________________
૨૪૬
કલશામૃત ભાગ-૪ જ્યારે વિચાર કરે ત્યારે તેમાં મન નિમિત્ત થાય. આ વાણી જે જડ છે. શરીર જડ, મન જડ, વાણી જડ ત્રણેય જડ છે, તે બધી કર્મના ઉદયની સામગ્રી છે. આત્માનો વેરી કર્મ છે અને એ કર્મનો આ બધો પથારો વિસ્તાર છે.
પૂર્વે બાંધેલા જ્ઞાનાવરણાદિ કર્મ તે આઠ કર્મ છે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદનીય, મોહનીય, અંતરાય, નામ, આયુ ને ગોત્ર.... એ આઠ પૂર્વે બાંધેલા કર્મ છે. સમ્યગ્દષ્ટિને પણ પૂર્વે નામકર્મને લઈને.. બહારમાં સામગ્રી મળે છે. કોઈને ચક્રવર્તીનું પદ મળે. શરીર, મન, વચન, ઇન્દ્રિય વગેરે બધું માટી છે. આ આંખની ઇન્દ્રિય મળી તે પૂર્વે બાંધેલા કર્મના નિમિત્તે મળી. સુખ-દુઃખ એટલે જે સુખ- દુઃખની કલ્પના થાય તેની વાત નથી પરંતુ અનુકૂળ અને પ્રતિકૂળ જે સામગ્રી મળી તે પૂર્વના કર્મને લઈને મળી છે. આ પાંચ-પચીસ લાખ, કરોડ, બે કરોડ, પાંચ કરોડ એ બધી ધૂળ છે અને અજ્ઞાનીએ માનેલા સુખમાં એ સામગ્રી નિમિત્ત છે.
પત્ની સારી, છોકરાં સારા, દુકાન સારી, વેપાર સારો, મહિને લાખ બે લાખ પેદા કરે, મુનિમ સારા કામ કરતા હોય શેઠિયા દુકાનેથી ચાલ્યા જાય.. પછી પાછળ મુનિમ સારું કામ કરે, પાંચ-પચાસ લાખની પેદાશ મહિને હોય તો છાતી ભરાય ( ફૂલી) જાય. એ બધી જડની સામગ્રી છે પ્રભુ તારી નહીં. કર્મથી મળેલ સંયોગોથી તારી ચીજ ભિન્ન છે. એ બહારની સામગ્રીને અહીંયા સુખ-દુઃખ કહેલ છે. સુખ-દુઃખ એટલે સુખ-દુઃખની કલ્પના થાય તે વાત અહીંયા ન લેવી. અહીંયા બહારની સામગ્રી લેવી.
આ પત્ની, છોકરાંવ, પૈસા, પચાસ લાખના મોટા બંગલા તેને અજ્ઞાની સુખની સામગ્રી માને છે અને દરિદ્રતાને દુઃખ માને છે. નરકમાં તિર્યંચમાં અવતર્યો એ બધા કર્મની સામગ્રીના ફળ છે. “સુખ-દુઃખરૂપ નાના પ્રકારની સામગ્રી” “નાના' એટલે અનેક પ્રકારની બહારની બન્ને પ્રકારની સામગ્રી કર્મને લઈને મળે છે. જુઓને! આ શાંતિ પ્રસાદ-શાહુજી શેઠ ગુજરી ગયા. ચાલીસ કરોડ રૂપિયા છે. ચાલીસ લાખનો બંગલો છે. પેલા ગોવાના શાંતિલાલ ખુશાલચંદતેની પાસે બે અબજ ને ચાલીશ કરોડ રૂપિયા. તે હમણાં દોઢ વરસ પહેલાં ગુજરી ગયા. તેના બહેનની બે દિકરીયું અહીં બાળ બ્રહ્મચારી છે. તે પાનસણાનો હતો. જ્યારે તે ગોવા ગયો ત્યારે કાંઈ નહોતું. પછીથી બે અબજ, ચાલીસ કરોડ રૂપિયા છે. ચાલીસ લાખના બે બંગલા અને ગોવામાં દસ-દસ લાખના બે બંગલા છે. સાઈઠ લાખના તો બંગલા છે. મુંબઈમાં હાર્ટફેઈલ થતાં તે પાંચ મિનિટમાં મરી ગયો. મને દુઃખે છે, ડોકટરને બોલાવો! ડોકટર આવ્યા પહેલાં દેહની સ્થિતિ પૂરી થઈ ગઈ. જે કાળે સ્થિતિ પૂરી થાય તેને ઇન્દ્ર કે નરેન્દ્ર કોઈ રાખી શકે નહીં. ઇન્દ્ર પોતે મરી જાય, ડોકટરો મરી જાય છે ને ક્ષણમાં! એ સંયોગી ચીજ તેની સ્થિતિ પ્રમાણે રહેશે.
ભગવાન ચિદાનંદ પ્રભુ અંદર છે ને! તેની જેને ખબરું નથી, તેને જ્ઞાન ને વૈરાગ્યના બળનું સામર્થ્ય નથી. તે આ સામગ્રીમાં મૂર્ણાય જાય છે એમ કહે છે.