________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૯
૩૪૩
વિનાશનો કાળ એક જ છે. જે ક્ષણમાં વિનાશ છે તે જ ક્ષણમાં ઉત્પાદ છે. કુશુલનો વિનાશ અને ઘટનો ઉત્પાદ આ બંને એક જ ક્ષણમાં છે. એટલે ઉત્પાદ અને વિનાશની એકકાલીનતા છે. ઉત્પાદ અને વિનાશનો આત્મા તો દ્રવ્ય છે અર્થાત્ ઉત્પાદ-વિનાશનો આધાર દ્રવ્ય છે. આ દ્રવ્યમાં એકકાલીન ઉત્પાદ અને વિનાશ છે.
દા. ત. જેમ એક ક્ષણવર્તી એક રૂપમાં ક્ષણથી જુદું રૂપ નથી કારણ કે એક જ રૂપ છે એટલે વિભાગ બની શકતો નથી. તેવી રીતે ઉત્પાદ અને વિનાશ બંને એક ક્ષણમાં થતા હોવાથી જુદા નથી. કેમ કે જે ક્ષણમાં ઉત્પાદ છે તે ક્ષણમાં વિનાશ છે. ઉત્પાદ અને વિનાશનો સ્વાત્મલાભ કાળ એક જ છે, બીજો નથી. અર્થાત્ ઉત્પાદરૂપ સ્વાત્મલાભ (કાર્ય) કહો કે વિનાશરૂપ સ્વાત્મલાભ (કાર્ય) કહો એ જ એક કાળ છે. બીજો કોઈ કાળ નથી માટે જ તે બંનેનો અભેદ છે.
આ રીતે દ્રવ્ય સામાન્યથી લઈએ ત્યારે એક દ્રવ્યમાં ઉત્પાદ અને વિનાશ છે અને પૂર્વ અવસ્થાનો વિનાશ એ જ ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ છે એટલે ઉત્પાદ-વિનાશ એકકાલીન છે. આથી જ તે બેનો અભેદ છે. અને જે એકકાલીન ન હોય તે નિયમથી એક પણ ન હોય. અર્થાત્ તેનો અભેદ ન હોય. દા. ત. જેમ ગાયનો જન્મ અને અશ્વનો વિનાશ. આ બંને એકકાલીન નથી માટે એક પણ નથી. બંને જુદાં છે. જન્મ(ઉત્પાદ)નો સ્વાત્મા થાય છે અને વિનાશનો સ્વાત્મા અશ્વ છે એટલે બંનેનો સ્વાત્મલાભ કાળ જુદો છે
આ રીતે ઉત્પાદ-વિનાશ એકકાલીન પણ છે અને આથી જ ઉત્પાદ-વિનાશ પરસ્પર અભિન્ન પણ છે. એ સિદ્ધ થાય છે.
આ પ્રમાણે ઉત્પાદ-વિનાશની એકકાલતા છે એ જ રીતે ઉત્પાદ-વિનાશથી દ્રવ્યની અને ઉત્પાદ-વિનાશની દ્રવ્યથી અભિન્નકાલતાને સિદ્ધ કરવી જોઈએ.
ઉત્પાદ-વિનાશથી દ્રવ્ય એકકાલીન અને
ઉત્પાદ-વિનાશ, દ્રવ્યથી એકકાલીન છે—સાધ્ય
સ્વાત્મત્વ અપૃથભાવાત્—હેતુ
રૂપવત્—દૃષ્ટાંત
ઉત્પાદ-વિનાશ દ્રવ્યથી એકકાલીન છે, કારણ કે તે બંનેનો સ્વાત્મા જુદો નથી.
દા. ત. જેમ ક્ષણવર્તીરૂપ એ રૂપથી જુદું નથી તેમ ઉત્પાદ-વિનાશ પણ દ્રવ્યથી જુદા નથી. માટે ઉત્પાદ-વિનાશ દ્રવ્યથી એકકાલીન છે.
“ ઉત્પાદ-વિનાશ એકકાલીન છે તેથી દ્રવ્ય તેનાથી અભિન્ન છે. કેમ કે પૂર્વાવસ્થામાં દ્રવ્યની પ્રતીતિ છે અને ઉત્તરાવસ્થામાં પણ દ્રવ્યની પ્રતીતિ છે એટલે ઉત્પાદ-વિનાશ કાળમાં દ્રવ્યની પ્રતીતિ છે માટે ઉત્પાદ-વિનાશથી એકકાલીન દ્રવ્ય છે.
આ રીતે ઉત્પાદ-વિનાશની એકકાલીનતાને સિદ્ધ કરવા જે હેતુ અને દૃષ્ટાંત આપ્યાં છે તે હેતુ અને દૃષ્ટાંતથી ઉત્પાદ-વિનાશથી દ્રવ્ય એકકાલીન છે એ પણ સિદ્ધ થાય છે.