________________
કલશ-૧૩૬
૨૮૭ નહીં, પુણ્યનું નહીં, વ્યવહારનું નહીં, પરનું નહીં પણ એક સમયની પર્યાય એનુંય જ્ઞાન નહીં. આત્મજ્ઞાન એટલે? આત્મા જે ત્રિકાળી દ્રવ્ય આનંદકંદ પ્રભુ છે એ ધ્રુવનું જ્ઞાન, તેને જ્ઞાન કહેવામાં આવે છે. આવો ધર્મ! જૈનધર્મ આવો હશે !? વ્રત પાળવા; દયા પાળવી; છ પર્વી લીલોતરી ન ખાવી; છ પરબી બ્રહ્મચર્ય પાળવું વગેરે આવી વાતની તો અમને સમજ હતી. ભાઈ ! એ તો પરલક્ષી રાગ હતો, એ ધર્મ નહીં.
શ્રોતા:- શુદ્ધભાવની માસ્ટર કૂંચી કહો..!
ઉત્તર- એ કૂંચીની વાત જ કહીએ છીએ ને! સ્વ સ્વરૂપ વસ્તુની પ્રાપ્તિ એમ કહ્યું ને! રાગાદિ જે પર છે તેનો ત્યાગ. કેમકે- જે રાગાદિ છે, પુણ્ય-દયા-દાન-વ્રતાદિ તે બધો પુદ્ગલનો વિસ્તાર છે. એ પુદ્ગલની પ્રજા છે- તે જડની પ્રજા છે, તે તારી પ્રજા અર્થાત્ પર્યાય નહીં. તારી પ્રજા તો જે વસ્તુ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે તેનો પર્યાયમાં અનુભવ થવો, સમ્યગ્દર્શન જ્ઞાન થવું એ પ્રજા ને એ તારી પર્યાય કહેવામાં આવે છે. પર્યાય શું છે? એ પણ હજુ સાંભળ્યું ન હોય. વીતરાગ જૈનદર્શનના એકડાનું પહેલું મીંડુ છે દ્રવ્ય-ગુણ-પર્યાય. દ્રવ્ય એટલે વસ્તુ તેને કહીએ... આ પૈસા તે દ્રવ્ય નહીં. તે તો ધૂળ છે. દ્રવ્ય એટલે અનંતગુણનો પિંડ જે નિર્મળતાને દ્રવે-વહે. પાણીમાં જેમ તરંગ ઊઠે તેમ ભગવાન દ્રવ્ય એટલે અનંત આનંદાદિ અનંતગુણનો પિંડ એ દ્રવે ત્યારે પર્યાયમાં શાંતિ ને આનંદ આવે. એ દ્રવે છે માટે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. એ દ્રવ્યમાં અનંત જ્ઞાન છે.
ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું છે કે પ્રભુ? તારી વસ્તુમાં અનંતજ્ઞાન છે ને નાથ! અતીન્દ્રિય અનંત આનંદ ભર્યો છે ને ભાઈ ! હરણિયાની નાભિમાં કસ્તૂરી, પણ મૃગલાને તેની ખબર નથી. એમ પ્રભુ તારા સ્વભાવમાં એકલો આનંદ ભર્યો છે. અરે ! આવું સાંભળ્યુંય ન હોય !!
શ્રોતાઃ- એકલો ખરો પણ કેટલો?
ઉત્તર- જેનો સ્વભાવ અનંત છે તેનું માપ ન હોય; તેને હદ ન હોય; તેને મર્યાદા ન હોય વસ્તુ છે તેનો સ્વભાવ છે. સ્વ નામ પોતાનો ભાવ-સ્વથી એનો પોતાનો ભાવ. જેમ વસ્તુ અનાદિ અનંત ભગવાન આત્મા છે તેમ તેના જ્ઞાન, આનંદ આદિ ગુણો પણ અનાદિ અનંત ધ્રુવ છે. એ ધ્રુવને અવલંબીને એ ધ્રુવનો આશ્રય કરીને અને જે પર્યાયમાં રાગનો આશ્રય હતો તેની દૃષ્ટિ છૂટી ગઈ. હવે ત્રિકાળી ભગવાનનો આશ્રય થયો. એમાંથી જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ એ તેની પર્યાય- પ્રજા અને તેને ધર્મ કહેવામાં આવે છે. અરે! આવા શબ્દોમાં ટૂંકી વાત છે. સમજાણું કાંઈ
એ શું કહ્યું? પોતાનો લાભ, ૫રદ્રવ્યનો ત્યાગ, એટલામાં બધું આવી ગયું. સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય! તેની પર્યાયમાં આ ઠીક છે તેવો તેનો લાભ અને રાગાદિ સર્વનો ત્યાગ તેનું નામ વસ્તુત્વ ધર્મની પ્રાપ્તિ કહેવામાં આવે છે.