________________
૩૮
કલશામૃત ભાગ-૪ અતીન્દ્રિય આનંદનો નાથ! શુદ્ધ ચિદાનંદ પ્રભુ છું. તો પૂર્ણ નિધાન પ્રાપ્ત થયું. અનંત આનંદની ખાણ, અનંત જ્ઞાનના નિધાન, અનંત શાંતિ.. શાંતિ... શાંતિ... શાંતિનો સાગર આત્મા છે એવો અનુભવ થયો. સમ્યગ્દર્શન થયું તેનાથી તે શુભ અશુભભાવની ક્રિયા થાય છે તેનો નાશ કરે છે. બાકી જેટલો આસ્રવ રહે છે તેટલો બંધ છે. પરંતુ તેની સ્થિતિ અને રસ અલ્પ હોવાથી તેને અહીં ગણવામાં આવ્યા નથી. કોઈ એકાન્ત તાણી જાય કે – સમ્યગ્દષ્ટિને બિલકુલ આસ્રવ બંધ છે જ નહીં તો એમ નથી.
સાધક દશાની શરૂઆત થતાં. અતીન્દ્રિય આનંદનું વેદન થયું સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદ (પ્રગટયો) તેની આગળ રાગની ગણતરી શું? રાગ છે પણ તેનો આદર નથી. રાગ કર્મધારામાં જાય છે. પોતાની જ્ઞાનધારામાં રાગ છે જ નહીં. આવી વાત છે બાપુ! ( અનંત કાળથી) જન્મ મરણ કરી કરીને સોંથી નીકળી ગયા છે બાપુ! તે દુઃખી પ્રાણી છે. તેની દૃષ્ટિમાં જ્યાં સુધી પુણ્ય ને પાપના ભાવ છે ત્યાં સુધી તે મહા પાપી, દુઃખી છે. સમાજમાં આવ્યું?
ભગવાન અંદર આનંદનો નાથ પરમાત્મ સ્વરૂપ છે. “અપ્પા સો પરમપ્પા” તારણ સ્વામીમાં બહુ આવે છે. (તારી) અંદર ત્રિકાળી છે તે પરમાત્મા જ છે. આહાહા! કેમ બેસે!! “પપ્પા” આત્મા છે તે જ પરમાત્મા છે. અંદર પરમાત્મા છે. તેથી પર્યાયે પરમાત્મા થાય છે. શક્તિમાંથી વ્યક્તિ થાય છે. આહાહા ! એવો ભગવાન આત્મા અપરિમિત જ્ઞાન, દર્શન, આનંદનું ઘર છે. અનંત અનંત ગુણોનું ગોદામ છે... તેની સન્મુખ થતાં જ્યાં અનુભવ થયો અને નિમિત્ત, રાગ, પર્યાયથી વિમુખ થયો – મુખ ફેરવી નાંખ્યું (તો પર્યાયમાં નિધાન પ્રગટયાં.)
નિમિત્તમાં દેવ-ગુરુ-શાસ્ત્ર હો કે પછી સ્ત્રી-કુટુંબ હો! એનાથી મુખ ફેરવી નાંખ્યું. અને પુણ્ય-પાપના જે ભાવ છે તેનું પણ લક્ષ છોડી દીધું, અને જે એક સમયની પર્યાય છે તેનાથી પણ વિમુખ થઈ ગયો. આ વાત ચોથા ગુણસ્થાનવાળા સમકિતીની છે. હજુ તો ગૃહસ્થાશ્રમમાં સમ્યગ્દષ્ટિ કેવો હોય છે તેની વાત ચાલે છે. આહાહા ! આવા માર્ગનો વર્તમાનમાં વિરોધ થઈ ગયો. સત્ય વાતને ખોટી ઠરાવવી છે અને ખોટી વાતને સત્ય ઠરાવવી છે. ભગવાન ! ચોર્યાશીના અવતારમાં તારા દુઃખના પાર નહીં રહે!
બહારમાં દિગમ્બર મુનિ હો કે સંત કહેવાતો હો ! પરંતુ અંદરમાં જે દયાદાન મહાવ્રતના વિકલ્પ ઉપર જેની દૃષ્ટિ છે તે પાપી મિથ્યાષ્ટિ છે. આ વાત દુનિયાને આકરી પડે છે. જેની દૃષ્ટિ અંદરમાં થતાં રાગ અને પુણ્યથી હઠીને પૂર્ણાનંદનો નાથ પ્રભુ જે અનંતગુણ રત્નોથી ભરેલો રત્નરાશિ છે (તેની ઉપર દૃષ્ટિ પડી છે તે નિરાસવી થાય છે). તમારે ત્યાં તો થોડા ઘણાં જડ રત્ન હશે. આ તો અંદરમાં રતનની રાશિ પડી છે. આહાહા! અરૂપી આનંદ અનંત રતનનો ગંજ પ્રભુ આત્મા છે, એ તરફનો અનુભવ કરે છે, તો એ શુભભાવનો નાશ થાય છે.