________________
કલશ-૧૩)
૨૦૭ અનુભવ કરવો. આવી વાત છે! સંવર અધિકાર છે ને!
સંવર નામ વિકારનું ઉત્પન્ન ન થવું અને નિર્વિકારી દશાનું ઉત્પન્ન થવું તેનું નામ સંવર કહેવામાં આવે છે. પુણ્ય ને પાપના જે વિકલ્પ છે તે આસ્રવ છે, તેને ભિન્ન કરીને, ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ! તેની સન્મુખ થઈને તેનો અનુભવ અર્થાત્ આનંદનો અનુભવ કરવો... તે સંવર છે- તે ધર્મ છે. રાગથી છૂટવાનો આ ઉપાય છે. ભાવ તો સૂક્ષ્મ છે. પણ ભાષા સાદી છે.
“તાવે-ચાવત” એમ બે શબ્દ પડ્યા છે. આહાહા! અતીન્દ્રિય આનંદ સાગર ચૈતન્ય સ્વભાવ અને આનંદ સ્વભાવથી ભર્યો પડયો આત્મા છે. આહાહા ! શું કહે છે! પેલો શબ્દ આવે છે... છલ્લો છલ તેનું (હિન્દી) લબાલબ. જુઓ ભાઈ ! પ્રભુ! જો તું અંદર આત્મા છો ને!? તે અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદથી ભર્યો છે. તેમાં અપૂર્ણતા નથી, વિપરીતતાય નથી સૂક્ષ્મ છે... ભગવાનનો માર્ગ ભાઈ !
ત્રિલોકીનાથ જિનેન્દ્ર પરમાત્મા.. ઇન્દ્રોની વચ્ચે આ વાત ફરમાવે છે. ત્યાંથી સંતો સંદેશો લાવી અને જગતને જાહેર કરે છે. સીમંધર ભગવાન મહાવિદેહમાં બિરાજે છે. તીર્થકર સર્વજ્ઞ ત્રિલોકનાથનું એક કરોડ પૂર્વનું તો આયુષ્ય છે. એક પૂર્વમાં સીત્તેર લાખ કરોડ, છપ્પન હજાર કરોડ એટલા વર્ષ એક પૂર્વમાં થાય, એવું એક પૂર્વ અને એવા એક કરોડ પૂર્વનું પ્રભુનું આયુષ્ય છે. અત્યારે મહાવિદેહમાં ભગવાન બિરાજે છે. અહીંયા વીસમા તીર્થંકર થયા ત્યારે પ્રભુએ દીક્ષા લીધી હતી. અને પછી તરત જ કેવળજ્ઞાન પામ્યા છે. તે અબજો વર્ષથી બિરાજે છે અને હજુ પણ અબજો વર્ષ બિરાજશે.
સંવત ૪૯ માં દિગમ્બર મુનિ કુંદકુંદાચાર્ય (મહાવિદેહક્ષેત્રમાં) ગયા હતા, ત્યાં આઠ દિવસ રહ્યાં હતા. ત્યાં વાણી સાંભળીને આવ્યા અને પછી આ શાસ્ત્ર બનાવ્યા. આ ભગવાનનો સંદેશ છે. તારી ચીજ અંદરમાં અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિયજ્ઞાનથી લબાલબ ભરી છે, એ તરફનો ઝૂકાવ કર. હવે વિકારનો પુણ્ય-પાપની પરિણતિનો ઝુકાવ છોડી દે! પુણ્ય-પાપના ભાવથી વિમુખ થઈને અને પોતાના સ્વભાવની સન્મુખ થઈને, પોતાનો અનુભવ ત્યાં સુધી કરવો. જ્યાં સુધી પૂર્ણ વિકલ્પથી છૂટી ન જાય. પૂર્ણ પણે પરથી છૂટી ન જાય ત્યાં સુધી અંદરમાં ધ્યાન નામ અનુભવ કરવો. આવી વાત છે! સાધારણ માણસ આમાં શું સમજે? વ્રત કરો ને અપવાસ કરો ને જાત્રા કરો ને..! એ તો બધા વિકલ્પ-રાગ છે.
અહીંયા તો સંવર અધિકાર ચાલે છે ને! કહે છે કે- “તાવત તેટલા કાળ સુધી યથાવત જેટલા કાળમાં” જ્યાં સુધી પૂર્ણ વિકલ્પથી રહિત ન થાય ત્યાં સુધી અનુભવ કરવો. આહાહા ! પહેલાં સમ્યગ્દર્શનમાં પછી શુભાશુભ રાગ જે આસ્રવ છે... તેનાથી ભિન્ન કરીને આત્માનો અનુભવ કરવો. પહેલાં આત્માના આનંદનો થોડો સ્વાદ પણ આવ્યો, પરંતુ જ્યાં સુધી પૂર્ણ આનંદનો સ્વાદ ન આવે ત્યાં સુધી રાગથી ભિન્ન કરી, અનુભવ કરવો. સમજમાં આવ્યું?