________________
८४
કલશામૃત ભાગ-૪ | વિકલ્પમાં દેખાય છે ને!? તમને દેખાય છે પણ અંદરમાં એમ નથી. આવી વાત છે.
આવી વાત અત્યારે ક્યાંય વાડામાંય છે નહીં. અમે તો બધું દેખ્યું છે ને ! બહારની ક્રિયા કરો, ઉપધાન કરો, ઉપવાસ કરો, વ્રત પાળો, ઓછા દ્રવ્ય ખાવ, પચ્ચીસમાંથી વીસ છોડી દ્યો અને પાંચ ખાવ આવી બધી ક્રિયાકાંડની અને રાગની વાતો છે. એ ભગવાન આત્માના સ્વભાવની વાત નથી. વીતરાગ જિનેન્દ્રદેવ કહે છે એ વાત નથી ભાઈ ! સમજમાં આવ્યું?
અહીં આ વાત કેમ લીધી? સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધતાના પરિણમનમાં આવ્યો અને તે દેખાય કે – અહીં વેપારમાં બેઠો છે, ધંધો કરતો લાગે છે, પરમાત્માની ભક્તિ કરે છે, શાસ્ત્ર વાંચે છે, (દેવ) શાસ્ત્ર – ગુરુની પૂજા કરે છે... એમ તે શુભરાગમાં વર્તતો દેખાય છે ને!? સમજમાં આવ્યું? તેને કહે છે – પ્રભુ! તને તારા સ્વરૂપના મહાભ્યની ખબર નથી. જિનેશ્વરના સ્વરૂપની, આનંદના મહાભ્યની દશા પ્રગટ થઈ તે પ્રગટ થઈ, તેને રાગાદિ છે છતાં તે રાગાદિમાં વર્તતો નથી. રાગ હોવા છતાં હોં! રાગમાં વર્તતો નથી તે સ્વભાવમાં વર્તે છે.
જિન સો હી હૈ આત્મા, અન્ય સો હી હૈ કર્મ;
યહી વચનસે સમજ લે, જિન પ્રવચનકા મર્મ.” ભગવાન અંદર જિન સ્વરૂપ પ્રભુ છે. પોતાના જિનસ્વરૂપમાં જ્યાં એકાગ્ર થાય છે ત્યારે પર્યાયમાં જૈનત્વ પ્રગટ થયું એનું નામ જૈન છે. આ વાડામાં જૈન પડ્યા છે તે જૈન નહીં. ણમો અરિહંતાણંની ભક્તિ કરે માટે જૈન, એ જૈન છે જ નહીં. આહાહા! જૈન પરમેશ્વર તેને જૈન કહે છે, જેની પર્યાયે રાગને જીતી ને રાગથી ભિન્નપણે પોતાની પરિણતિ પ્રગટ વર્તે છે તે જૈન છે. આવું સાંભળવા કોઈક દિવસ મળે એવું છે. આવી વાત છે. શું થાય!!
એક સમયની પર્યાયની પાછળ આખું તત્ત્વ, પિંડ ભગવાન આનંદનો નાથ અંદર પડ્યો છે. આહાહા! આ વિકલ્પ ઊઠે તે રાગ છે. રાગનું જ્ઞાન કરનારી જે જ્ઞાનની એક સમયની પર્યાય છે તે પર્યાયની સમીપે આખું તત્ત્વ, ભગવાન પૂર્ણાનંદનો નાથ આત્મા પડયો છે.
હાથી હોય તેને ઘાસ અને ચુરમું ખવડાવે પણ બીજાં પેલાં કોઠાં ખવડાવે. આજથી પોણોસો (૭૫) વર્ષ પહેલાંની વાત છે ત્યારે ઉમરાળામાં હાથી આવેલ. કાળુભાર નદીના કાંઠે કોઠાં બહુ થાય એ કોઠાં હાથીને ખવડાવે. એ કોઠાંમાંથી હાથી કસ લઈ લ્ય અને પછી આખાને આખા બહાર નીકળે. આ નાની ઉંમરમાં નજરે જોયેલી વાત છે. કોઠાનો આકાર એવોને એવો રહે અને અંદરનો રસ લઈ લ્ય. તેમ ધર્મી જીવે પુષ્ય ને પાપના વિકલ્પના કાળે પોતાના ચિદાનંદનો રસ લઈ લીધો છે. તેણે રાગના ખોખાં ઊડાવી દીધા છે. આ તો બધું નજરે જોઈને બધાં નિર્ણય કરેલાં હો ! અમે એમ ને એમ માનીએ નહીં.
ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ છે, એનો સમ્યગ્દર્શન જ્ઞાનમાં આત્માના આનંદનો રસ આવ્યો. રાગના ખોખાં તો એવા ને એવા આમ ક્રિયાઓમાં દેખાય છે. લોકોને લાગે કે – ધર્માત્મા આમ કરે છે. આમ કરે છે... પણ એ રાગમાં છે જ નહીં, એ તો આત્માના રસમાં છે.