય તો તેને દારૂ પાય પણ તેને રુચિ નથી એટલે તે મતવાલી થતી નથી. એ તો દાંત થયું.
તેવી રીતે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ નાના પ્રકારની સામગ્રીને ભોગવે છે” હું તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું, એ સિવાય મારી ચીજમાં કોઈ ચીજ છે નહીં. છ ખંડના રાજ્ય હોય તો ધર્મી એ છ ખંડને સાધે છે એમ નથી. સોગાનીજીએ દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશમાં કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ છ ખંડને નથી સાધતો, તે તો અખંડને સાધે છે.
અખંડ એવો આત્મા આનંદકંદ પ્રભુ છે. તે અનંત અનંત ગુણથી ભરેલું એકરૂપ તત્ત્વ છે. એ અભેદ અખંડ છે તેને સમ્યગ્દષ્ટિ સાધે છે. બહારમાં લોકો એમ જુએ છે કે- આ છ ખંડને દુનિયાને સાધે છે પણ એ તો અંદર સ્વરૂપના સાધનને સાધી રહ્યો છે. સમજાણું કાંઈ?
આહાહા! દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિના ભાવ આવે તેમાં અજ્ઞાની ધર્મ માને છે.. તેથી તે મિથ્યાત્વથી બંધાય છે. જ્ઞાનીને પણ શુભાશુભ ભાવ આવે છે છતાં તેમાં તેનું સ્વામીપણું નહીં હોવાથી, તેની રુચિ નહીં હોવાથી તે ભાવ ખરી જાય છે એમ અહીંયા કહેવું છે.