________________
૧૩૬
કલશામૃત ભાગ-૪ અનંતકાળ રહેશે. વળી કેવું છે શુદ્ધજ્ઞાન? “તું” ત્રણ લોકમાં જેને સુખરૂપ પરિણમનનું દેષ્ટાંત નથી. આવો શુદ્ધ જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો. આહાહા! ભગવાન આત્મા... પોતાના સ્વરૂપનો અનુભવ સમ્યગ્દર્શન કરીને પછી જ્યાં કેવળજ્ઞાન પ્રગટ થયું તો તેમાં અનંત આનંદ આવ્યો. એ અનંત આનંદની જગતમાં કોઈ ઉપમા નથી.
બધા અબજોપતિ છે તે ધૂળપતિ છે. પેલો ઈરાક દેશ છે તે નાનો છે પણ ત્યાં પેટ્રોલ બહુ નીકળે છે. ત્યાંના રાજાને એક કલાકમાં દોઢ કરોડની ઉપજ છે. ત્યાંનો મુખ્ય રાજા હતો તેને હમણાં કોઈએ મારી નાખ્યો.. અને તેનો ભાઈ ગાદીએ બેઠો. આટલી બધી પેદાશ, આટલી બધી મોજ-મજા ભાઈ સહન કરી શક્યો નહીં. તેને ભાઈને મારીને પોતે ગાદીએ બેઠો. એ પણ મરીને નરકે જવાનો છે. એક કલાકની દોઢ કરોડની પેદાશ તો ચોવીસ કલાકની કેટલી થઈ! મરીને બધા હેઠે – નરકે જવાના છે. આ આત્મજ્ઞાની છે તે બે ચાર ભવમાં કેવળજ્ઞાન પામીને મોક્ષે જવાના. આહાહા ! આવી વાતો છે.
આહા! જેના સુખના પરિણામનું દૃષ્ટાંત નથી. ભગવાન અતીન્દ્રિય આનંદ સ્વરૂપ... તેના (લ) જે સમ્યગ્દર્શન થયું. તેમાં જે આનંદનો સ્વાદ આવ્યો તેની ઉપમા નથી.- એને વેદનાર જાણે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તેમાં અનંત. અનંત અતીન્દ્રિય આનંદ છે. એ આનંદનું કોઈ દષ્ટાંત જગતમાં નથી. ઈન્દ્રિય સુખથી વધારે અનંતગણું એવું પણ જેમાં નથી. કેમકે ઇન્દ્રિય સુખ તો ઝેર છે. ઇન્દ્રોને-દેવોના સુખની કલ્પના તો ઝેરની છે. અહીં તો અતીન્દ્રિય આનંદનું સુખ. ભગવાન આત્માના સુખને (સરખાવવા) કોઈ દષ્ટાંત છે નહીં. “આવો શુદ્ધ જ્ઞાન પ્રકાશ પ્રગટ થયો.” આ અધિકાર પૂરો થયો.
છઠ્ઠી ગાથામાં આચાર્યદેવે કહ્યું કે જ્ઞાયક આત્મા શુદ્ધ છે. પણ કયારે? કે જ્યારે સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવે ત્યારે તેને “શુદ્ધ' કહેવાય છે. ધ્રુવ સ્વભાવ સન્મુખ પર્યાય થઈ ત્યારે નિર્વિકલ્પ થઈ, એટલે ‘પ્રમત્ત છું કે અપ્રમત છું’ એવા કોઈ ભેદનું લક્ષ તેને ન રહ્યું; આ રીતે પર્યાય પોતાના અખંડ સ્વભાવ સન્મુખ લીન થઈ ત્યારે તે આત્માને શુદ્ધ કહ્યો; તેણે જ્ઞાયક સ્વભાવની ઉપાસના કરી, તેણે શુદ્ધ આત્માને ઉપાદેય કર્યો. આ રીતે “પર્યાય દ્રવ્યમાં ઘૂસી ગઈ' એટલે કે અભેદ થઈ ત્યારે તેમાં દ્રવ્ય ઉપાદેય થયું. જેને આવી પર્યાય થઈ તેને જ દ્રવ્યને શુદ્ધ-અક્રિય કહેવાનો હક્ક છે. પર્યાયને આત્મામાં એકાગ્ર કર્યા વગર એકલું શુદ્ધ શુદ્ધ કર્યું તે તો વિકલ્પવાળું જ્ઞાન છે, તે તો શાસ્ત્રના શબ્દોની માત્ર ધારણા છે.
(આત્મધર્મ અંક નં-૩૨૪, પેઈજ નં-૨૮)