________________
૯૨
તત્ત્વાર્થ સૂત્ર
લોખંડના પિંડનું બીજું દૃષ્ટાંત
દા. ત. અત્યંત સખત લોખંડના પિંડથી વ્યાપ્ત આકાશપ્રદેશમાં ભાજ્ઞા-ધમણાના વાયુથી પ્રેરિત થયેલા અગ્નિના અવયવોનું લોખંડના ગોળામાં આવવું.
મતલબ એ છે કે જેમ એક ઘટ્ટ એવો લોખંડનો ગોળો છે. ત્યાં જ લુહાર ધમણથી વાયુ નાંખે છે એટલે તે જ લોખંડના ગોળામાં અગ્નિના અવયવો પ્રવેશે છે. લોખંડનો ગોળો અગ્નિથી તપીને લાલચોળ થઈ જાય છે. હવે એને ઠંડો પાડવો છે. તો તપેલા એ સઘન લોખંડના ગોળામાં ક્યાંય છિદ્ર નથી છતાં એને ઓલવવા માટે તેના પર પાણી નાખવામાં આવે છે તો સૂક્ષ્મ પરિણામથી પરિણત થયેલા તે પાણીના અવયવો વ્યાઘાત પામ્યા વિના તે ગોળામાં પ્રવેશ પામે જ છે. આ તો આબાલગોપાલ પ્રસિદ્ધ છે.
આ આપણે જોયું કે જે આકાશપ્રદેશોમાં લોખંડનો ગોળો છે ત્યાં જ તે ગોળામાં જ અગ્નિના અવયવો પ્રવેશ પામે છે અને તેમાં જ વળી પાણીના અવયવો પણ સમાઈ શકે છે. તેવી રીતે એક આકાશપ્રદેશમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ પણ રહી શકે છે.
આકાશ તો એવું છે કે ક્યારેય ભરાતું નથી. જેટલા આવે તેટલાનો સમાવેશ કરે છે. આકાશમાં બધા સમાઈ જાય છે માટે આમા મૂંઝાવાની જરૂર નથી. આ કેવી રીતે બને ? એક આકાશપ્રદેશમાં તે આવડા મોટા સ્કંધો રહી શકે ? આવા વિચારોથી હવે મૂંઝાવાની જરૂર નથી. બબ્બે દૃષ્ટાંતો જોયાં હજી પણ એકાદ બે દૃષ્ટાંતો વાંચીને બરાબર સમાધાન કરી લો. તમારી શંકાનું નિવારણ કરી લો.
પ્રસ્થકનું ત્રીજું દૃષ્ટાન્ત
પ્રસ્થક એ ધાન્યને માપવાનું એક સાધન છે જેને પાલી કહેવામાં આવે છે. આ પ્રસ્થક ભરીને રેતી છે. પ્રસ્થક ઠસોઠસ રેતીના કણથી ભરેલો છે. હવે તેમાં તમે પાણી નાંખશો તો બીજું તેટલું જ પાણી તેમાં સમાઈ જશે. આમ રેતીથી ઠસોઠસ ભરેલ પ્રસ્થકમાં બીજો તેટલો જ પાણીનો પ્રસ્થક પણ પ્રવેશ કરતો દેખાય છે તેવી જ રીતે એક આકાશપ્રદેશમાં અસંખ્યાતાદિ પ્રદેશવાળા સ્કંધો પણ રહી શકે છે તે સહેલાઈથી સમજાઈ જાય તેવું છે.
દીપકની પ્રભાનું ચોથું દૃષ્ટાન્ત
વળી એક દીવાની પ્રભાના વિસ્તારથી પ્રકાશિત ભોંયરા વગેરેમાં બીજા હજારો દીપકની પ્રભાના સમૂહ આકારથી પરિણત પુદ્ગલોનો પ્રવેશ પ્રત્યક્ષ પ્રમાણથી જણાય છે. અર્થાત જ્યાં એક દીવાનો પ્રકાશ છે ત્યાં બીજા અનેક દીવાનો પ્રકાશ એકસાથે રહી શકે છે. આ તો આપણે જોયેલું જ છે તેની જેમ જ એક જ આકાશપ્રદેશમાં સઘન પરિણામવિશેષના સ્વીકારથી અનંત પરમાણુઓથી બનેલા સ્કંધોનું અવસ્થાન પણ છે એ નિશ્ચિત કરવું. હવે મગજમાં બરાબર સમજી રાખવું કે અનંત પ્રદેશી સ્કંધ પણ ઉપરનાં દૃષ્ટાંતો મુજબ જરૂર આકાશના એક પ્રદેશમાં રહી શકે છે. આ રીતે આ સૂત્રનો અર્થ બરાબર સમજાઈ જાય છે કે લોકાકાશના એક, બે આદિ અસંખ્યાત પ્રદેશોમાં ૫૨માણુથી લઈને અનંત પ્રદેશવાળા પુદ્ગલનો અવગાહ હોઈ શકે છે.