________________
તત્ત્વાર્થ સૂત્ર
આમ અયુગપદ્ભાવિ પર્યાયો પર્યાયાસ્તિક સત્ છે આવી અપરની વ્યાખ્યા છે. પૂર્વની વ્યાખ્યા પ્રમાણે વિનાશ પર્યાયાસ્તિક સત્ છે, અપરની વ્યાખ્યા પ્રમાણે અયુગપદ્ભાવિ બધા પર્યાયો પર્યાયાસ્તિક સત્ છે.
અપર તરફથી બીજી રીતે પણ આ બંને સત્ની વ્યાખ્યા...
૪૧૨
શ્લોકાર્થ ઃ- “દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિકના ભેદોનો ઉત્પાદની સાથે યોગ થવાથી તે ઉત્પન્નાસ્તિક દેશના કહેવાય છે અને ઉત્પદ્યમાન પર્યાયો છે તે પર્યાયાસ્તિક કહેવાય છે...” ઉત્પન્નાસ્તિક :- પર્યાય નય અનુત્પન્નને વ્યવહાર યોગ્ય માનતો નથી. અનુત્પન્ન છે તેનો વ્યવહાર થતો નથી તેથી ઉત્પન્ન થાય ત્યારે જ સત્ કહેવાય છે. કારણ કે અનુત્પન્ન કોઈ દ્રવ્યાદિ હોતા જ નથી.
વર્તમાનકાળમાં રહેલી વસ્તુ જ સત્ કહેવાય છે. ઉત્પાદના યોગ સિવાય અનુત્પન્ન તો દ્રવ્યાદિ છે જ નહિ. જો અનુત્પન્ન દ્રવ્યાદિ માનવામાં આવે તો ભૂતકાળનું દ્રવ્ય, ભવિષ્યકાળનું દ્રવ્ય અને વર્તમાન દ્રવ્યમાં કોઈ ભેદ ૨હે નહીં પણ અતીતકાળનું દ્રવ્ય, અનાગત કાળનું દ્રવ્ય, આવું વિશેષણ લાગે છે. અનાગત કાળમાં ‘દ્રવ્ય થશે', અતીત કાળમાં ‘દ્રવ્ય હતું' અને વર્તમાનકાળમાં ‘દ્રવ્ય છે' આવા પ્રયોગ થાય છે. આ જે વિશેષતાભિન્નતા છે તે ન રહે. વળી અતીત એ તો નષ્ટની નિશાની છે, ભવિષ્ય એ આગાહી કરનાર છે જ્યારે વર્તમાન દ્રવ્યાદિ કાર્ય કરનારા છે. એટલે અનુત્પન્ન કોઈ દ્રવ્યાદિ છે જ નહિ. ઉત્પન્ન જ સત્ છે.
પર્યાયાસ્તિક ઃ- વળી જ્યારે ઉત્પાદમાં જેઓનો સમાવેશ થાય છે તેવા વર્તમાનકાલાવચ્છિન્ન પર્યાયોની ત્યારે ઉત્પદ્યમાન અવસ્થામાં વિવક્ષા કરાય છે ત્યારે તે પર્યાયાસ્તિક સત્ કહેવાય છે.
આ રીતે આ અપરની વ્યાખ્યા પ્રમાણે દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિકના ભેદોની ઉત્પત્તિ તે ઉત્પન્નાસ્તિક સત્ છે, વર્તમાનકાળમાં ઉત્પન્ન થઈ રહેલા પર્યાયો છે તે પર્યાયાસ્તિક સત્ છે.
હવે આ ચારે પ્રકારના વિકલ્પોનું બીજીઓ બીજી રીતે વર્ણન કરે છે. તે આ પ્રમાણે— અન્ય મતે ચારે પ્રકારના વિકલ્પોનું વર્ણન...
માતૃકાપદાસ્તિક એ દ્રવ્યાસ્તિકથી ભિન્ન નથી. કેમ કે માતૃકાપદાસ્તિક પણ દ્રવ્યને જ માને છે. માટે એ બેથી દ્રવ્ય નયનું ગ્રહણ થાય છે, અને પર્યાયાસ્તિક સત્ એ ઉત્પન્નાસ્તિક સથી ભિન્ન નથી, કેમ કે ઉત્પન્ન એ પણ પર્યાય છે એટલે આ બેથી પર્યાય નયનું ગ્રહણ થાય છે.
માટે જ ભાષ્યકાર મહારાજે બે નયોને પ્રતિપાદન કરવાની ઇચ્છાથી ચાર વિકલ્પોનું ગ્રહણ કર્યું છે.
પ્રશ્ન :- તો પૂ ભાષ્યકાર મહારાજે સત્ના દ્રવ્યાસ્તિકાદિ ચાર ભેદ શા માટે ગ્રહણ કર્યા ? દ્રવ્ય સત્ અને પર્યાય સત્ આમ જ કહી દીધું હોત તો બે નયોનું ગ્રહણ થઈ જ જાત.