________________
અધ્યાય-૫: સૂત્ર-૩૧
૩૮૭
પ્રતિવાદી :- જો રૂપાદિનો અભાવ માનશો તો બીજા બે દોષ આવશે. (૧) પ્રમાણનો અભાવ, (૨) પ્રસિદ્ધિનો વિરોધ...
(૧) પ્રમાણનો અભાવ.
રૂપાદિ છે આવી પ્રતીતિ થાય છે. પ્રત્યક્ષ પ્રમાણથી રૂપાદિ સિદ્ધ છે. તેનો નિષેધ કરો છો એટલે પ્રમાણનો અભાવ થશે.
(૨) પ્રસિદ્ધિ વિરોધ..
આ રૂપ છે, આ રસ છે. આવી રૂપની રૂપ તરીકે, રસની રસ તરીકે પ્રસિદ્ધિ છે. આ પ્રતીતિરૂપ જે પ્રસિદ્ધિ છે તે પ્રસિદ્ધિનો વિરોધ થાય છે.
આ રીતે (૧) પ્રમાણાભાવ અને (૨) પ્રસિદ્ધિવિરોધ આ બંને દોષ આવશે એટલે રૂપાદિનો અભાવ છે આવું પણ સ્વીકારી શકાશે નહિ.
શંકા - દ્રવ્ય સ્વલક્ષણરૂપ સત્ છે તો આ કેવી રીતે સામાન્યરૂપ બની શકે? આથી સ્વલક્ષણરૂપ વિશેષ અને સામાન્યનો સહ અનવસ્થાન વિરોધ થઈ શકશે. કેમ કે દ્રવ્ય સ્વલક્ષણરૂપ છે, પણ સામાન્યરૂપ થઈ શકે નહીં. એટલે સ્વલક્ષણરૂપ વિશેષ અને સામાન્યનો સહઅનવસ્થાનરૂપ વિરોધ બની શકશે. આ રીતે સ્વલક્ષણવિરોધ છે. સ્વલક્ષણવિરોધ પણ સ્યાદ્વાદીને આપી શકાશે નહીં.
સમાધાન–સ્વલક્ષણવિરોધ પણ નથી જ કેમ કે સ્યાદ્વાદીએ ગ્રહણ કરેલ વસ્તુનું લક્ષણ (૧) સામાન્યવિશેષાત્મક છે અને (૨) એકાંતવાદીએ પરિકલ્પિત વસ્તુથી (જુદી) નરસિંહની જેમ જાત્યન્તર છે. એટલે સ્યાદ્વાદીને તો સ્વલક્ષણવિરોધ પણ આવશે નહીં. તે આ રીતે
(૧) વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે -
એક જ વસ્તુ અનુવૃત્તિ (સમાનાકાર) બુદ્ધિને પેદા કરનાર હોવાથી સામાન્ય કહેવાય છે અને વ્યાવૃત્તિ બુદ્ધિને પેદા કરનાર હોવાથી વિશેષ કહેવાય છે. વસ્તુનું લક્ષણ જ સામાન્યવિશેષરૂપ છે. વસ્તુ કેવલ સામાન્યરૂપ નથી, કેવલ વિશેષરૂપ નથી પણ સામાન્ય-વિશેષ ઉભયરૂપ છે.
(૨) વસ્તુ જાત્યન્તર છે.
વસ્તુ જેમ સર્વથા સામાન્યરૂપ નથી, સર્વથા વિશેષરૂપ નથી તેમ સર્વથા ઉભયરૂપ પણ નથી. એટલે એકાંતવાદીની જે કલ્પના છે કે સામાન્યરૂપ જ વસ્તુ છે અથવા વિશેષરૂપ જ વસ્તુ છે કે ઉભયરૂપ જ વસ્તુ છે. અર્થાત્ એકાંતવાદી કોઈ માત્ર સામાન્ય જ સ્વીકારે છે, કોઈ માત્ર વિશેષ જ સ્વીકારે છે, કોઈ માત્ર ઉભયરૂપ જ સ્વીકારે છે જ્યારે સ્યાદ્વાદી વસ્તુ જાયન્તર છે એવું સ્વીકારે છે. દા. ત. જેમ નરસિંહ.' નરસિંહ જેમ નર જ છે કે સિંહ જ છે એવું નથી પરંતુ નરસિંહ કે ઉભયરૂપ વસ્તુ જાત્યન્તર છે. અર્થાત્ કથંચિત્ ઉભયરૂપ છે. '
૧. તત્ત્વાર્થ પૃ. ૩૭૭ જુઓ.