________________
કલશ-૧૨૫
૧૫૯ કાળલબ્ધિ પાકી ગઈ. તેને નિર્મળ પર્યાય પ્રગટ થઈ એ કાળલબ્ધિ. ક્યારે થશે? પુરુષાર્થ સ્વભાવમાં ઠરશે ત્યારે કાળલબ્ધિ થશે. અહીંયા તો કહે છે કે- પુરુષાર્થ સ્વભાવમાં ઠરશે ત્યારે કાળલબ્ધિ થશે. ભગવાન (પરિણતિ) અંદર જાશે. ત્યારે તેની કાળલબ્ધિ પાકી ગઈ.
“કોઈ આસન્ન ભવ્ય જીવ સમ્યકત્વરૂપ સ્વભાવ પરિણતિએ પરિણમે છે” જુઓ, આસન્ન ભવ્ય જીવ. જેને સંસાર થોડો છે હવે નજીક છે હવે, મોક્ષને માટે નજીક છે. આસન્ન નામ નજીક છે જેના સંસારનો અંત એવા ભવ્ય જીવો. આહા! આસન્ન ભવ્ય તે ભવ્ય તો છે પણ આસન્ન ભવ્ય છે. તેનો મોક્ષ થવાનો અલ્પ કાળ છે. સંસારનો અંત આવવાની હવે તૈયારી છે. એવા આસન્ન ભવ્ય.
“જીવ સમ્યકત્વરૂપ સ્વભાવ પરિણતિએ પરિણમે છે.” જુઓ, એ જીવો સમ્યકત્વરૂપ આત્માના આનંદનો નાથ પ્રભુ તેની શ્રદ્ધાના સમ્યકરૂપે પરિણમે છે. પર્યાય થાય છે. શુદ્ધ ચૈતન્ય આનંદઘન પ્રભુ તેની શુદ્ધ પરિણતિરૂપે-પર્યાયરૂપે પરિણમે છે. તે સમકિતી છે. આવી વાતો આકરી પડે શું થાય? લોકોને બીજે રસ્તે ચડાવી દીધા છે. અંદરમાં જવાનો જે મૂળ રસ્તો છે તે બંધ કરી દીધો છે.
આહાહા! અંતરાત્મા અંતર છે. બહિરાત્મા તે તો રાગદ્વેષ વિકારમાં છે. તે અનાત્મા છે. અંતરાત્મા પ્રભુ જે છે એ તો એક સમયની અવસ્થા સિવાયનું દ્રવ્ય અંતરમાં છે. બહારમાં તો એક સમયની પર્યાય, પુણ્ય-પાપના ભાવ તે બાહ્ય છે. બાહ્યને પોતાનું સ્વરૂપ માને છે એ મિથ્યાત્વ છે. બાહ્યની દૃષ્ટિ છોડીને અંતર ભગવાનની દૃષ્ટિ કરે તે સમકિત છે. આવી માલ માલની વાતો છે.
આહા! માલ તો અંતરમાં શાંતિ પડી છે તે તારો માલ છે. પુણ્ય-પાપના ભાવ એ તારો માલ છે? એમાં બાહ્યમાં હજુ તો પૈસા પાંચ-દશ લાખ મળે, ધૂળ મળે ત્યાં તો જાણે અમને કાંઈ મળ્યું. સાંભળને નાથ ! તને સાન્નેપાત વળગ્યો છે.
પ્રશ્ન:- આજકાલ તો ધૂળની પણ કિંમત છે અને આ તો કિંમત વિનાનો છે?
ઉત્તર- અણમોલી ચીજ પ્રભુ છે. જેની કિંમત આંકવી મુશ્કેલ છે. એનું મહાભ્ય છોડીને, જગતની ચીજનું મહાભ્ય કરે છે. તે મિથ્યાષ્ટિ છે. આવું છે બાપા! અરે.... ભગવાન ! અંતરમાં પ્રભુ બિરાજે છે. તેનું મહાભ્ય, તેની વિસ્મયતા, તેની અભૂતતા, આશ્ચર્યતા છોડી દઈને. તે પુણ્ય ને પાપની મહિમા અને તેના ફળની મહિનામાં રોકાય ગયો છે. હેરાન થઈ ગયો છે.
“આસન્ન ભવ્યજીવ સમ્યકત્વરૂપ સ્વભાવ પરિણતિએ પરિણમે છે” આહાહા! અંદર જે શુદ્ધ ચૈતન્ય પ્રભુ તેની પર્યાય નિર્મળપણે પરિણમે છે. એ સંવર છે-ધર્મ છે. ભાષા જુઓ સ્વભાવ પરિણતિ અને આગળ વિભાવપરિણતિ તેમ કહ્યું હતું. મિથ્યાત્વ અને રાગ-દ્વેષ તે વિભાવ પરિણતિ છે. આ સમકિત પરિણતિ તે સ્વભાવ દશા છે. આહા ! ઝીણી વાત છે પ્રભુ!