________________
૧૫૭
અધ્યાય-૫: સૂત્ર-૨૨
આ રીતે પ્રત્યેક ઋતુમાં જુદાં જુદાં કાર્યો થાય છે અને ઋતુના વિભાગથી દ્રવ્યોમાં પરિણામ થાય છે.
- હવે વેલાના નિયમથી વસ્તુઓનો પરિણામ થાય છે તે બતાવે છે. વેલા નિયમ :
ચોક્કસ ટાઈમે પ્રાપ્ત કરેલ પટુતાવાળા કમળની કળીઓનો સમૂહ સવારે સૂર્યના કિરણના સંપર્ક-સંબંધથી વિકાસ પામે છે. ચંદ્રનાં કિરણોના સમૂહના સ્પર્શથી ધોળા કમળ તથા નીલકમળની કળીઓ મુખમાંથી કાઢેલ સુરભિ પરિમલને આપે છે અર્થાત્ સુગંધ લાવે છે. કોશાતકીના પુષ્પરૂપી પટના ઉત્તરીય વસ્ત્રવાળી, સુરભિ ગંધના ઓડકારવાળી, કામીજનથી પેદા થયેલા સંમદવાળી(હર્ષવાળી), તરુણીઓની જેમ પુષ્કળ અંગરાગવાળી ગ્રામવૃત્તિઓ સાંજે શોભે છે. વેલાના નિયમને અનુસરતો સમુદ્ર પણ ચંદ્રનો ઉદય થાય છે ત્યારે વળતી ઊંચી તરંગોરૂપી બાહુથી મેઘના જેવા ગંભીર અવાજવાળી અને ઈલાયચીના ફળની સુગંધની ચાડી ખાતી વેલાવધૂને આલંબન આપે છે. ઘુવડનાં બચ્ચાઓ રાતના લાંબા ભયાનક ધ્વનિ વડે અટકી અટકીને અવાજ કરે છે. ઊંચી ડોકવાળા, વાંસ સુધી સ્થાપિત કરેલી ચીપોથી બનાવેલા ઘરવાળા કૂકડા લાંબી મનોહર ગંભીર ધ્વનિઓથી પહોરના વિભાગોને જણાવે છે. કેટલીક વનસ્પતિઓ પત્રથી સંકોચાયેલી લાંબા કાળ સુધી ચોક્કસ ટાઇમે નિદ્રાને આધીન થાય છે. આમ વેલાના નિયમથી જુદાં જુદાં પરિણામો થાય છે.
આ રીતે ઋતુવિભાગ અને વેલાનો નિયમ જે વિચિત્ર પરિણામવાળો છે તેનું કોઈ નિયામક કારણ હોવું જોઈએ તે સિવાય બને નહિ. કેમ કે બધાં કારણો હોવા છતાં ઉત્પત્તિ પ્રાપ્ત થતી નથી માટે અનેક શક્તિયુક્ત કાળદ્રવ્યની અપેક્ષા પ્રગટ છે.
આથી જેમ ચણકાદિ કાર્યથી પરમાણુ અનુમેય છે તેમ પ્રતિવિશિષ્ટ કાર્યથી કાળ અનુમેય છે. કાળને ન માનવામાં દોષ અને માને તો જ દોષનું નિવારણ.
જો નિયામક હેતુ ન માનવામાં આવે તો બધા ભાવો એકીસાથે થવા જોઈએ. કેમ કે સ્વત્ર છે માટે આ બધાં પરિણામો ચોક્કસ કાળમાં થતાં હોવાથી આ પરિણામોનું અનેક શક્તિયુક્ત એક કારણ હોવું જોઈએ, અને પરિપાક પ્રાપ્ત કર્યો છે એવી તે શક્તિઓ કોઈ વખત જ પોતાના કાર્યના નિષ્પાદન માટે પ્રવર્તે છે. સર્વદા કાર્ય કરવા માટે પ્રવર્તતી નથી.
કાળની શક્તિ માનવાની જરૂર નથી.
પૂર્વપક્ષ - અહીં કોઈ એવી બુદ્ધિ લગાવી તર્ક કરે છે કે આમાં કોઈ “ખરવિષાણ' જેવી શક્તિ કામ કરે છે, કાલની શક્તિને માનવાની જરૂર નથી. ખરવિષાણ અવસ્તુ છે માટે તેની શક્તિ અવસ્તુ થશે.
ઉત્તરપક્ષ - કેમ કે “ખરવિષાણ' કોઈ વસ્તુ નથી, અને અવસ્તુ છે માટે તેવી શક્તિ પણ અવસ્તુ થશે.