________________
કલશ-૧૨૧
૮૯ બતાવીને એમ બતાવવું છે કે – દ્રવ્ય ઉપર નિરંતર દષ્ટિ રાખવી. તાત્પર્ય-ભાવાર્થ તો આ કાઢવાનો છે.
પોતાના સ્વરૂપનું ભાન થયું પછી ફરી તેને રાગની રુચિ થઈ. અનાદિથી જે રુચિ હતી તે પાછી આવી ગઈ... તેથી સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયો. સમકિતથી ભ્રષ્ટ થયો તેથી મિથ્યાત્વમાં ગયો. શુદ્ધનય એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ – આ શુદ્ધનયની વ્યાખ્યા. શુદ્ધ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપની દૃષ્ટિ અને અનુભવથી ભ્રષ્ટ થયો છે. “તથા રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણામરૂપે થાય છે.” હવે તે પુણ્ય-પાપના રાગરૂપ જ પરિણમન કરે છે. સમ્યગ્દર્શનમાં શુદ્ધ ચૈતન્યનું જે પરિણમન હતું તેની દષ્ટિ છૂટી ગઈ.. અને તે દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના શુભભાવના ઉત્સાહમાં આવી ગયો. તેના પ્રેમમાં પડી ગયો એથી સમ્યકત્વથી ભ્રષ્ટ થયો. આવું કામ છે ભાઈ શું થાય ! પ્રભુનો માર્ગ એવો છે.
ત્રિલોકીનાથ જિનેન્દ્રદેવ વીતરાગ પરમાત્મા મહાવિદેહમાં બિરાજે છે. મહાવીર પરમાત્મા આદિ અત્યારે મોક્ષ પધારી ગયા. તેઓ ણમો સિદ્ધાણંમાં ગયા. મહાવિદેહના (સીમંધર) ભગવાન તો ણમો અરિહંતાણમાં બિરાજે છે. સંવત ૪૯ ની સાલમાં કુંદકુંદાચાર્ય તેમની પાસે ગયા હતા.. આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી આવી તેમણે આ શાસ્ત્ર બનાવ્યા છે. એ (સમયસાર ની) ટીકા કરનારા અમૃતચંદ્રાચાર્યના આ શ્લોક છે. ગજબ વાત છે.
એ શુભરાગની (ફરીથી) રુચિ થઈ, પ્રેમ થયો તો તે સ્વરૂપનો પ્રેમ અને દૃષ્ટિથી ભ્રષ્ટ થયો. સમ્યગ્દર્શન જ્ઞાનમાં રાગ આવતો હતો પણ તે રાગનો જાણવાવાળો રહેતો હતો. હવે મિથ્યાષ્ટિ થયો તો રાગની રુચિમાં ઘૂસી ગયો. આહાહા! આ તો વીતરાગ માર્ગ છે. રાગની રુચિ એ વીતરાગ માર્ગ નહીં. એ તો રાગીનો અજ્ઞાનીનો માર્ગ છે. આકરું કામ છે ભાઈ ! શું થાય...! આખી દુનિયાને અમે જાણીએ છીએને! આ માર્ગ કોઈ બીજી જાતનો છે.
“ભ્રષ્ટ થયા છે તથા રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણામરૂપે થાય છે.” “૩પયાત્તિ' એના રૂપને પામે છે. સ્વરૂપને પામેલાઓ સ્વરૂપથી ભ્રષ્ટ થઈને.. રાગ-દ્વેષને પામે છે.
“એવા છે જે જીવ તે કર્મબંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુગલપિંડ નવા ઉપાર્જિત કરે છે.” અજ્ઞાની આઠે કર્મને બાંધે છે. જ્ઞાની થયો તે આઠકર્મનો ક્ષય કરતો તેમ કહ્યું હતું. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં કરતાં તે સ્વભાવથી ભ્રષ્ટ થઈ અને પુણ્ય-પાપના પરિણામ, દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ એટલે શુભરાગ તેની રુચિમાં ઘૂસી ગયો... એ ભગવાન આત્માની રુચિથી ભ્રષ્ટ થયો થકો તે આઠે કર્મને બાંધે છે. સમજમાં આવ્યું?
આવી વ્યાખ્યા હવે! શું આ તે કાંઈ નવું હશે? જૈનમાર્ગમાં, આવો નવો માર્ગ હશે? અરે.... પ્રભુ! તને ખબર નથી કે – જૈનધર્મ શું છે? ભાઈ ! તને એની ખબર નથી બાપા! જૈનધર્મ કોઈ અલૌકિક ચીજ છે.