________________
૯૬
કલશામૃત ભાગ-૪ આવું સમ્યગ્દર્શન અનંતકાળમાં થયું નથી. મુનિવ્રત અનંતવાર લીધા, શ્રાવકના બાળવ્રત અનંતવાર લીધા પરંતુ એ બધું મિથ્યાષ્ટિપણે કર્યું.
અહીં કહે છે- સમ્યગ્દર્શન થયું તો એટલા કાળ સુધી ચારિત્રમોહકર્મ સર્પની પેઠે બંધાયું થકું પડયું છે. ચારિત્ર મોહકર્મ બસ પડયા છે, કેમકે સમકિતીને બંધ થતો નથી. ચારિત્રમોહ કર્મનો ઉદય હોય છે અને તેમાં અસ્થિરતાનું જોડાણ થાય છે તેને અહીંયા ગણવામાં આવ્યું નથી. તેને રાગની એકતાબુદ્ધિની દૃષ્ટિ છૂટી ગઈ છે. અસ્થિરતાનો રાગ આવ્યો તેને અહીંયા ગણવામાં આવ્યો નથી.
“ચારિત્ર મોહકર્મ કીલિત (મંત્રથી ખંભિત થયેલા) સાપની માફક પોતાનું કાર્ય કરવાને સમર્થ ન હતું; (દર્શનમોહમાં ) મિથ્યાત્વ-રાગ-દ્વેષને ઉત્પન્ન કરવાની જેવી તાકાત હતી તેવી તાકાત ચારિત્ર મોહ કર્મમાં નથી.
જ્યારે તે જ જીવ સમ્યકત્વના ભાવથી ભ્રષ્ટ થયો થકો મિથ્યાત્વભાવરૂપ પરિણમ્યો ત્યારે” અહીંયા તો મિથ્યાત્વની મુખ્યતાથી વાત લેવી છે. ભગવાન જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપ પ્રભુ જેને દૃષ્ટિના વિષયમાં ધ્યેયપણે લીધો હતો તેની પ્રતીત છૂટી ગઈ. અને મિથ્યાત્વ ભાવરૂપે પરિણમ્યો. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-ભગવાનનું સ્મરણ પંચ પરમેષ્ઠીનું સ્મરણ તે બધો રાગ છે. એ રાગની રુચિ થતાં તેનાથી મને લાભ થશે તેવા મિથ્યાત્વભાવરૂપે પરિણમ્યો. “ત્યારે ઉત્કીલિત સાપની માફક” જેમ સર્પ જાગ્યો તેમ એ પ્રમાણે ચારિત્રમોહકર્મનો બંધ થાય છે. જો મિથ્યાત્વ હોય તો ચારિત્રમોહનું જોર હોવાથી ફૂંફાડા મારે છે.
“ચારિત્રમોહકર્મનું કાર્ય જીવના અશુધ્ધ પરિણામનું નિમિત્ત થવું તે” જુઓ ! અશુધ્ધ પરિણામમાં નિમિત્ત થવું તે ચારિત્રમોહ કર્મનું કાર્ય છે. અશુધ્ધ પરિણમન કોઈ કર્મ કરાવતું નથી. કેમકે કર્મ તો નિમિત્તમાત્ર છે. જીવ અશુધ્ધ પરિણામ કરે છે તો તેમાં ચારિત્ર મોહકર્મ નિમિત્તમાત્ર છે. સમ્યગ્દષ્ટિ ધર્મી જીવને મિથ્યાત્વના અશુધ્ધ પરિણામ તો છે જ નહીં. તે અહીં બતાવવું છે.
“જીવના અશુધ્ધ પરિણામનું નિમિત્ત થવું તે” કર્મના કારણે અશુધ્ધ થયો છે એમ નથી. અશુધ્ધતા થવામાં કર્મ તો નિમિત્ત માત્ર જ છે. કર્મ પર છે, જડ છે, ધૂળ છે. રાગની રુચિ કરી પોતાના પરિણામ મલિન કર્યા ત્યારે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. અરેરે ! આવી વાત તેને બદલે લોકો કહે છે કે- કર્મના જોરના લઈને મને આમ થાય છે. અરે! મૂઢ સાંભળને! ‘કર્મ બિચારે કૌન” તે તો અજીવ-જડ-ધૂળ છે. જેમ આ (માટી) જાડી ધૂળ છે તેમ (કર્મ) ઝીણી ધૂળ છે. કર્મ અજીવ છે તેથી તેને તો એ ખબર નથી કે અમે કર્મ છીએ કે નહીં? જડ છીએ કે નહીં?
અહીંયા પરમાત્મા એમ કહે છે કે જ્યારે તે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયો તો રાગની રુચિમાં મિથ્યાત્વના અશુધ્ધ પરિણામ થયા... તેમાં કર્મ નિમિત્ત થયા. સમજમાં આવ્યું?