________________
કલશ-૧૨૭
૧૭૯ આ તો સ્પષ્ટીકરણ છે. “ભાવશ્રુતજ્ઞાનેન ધારાવાદિના” એટલે કે – ભાવશ્રુતજ્ઞાન અંદર આત્મામાં જામી ગયું છે. આ ધ્યાતા ને હું ધ્યાન કરું છું તેવા જ્યાં ભેદ નથી, ઉપયોગ અંદરમાં લીન થઈ ગયો છે. તેની ધારા કાયમ રહે છે. તેને ધારાવાહી કહે છે. બીજું ધારાવાહિક એવું કે – અંદર કાયમ ન રહી શકે. વિકલ્પમાં આવી જાય છે... પણ શુદ્ધની શ્રદ્ધા જ્ઞાન ને રમણતાનો જે પ્રગટ સ્વાદ આવ્યો છે એ કાયમ રહે છે.
કેવું છે ભાવશ્રુતજ્ઞાન? (ધારાવાદિના) અખંડિત ધારાપ્રવાહરૂપ નિરંતર પ્રવર્તે છે. (ધ્રુવમ) આ વાત નિશ્ચિત છે.” એટલે કે જે અંદર શુદ્ધ ચૈતન્યના ઉપયોગમાં ગયો એ ગયો, હવે બહાર વિકલ્પમાં આવે નહીં. તેને પણ ધારાવાહિક કહે છે. એકદમ (શુદ્ધોપયોગ) થઈ અને એકદમ કેવળજ્ઞાન પામે તે એક. બીજો ધારાવાહી એ કે- (સ્વરૂપમાં) લીન થયો, ભાન થયું, વેદન થયું... પણ, અંદર રહી શક્યો નહીં, પાછો વિકલ્પમાં બહાર આવ્યો. તો પણ જે શુદ્ધની પરિણતિ થઈ છે, જે શ્રદ્ધા જ્ઞાનની આનંદની દશા થઈ છે એ કાયમ રહે છે. રાગ આવ્યો છતાં રાગ હો! રાગને સ્થાને તો શુદ્ધ પરિણતિ પ્રગટી છે તે કાયમ રહે છે. વીતરાગ નથી તેથી રાગ આવે છે, ઉપયોગ અંદર રહી નથી શકતો... (સ્વરૂપથી) ખસી જાય છે એટલે રાગમાં આવ્યો, એ જાણે રાગ છે એમ ! છતાં પરિણતિમાં શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન ને શાંતિ જે પ્રગટેલી છે તે તો ધારાવાહિક કાયમ રહે છે.
શ્રોતા:- તેનો સ્વાદ જીભ પર બેઠો રહે છે?
ઉત્તર- કાયમ રહે છે. એ શુદ્ધ પરિણતિ ક્યાં જાય? ઉપયોગ ખસી ગયો. ઉપયોગ જે અંદરમાં જામી ગયો હતો એ ખસી ગયો છે. આવી વાતો છે! હવે આમાં વાદ-વિવાદ કરે માણસને શું હાથ લાગે ! બાપુ! આ મારગડા જુદા છે.
આહાહા ! કહે છે કે - “આત્મા... આત્માનમ્' આત્મા આત્માને પામીને. એટલે શુદ્ધ સ્વરૂપના સમ્યગ્દર્શનને પામ્યો, સમ્યજ્ઞાન થયું અને તેને આનંદનો સ્વાદ પણ આવ્યો છે. ઉપયોગ અંદરમાં જામી રહે તો તો અલૌકિક વાતું છે. જો ઉપયોગ ધારાવાહી રહે તો અલ્પકાળમાં કેવળજ્ઞાન થઈ જાય. પણ એમ ન રહી શકે તો શુદ્ધ સમ્યગ્દર્શન જે થયું, શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે તેની પ્રતીતિ થઈ, જે સ્વ શેયનું જ્ઞાન થયું અને જે પવિત્રતા પ્રગટ - વ્યક્ત થઈ તે ધારાવાહિકકાયમ રહે છે. શુભરાગ હોવા છતાં... (શુદ્ધ પરિણતિ કાયમ રહે છે.) સમજાણું કાંઈ ? આવું ક્યાં સાંભળ્યું હોય? આ મારગડા જુદા ભાઈ !
અહીં કહે છે કે – રાગ આવ્યો, દુઃખ આવ્યું, પણ જેટલો આનંદનો સ્વાદ અને પવિત્રતા પ્રગટી એટલી કાયમ રહે છે... તેને ધારાવાહિક કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો એક (શુદ્ધ) ઉપયોગરૂપ કાયમ રહેવું અને બીજું અંદરમાં લબ્ધરૂપ શુદ્ધ પરિણતિ થઈ તેનું કાયમ રહેવું (તે બે પ્રકાર.) ઉપયોગ ભલે વિકલ્પમાં જાય પણ અંદર-આનંદની શુદ્ધ ધારા છે એ તો કાયમ રહે છે. – આ રીતે ધારાવાહીના બે અર્થ છે.