________________
અધ્યાય-૫: સૂત્ર-૨૯
૨૯૫
આ રીતે અવયવવાદી બૌદ્ધ જે દ્રવ્યવાદીનું ખંડન કર્યું હતું તે પણ બરાબર નથી. કેમ કે અમારે જૈનોને તો (વન)' વિપંક્તિ આદિ પણ સંનિવેશ વિશેષ નથી કિંતુ પરમાર્થથી પુગલોના સામાન્યવિશેષ સ્વભાવવાળા ક્રમથી પ્રાપ્ત થયેલાં પરિણામો છે એવું સ્વીકારાય છે. આ વિપંક્તિ આદિ પ્રજ્ઞપ્તિને લઈને જ નથી–પ્રજ્ઞાપન માત્ર નથી પરંતુ વાસ્તવિક પુદ્ગલનાં પરિણામો છે.
આમ સ્યાદ્વાદ પ્રક્રિયાથી વિપંક્તિ આદિ સામાન્યવિશેષ સ્વભાવવાળા પુદ્ગલનાં પરિણામો જ છે એ સિદ્ધ થાય છે એટલે વસ્તુ ઉભયસ્વરૂપ છે. અમારા આ નિરૂપણથી બધા દોષો દૂર થઈ જાય છે.
હવે આપણે પર્યાયાસ્તિકને પૂછીએ છીએ કે તમે જે કહ્યું કે–“સંનિવેશવિશેષથી તંતુઓમાં પટબુદ્ધિ થાય છે.” તો ત્યાં સંનિવેશ એટલે સંસ્થાન કહો તો તે સંસ્થાન (૧) રૂપાદિથી જુદું છે કે (૨) એક છે ?
રૂપાદિથી જુદું માનવામાં “સત્ની આપત્તિ...
જો સંસ્થાન રૂપાદિથી જુદું માનવામાં આવે તો તે પરમાર્થથી સત્ થશે, અને તેથી રૂપાદિની જેમ બીજાની અપેક્ષા વગર જ ગ્રહણ થવું જોઈએ. જેમ રૂપાદિ સત છે તો બીજા દ્રવ્યાદિની અપેક્ષા રાખ્યા વગર ગ્રહણ થાય છે તેમ સંસ્થાન પણ સત્ થવાથી બીજાની અપેક્ષા વગર ગ્રહણ થવું જોઈએ. આ રીતે રૂપાદિથી સંસ્થાન જુદું માનવામાં સત્ થવાથી આપત્તિ આવે છે. સંસ્થાન “રૂપસ્પર્શમાત્ર માનવામાં પણ દોષ..
હવે જો સંસ્થાન એ રૂપાદિથી જુદું નથી–એક છે એટલે કે “રૂપસ્પર્શમાત્ર’ છે એમ કહે તો પણ દોષ આવે છે. કેમ કે સંસ્થાન તો રૂપ અને સ્પર્શ જ છે તો જેમ રૂપાદિ અને સ્પર્શ અનેક છે તેમ સંસ્થાન પણ અનેક માનવાનો પ્રસંગ આવશે.
આ રીતે સંસ્થાન એટલે “રૂપ અને સ્પર્શ જ'- રૂપસ્પર્શમાત્ર માનવાથી તો અનેક સંસ્થાન માનવા પડશે. અને આ રીતે અનિષ્ટની પ્રાપ્તિ થશે ! માટે અસમંજસતા થશે. સંસ્થાન રૂપસંનિવેશવિશેષ ન બની શકે..
ઉપર મુજબ રૂપસ્પર્શમાત્ર એટલે કે રૂપાદિથી અભિન્ન સંસ્થાન માનવામાં જે અનિષ્ટ પ્રાપ્તિ બતાવી તે સ્પષ્ટ કરે છે. તો તમે સંસ્થાન એટલે “રૂપસંનિવેશવિશેષવૃત્ત કહો તો તે પણ યુક્ત નથી. કેમ કે તે સ્પર્શેન્દ્રિયનો અવિષય છે. તેથી સ્પર્શેન્દ્રિયથી ગ્રાહ્ય નહીં થાય. જેમ રૂપ સ્પર્શેન્દ્રિયનો વિષય નહીં હોવાથી સ્પર્શેન્દ્રિયથી ગ્રાહ્ય નથી થતું તેમ રૂપસંનિવેશવિશેષ સંસ્થાન પણ સ્પર્શેન્દ્રિયથી ગ્રાહ્ય નહીં થાય !
૧. તત્ત્વાર્થ. પુસ્તકમાં તથા વનવિપક્વત્યા પાઠ છે. પરંતુ બીજી પ્રતમાં તથા ર = વિપત્યો પાઠ
છે તે બરાબર લાગે છે માટે તે પ્રમાણે અર્થ કર્યો છે. . ૨. “વૃત્ત' સંસ્થાન કહ્યું છે તેનાથી વ્યગ્ન આદિ બીજ સમજી લેવા.