________________
૨૨૬
તત્ત્વાર્થ સૂત્ર
નામ ઉપકારાભાવ પ્રતિઘાત છે.
દા. ત. મત્સ્ય, મગર આદિની ગતિ (સ્થિતિ) પાણીમાં જ થાય છે. પાણી સિવાય બીજે થતી નથી. કારણ કે તેમની ગતિમાં પાણી મદદગાર છે. આથી પાણી સિવાય બીજે તેમની ગતિ અટકે છે. ત્યાં મદદગાર, ઉપકારમાં કારણ પાણીનો અભાવ છે તેવી રીતે લોકના છેડે ઉપકારમાં કારણ ધર્માધર્મનો અભાવ હોવાથી પરમાણુ પ્રતિઘાત પામે છે—લોકના છેડે હણાય છે. આમ ઉપકારના અભાવથી પ્રતિઘાત થાય છે માટે આ પરમાણુઓનો ઉપકારાભાવ પ્રતિઘાત કહેવાય છે.
(૩) વેગ પ્રતિઘાત...
વેગથી ટકરાવું તે વેગ પ્રતિઘાત કહેવાય છે. એક પરમાણુ, આવતા બીજા પરમાણુની સાથે વિગ્નસાથી ઉત્પન્ન થયેલ ગતિના વેગથી પ્રતિઘાત પામે છે—ટકરાય છે. કારણ કે ગતિના વેગવાળો પરમાણુ બીજા આવતા વેગવાળા પરમાણુનો પ્રતિઘાત કરે છે.
દા. ત. જેમ સ્પર્શવાળો, મૂર્ત, પ્રબલ વેગવાળો પવન બીજા પવનને પ્રતિઘાત કરે છે તેમ વેગ ગતિના પરિણામવાળો, સ્પર્શવાળો અને મૂર્તિવાળો હોવાથી પરમાણુ બીજા પરમાણુનો વેગથી પ્રતિઘાત કરે છે.
આમ અનેક યુક્તિઓથી પરમાણુના વિષયમાં પ્રતિઘાતિત્વ, અને અપ્રતિઘાતિત્વ બંને આપણે સિદ્ધ કર્યું. એટલે પરમાણુ પ્રતિઘાત પરિણામવાળો પણ છે અને અપ્રતિઘાત પરિણામવાળો પણ છે. એ વાત સિદ્ધ થઈ.
બંને રીતે સિદ્ધ થતા પ્રશ્ન થાય ક્યારે પ્રતિઘાત પરિણામવાળો હોય, ક્યારે અપ્રતિઘાત પરિણામવાળો હોય ?
પરમાણુઓમાં પ્રતિઘાત પરિણામ અને અપ્રતિઘાત પરિણામ ક્યારે હોય..?
સ્કંધરૂપ કાર્યના અનારંભક અનંતા પરમાણુઓ સંયોગથી એક આકાશપ્રદેશમાં રહેલા હોય છે. અને જ્યારે આ રીતે સંયોગથી રહેલા હોય છે ત્યારે એ પરગણુઓમાં અપ્રતિઘાત પરિણામ હોય છે અને જ્યારે સ્કંધરૂપ કાર્યનો આરંભ કરતા હોય છે ત્યારે બંધ પરિણામથી પ્રતિઘાત પરિણામવાળા હોય છે તેથી તે પરમાણુઓનો સ્કંધ થાય છે.
સંયોગ અને બંધમાં ફરક શો ?...
પ્રશ્ન :- તો પછી સંયોગ અને બંધ આ બેમાં તફાવત શું છે ? સંયોગ અને બંધમાં તફાવત...
ઉત્તર ઃ- વચમાં અંતર વગર અવયવોની પ્રાપ્તિમાત્ર સંયોગ છે અર્થાત્ અંતર વગર અવયવોનું ભેગા મળીને રહેવું તે સંયોગ કહેવાય અને પરસ્પર અંગાંગીભાવે પરિણમવું તે બંધ છે. બંધ પરિણામમાં અવયવ-અવયવીભાવ થાય છે એટલે સ્કંધ બને છે.
પ્રશ્ન :- વિરોધ બતાવવાની ઇચ્છાથી કોઈ મૂર્ખ એમ પ્રશ્ન કરે છે કે એક જ પરમાણુમાં પ્રતિઘાતીપણું અને અપ્રતિઘાતિપણું જે બંને પરસ્પર વિરુદ્ધ છે તે કેવી રીતે માની શકાય ?