________________
૮૨
કલશામૃત ભાગ-૪ વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, ઉપધાન કરો એ બધી હોળી છે. રાગની ક્રિયા એ તો સંસાર છે... ભાઈ ! તને ખબર નથી.
આહાહા! તું ક્યારેય રાગરૂપ થયો જ નથી. એ તો શાંતરસનો કંદ છે-દળ છે. તેનો અનુભવ કરવાથી નિરંતર શુદ્ધ પરિણતિ રહે છે. ફરીને કદી પ્રમાદ થઈ જાય અને શુદ્ધ પરિણતિ નિરંતર ન રહે તેમ નથી – એમ કહે છે. હજુ તો પહેલી ચીજ શું છે તે સમજવું કઠણ પડે. આહાહા! જિંદગીયું ચાલી જાય છે. નિર્ધનતામાં દુઃખ માનીને જિંદગી ચાલી જાય છે. સધનતામાં ઠીક છે, અમે સધન છીએ એવી માન્યતાની ભ્રમણમાં જિંદગી ચાલી જાય છે.
આહાહા! મારો નાથ અતીન્દ્રિય આનંદ અને શાંતરસથી ભર્યો છે. શાંતિ... શાંતિ... શાંતિ એવો મારો ધ્રુવ સ્વભાવ પડ્યો છે. એ (સ્વભાવની) અંદરમાં જતાં. એની શુદ્ધધારા નિરંતર વહે છે એમ કહે છે.
કોઈ જાણશે કે સર્વકાળ પ્રમાદી રહે છે, ક્યારેક એક, જેવો કહ્યો તેવો થાય છે, પણ એમ તો નથી.” ઘણોકાળ તો રાગમાં અને પુણ્યમાં રહે છે. એમ કહે છે. ક્યારેક એક જેવો કહ્યો તેવો થાય છે, (રાગાદિ રહિત થાય છે, શું કહ્યું? ઘણો કાળ ધર્મીજીવ-રાગમાં, પુણ્યમાં એટલે કે – દયા-દાન-વ્રતમાં રહે છે એ પ્રમાદ છે અને કોઈક સમયે તેને શુદ્ધ પરિણતિ રહે છે... એમ નથી. આવો માર્ગ છે.
જિનેશ્વરદેવ – સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકીનાથ વીતરાગદેવનો આ પોકાર છે. અરે! એકવાર દુનિયા સાંભળે તો ખરી ! તારી અંદર તો અંતર ખજાનાના મહાભંડાર પડયા છે. પ્રભુ! તને તેની ખબર નથી. આહાહા! એવા અંતર ખજાનામાં તો અનંત શાંતિ, અનંત આનંદ, પ્રભુતા, અરે.... અંદર આખું સર્વશપણું પડયું છે, એ ઉપર દૃષ્ટિ પડતાં એટલે કે – સ્વરૂપમાં સાવધાન થતાં એ સાવધાનપણું નિરંતરપણે વર્તે છે.
આહાહા ! કોઈ ઘણો સમય બહારમાં દેખાય, રાગમાં વર્તે છે, દયા-દાન બીજામાં વર્તે છે, એટલે એ એમાં જ વર્તે છે તેમ નથી. જૈનધર્મી તો પૂજામાં, ભક્તિમાં, ભગવાનની સ્તુતિમાં વર્તે છે એ રાગ છે, તેથી એ વખતે ધર્મી રાગમાં જ વર્તે છે એમ નથી, એમ હોય જ નહીં. આહાહા! એ સમયે પણ તે શુદ્ધતામાં જ વર્તે છે. જુઓને! કેટલી ( ગંભીર) ટીકા કરી છે.
એમ કેમ કહ્યું? સર્વકાળ પ્રમાદી રહે છે તો.... લોકોને એમ લાગે કે – આ ઘણો કાળ (બહારમાં રહે છે). કોઈ વેપારી હોય તો એમ લાગે કે - તે વેપારમાં બેઠો છે, વાંચનમાં બેઠો હોય, ભગવાનની ભક્તિમાં બેઠો છે તે બધો રાગ છે – એ તો પ્રમાદ છે. ઘણો કાળ તો ત્યાં રહે છે અને કોઈ કાળ શુદ્ધ સ્વરૂપની પરિણતિમાં આવતો હશે.. એમ છે નહીં. સમજમાં આવ્યું?
શ્રોતા- પુરુષાર્થની કમી છે તેથી રાગ આવે તેને પ્રમાદ કહ્યો છે?
ઉત્તર- તેને દ્રવ્યની જે શુદ્ધિ પ્રગટી તે તો કાયમ રહે જ છે... અહા ! આવી વાત છે. રાગ ભલે આવે પણ એ વખતે રાગથી પૃથક શુદ્ધતામાં જ વર્તે છે, તે રાગમાં વર્તતો નથી.