________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
૩૮૫
તો આ બધા સહાવસ્થાયી અને અસહાવસ્થાયી પર્યાયોનો વિરોધ જ ક્યાંથી હોઈ શકે ? કેમ કે ઉપર બતાવ્યું તેમ સહાવસ્થાયી અને અસહાવસ્થાયી પર્યાયો એક દ્રવ્યમાં રહે છે. દા. ત. જેમ સતાવસ્થાયી રૂપાદિ પણ માટીરૂપ એક દ્રવ્યમાં રહે છે અને અસહાવસ્થાયી શિવકાદિ પર્યાયો પણ માટીમાં રહે છે એટલે એકબીજાનો કોઈ વિરોધ નથી.
આ રીતે આપણે સ્વલક્ષણનો અવિરોધ બતાવ્યો. ત્યારે વાદી કહે છે કેવાદી - વિરોધ ભલે ન રહે પણ સહઅનવસ્થાન તો રહેશે.
સ્યાદ્વાદી - આ તારી વાત બરાબર નથી. (કેમ કે ક્રમભાવી અને સહભાવી પર્યાયોનો ઉત્પાદ અને અવસ્થાન સાથે જ દેખાય છે. એક જ ઘટમાં રૂપાદિ સહભાવી પર્યાયોનું અવસ્થાન છે અને કપાલાદિ પર્યાયોનો ઉત્પાદ છે.
આમ ક્રમભાવી અને સહભાવી પર્યાયોનું સાથે જ દર્શન છે. આ કાળથી અવિરોધ બતાવ્યો.) કેમ કે જે પર્યાય એક અપેક્ષાએ સ્થૂલ છે તે પર્યાય બીજી અપેક્ષાએ સૂક્ષ્મ છે. એટલે એક જ કાળમાં એ જ પર્યાય શૂલપણે પણ ઉત્પન્ન થયો અને સૂક્ષ્મપણે પણ ઉત્પન્ન થયો. એવી રીતે સ્થૂલપણે જે પર્યાય રહેલો છે તે સૂક્ષ્મપણે પણ રહેલો છે. આમ ઉત્પાદ અને અવસ્થાન સાથે બતાવ્યું એટલે એક જ કાળમાં રહ્યા.
- હવે એવી જ રીતે એક દેશમાં સહ અવસ્થાન સિદ્ધ છે. કારણ કે એક દ્રવ્યમાં રહેતા હોવાથી.' આ બંને પ્રકારના પર્યાયો “એક જ દ્રવ્યમાં રહે છે તેથી'.... આ હેતુ દ્વારા દેશથી પર્યાયોનું સહઅવસ્થાન છે એ સિદ્ધ થાય છે. એક જ ઘટાદિ દ્રવ્યમાં બંને પ્રકારના પર્યાયો છે.
આમ એક દ્રવ્યમાં બંને પ્રકારના પર્યાયો રહેલા છે, કાળથી પણ એક સાથે રહેલા છે. માટે સહઅનવસ્થાનરૂપ વિરોધ પણ નથી.
શંકા - જુદી જુદી ઇન્દ્રિયથી ગ્રહણ કરાતા જુદા જુદા અધિકરણવાળા રૂપ, રસાદિની એકદેશતા નથી. એટલે રૂપ, રસાદિનું સહઅનવસ્થાન છે.
સમાધાન :- દ્રવ્ય જ ચક્ષુ આદિના ગ્રહણ(જ્ઞાન)ના અપદેશ (વિષય) વિશેષથી રૂપાદિનો વ્યપદેશ પામે છે. એટલે કે એક જ દ્રવ્યચક્ષુઇન્દ્રિયથી જ ગ્રહણ કરાતું હોય ત્યારે તે રૂપ શબ્દથી કહેવાય છે, સ્પર્શેન્દ્રિયથી જ ગ્રહણ કરાતું હોય ત્યારે તે સ્પર્શ શબ્દથી કહેવાય છે, ધ્રાણેન્દ્રિયથી જ ગ્રહણ કરાતું હોય ત્યારે તે ગંધ કહેવાય છે, રસનેન્દ્રિયથી જ ગ્રહણ કરાતું હોય ત્યારે તે રસ કહેવાય છે. મતલબ-ચક્ષુથી ગ્રહણવિશેષથી દ્રવ્ય જ રૂપાદિ તરીકે વ્યવહાર પામે છે, રસનાથી ગ્રહણવિશેષથી દ્રવ્ય જ રસાદિ તરીકે વ્યવહાર પામે છે, નાસિકાથી ગ્રહણવિશેષથી દ્રવ્ય જ ગંધ તરીકે વ્યવહાર પામે છે, સ્પર્શનાથી ગ્રહણવિશેષથી દ્રવ્ય જ સ્પર્શ તરીકે વ્યવહાર પામે છે.
ક્રમભાવી અને અસહાવસ્થાયી એવા ઘણા પર્યાયો છે કે જે સાથે રહી શકતા નથી. જેમ શિવક અને સ્થાસક વગેરે. જ્યારે મુસ્પિડ પર્યાય છે ત્યારે શિવક પર્યાય નથી, જ્યારે શિવક પર્યાય છે ત્યારે મૃત પિંડ પર્યાય નથી. તો પર્યાયોનો સહ અનવસ્થાનરૂપ વિરોધ બની શકે છે.