________________
તત્ત્વાર્થ સૂત્ર
૩૨૮
સામાન્યની અપેક્ષા રાખતા હોય તો જ પ્રાયોગિક કે સ્વાભાવિક ઉત્પાદ અને વિનાશ સ્વસ્વરૂપને પામી શકે છે, નહીં તો નહીં. અન્વયાંશ દ્રવ્યાંશની અપેક્ષા વિના ઉત્પાદ કે વિનાશ બની શકતા નથી.
આ પ્રમાણે આપણે સ્યાદ્વાદથી નિરૂપણ કર્યું કે—
એકાંતે ઉત્પાદ એ ઉત્પાદ નથી,
એકાંતે વિનાશ એ વિનાશ નથી,
દ્રવ્યાંશથી સાપેક્ષ જ ઉત્પાદ અને વિનાશ છે.
દ્રવ્યાંશથી નિરપેક્ષ ઉત્પાદ અને વિનાશ છે જ નહીં.
આપણે આવું નિરૂપણ કર્યું એટલે હવે કોઈ મિથ્યાભિમાની મહાનિબિડવૃદ્ધબુદ્ધથી ઠગાયેલ બુદ્ધિવાળો અર્થાત્ બુદ્ધનો અનુયાયી બોલ્યો કે—
નિર્દેતુક સ્વાભાવિક વિનાશ જ બરાબર છે. પણ પ્રાયોગિક વિનાશ તો સિદ્ધ જ થઈ શકતો નથી. કેમ કે વિનાશના હેતુનો યોગ નથી તો પ્રાયોગિક વિનાશ હોય જ ક્યાંથી ?
નાશ પામતા ઘટાદિના વિનાશનો કોઈ હેતુયુક્ત નથી. કેમ કે પદાર્થો સ્વાભાવિક જ વિનશ્વર છે. પોતાના હેતુથી પેદા થતાં જ ભંગુર સ્વભાવવાળા હોય છે. તેથી પેદા થયા પછી બીજી ક્ષણમાં નાશ પામી જાય છે માટે પોતાની કારણ સામગ્રીથી પ્રાપ્ત સ્વરૂપવાળા સત્ પદાર્થોના નાશનું કારણ પ્રકૃતિથી વિનશ્વર અર્થાત્ વિનશ્વર સ્વભાવને છોડીને બીજું કોઈ મુદ્ગરાદિ વિશેષ કારણ નથી. જેમ વસ્તુની ઉત્પત્તિકારણ વિશેષથી છે તેમ પદાર્થોના નાશનું કારણ મુગરાદિ વિશેષ નથી. પરંતુ પોતાનો ક્ષણભંગુર સ્વભાવ જ કારણ છે.
એટલે વિનાશનું કોઈ કારણ નથી, નિહેતુક છે. સ્વાભાવિક જ વિનાશ છે. આ અમારી કેવલ માન્યતા જ છે એવું નથી. તો શું છે ?
નિર્દેતુક વિનાશમાં યુક્તિ
એમાં યુક્તિ પણ છે. વિનાશના હેતુપણે અભિગત મુદ્ગર આદિનું નાશ કરવાની ક્રિયામાં સામર્થ્ય જ નથી. યુક્તિથી પણ સમજાશે કે ‘મુદગર આદિ ઘટાદિનો વિનાશ કરે છે' આવું માની મુદ્ગર આદિને વિનાશનું કારણ સમજો છો તે મુદ્ગર આદિ ઘટાદિનો નાશ કરી શકતા જ નથી. નાશ કરવામાં મુદ્ગર આદિનું સામર્થ્ય જ નથી. વળી તે મુગરાદિનું નાશ કરવામાં કેવી રીતે અસામર્થ્ય છે ? તે પણ અમે બતાવીએ છીએ.
મુદ્ગરાદિમાં વિનાશનું અસામર્થ્ય...
મુગરાદિથી વિનાશ થાય છે આવું કહો તો વિનાશ કરવામાં વિનાશની ત્રણ ગતિ છે. અર્થાત્ મુદ્ગરાદિ ઘટાદિનો વિનાશ કરે છે એટલે શું કરે છે ?
૧. શું પદાર્થને વિનાશ સ્વભાવવાળા બનાવે છે ?
૨. શું સ્વભાવાન્તર કરે છે ? વિનાશ પામતા ઘટાદિનો બીજો સ્વભાવ કરે છે ?