________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯
૨૮૩ વસ્તુનું સત્પણું ઇચ્છનારે અર્થાત્ “આ વસ્તુ છે', “સત છે' આવું ઇચ્છતા હોય તેને બીજી વસ્તુ સાથે કોઈ પણ પ્રકારે તુલ્યતા અવશ્ય સ્વીકારવી જ જોઈશે. તે તુલ્યતા કોણ ? સામાન્ય, ધ્રૌવ્યરૂપ જે સામાન્ય છે તે જ વસ્તુમાત્રની સમાનતા છે. આ વસ્તુ છે. આ પણ વસ્તુ છે, પેલી પણ વસ્તુ છે. આમ વસ્તુનો બોધ થાય છે તેમાં રહેલ પ્રૌવ્યાંશરૂપ સામાન્ય(વસ્તુત્વ)ને લઈને થાય છે. આ પણ મનુષ્ય છે. આ પણ મનુષ્ય છે આવું જ્ઞાન કોને લઈને થાય છે? શું ઇન્દ્રિયોને લઈને ? ઇન્દ્રિયો તો કોઈને ઓછીવત્તી પણ સંભવે. વર્ણ બધાનો સમાન નથી હોતો. આકાર સમાન નથી હોતો. ઊંચાઈ સરખી નથી હોતી. તો આ બધા માનવ છે. આવું જ્ઞાન શાનાથી થાય ? આકાર, વર્ણ, ઊંચાઈ, ઇન્દ્રિયોમાં તો અસમાનતા છે. તો કહેવું જ પડશે કે કોઈ એક સમાનતા-તુલ્યતા છે જેનાથી બધા માનવ છે તે જણાય છે. તે છે દ્રૌવ્યાંશરૂપ સામાન્ય માનવતા. માનવતા બધામાં સમાન છે. આ રીતે “વસ્તુ છે' આવું જ્ઞાન તુલ્યતા–બીજી વસ્તુની સાથે સદશતા સ્વીકારવાથી જ થાય છે. માટે સામાન્યાંશ સિદ્ધ થાય છે. સામાન્યાંશ પરિકલ્પિત છે માટે તુલ્યતા બની શકે નહીં.
પૂર્વપક્ષ - કલ્પિત સામાન્યથી ભાવાંતરની ભાવાંતર સાથે તુલ્યતા રહો એમાં શો દોષ ? આ તુલ્યત્વ બુદ્ધિથી પરિકલ્પનારૂપ જ સામાન્યમાં ઘટી શકે નહિ. કેમ કે કલ્પનારૂપ શરીરવાળા સામાન્યનો વસ્તુની સાથે–પારમાર્થિક વસ્તુ સાથે સંબંધ બની શકતો નથી. એટલે દોષો કાયમના કાયમ રહે છે. એ જ વાતને સ્પષ્ટ કરે છે કે –
પરિકલ્પ એ અતાત્ત્વિક હોવા છતાં પણ તત્ત્વથી વસ્તુમાં જ તેવા પ્રકારની બુદ્ધિને પેદા કરે છે. અવસુ એવા વાજીવિષાણ આદિમાં એવા પ્રકારની બુદ્ધિને પરિકલ્પ કેમ પેદા કરતો નથી ? એમાં શું કારણ છે? અર્થાત્ કોઈ કારણ નથી. વિકલ્પ વસ્તુને લઈને જ થાય છે. ત્યારે સામાન્ય તો પરિકલ્પિત છે. એટલે અવસ્તુ છે. તત્ત્વથી વસ્તુ નથી તો સામાન્યને લઈને વિકલ્પ કેવી રીતે કેવી રીતે થાય ?
સામાન્યાંશ છે આ તો બુદ્ધિની માત્ર કલ્પના જ છે. તેમાં સમાનતાની બુદ્ધિ થાય નહિ. કારણ કે જે પરિકલ્પિત હોય છે, માત્ર કલ્પના હોય છે તેનો વસ્તુ સાથે સંબંધ હોતો નથી. માટે સામાન્યાંશ નથી. માટે ઉપર જે દોષો કહ્યા છે તે બધા કાયમના કાયમ રહે છે. એ જ વાતને સ્પષ્ટ કરે છે. કલ્પના વસ્તુમાં જ થાય છે.
કદાચ માની લો કે વાસ્તવિકતત્ત્વથી ન હોય, પરિકલ્પિત હોય તો કલ્પના પણ વસ્તુઓમાં જ તેવા પ્રકાસ્ની બુદ્ધિ પેદા કરાવે છે, અવસ્તુ એવા વાજીવિષાણ આદિમાં નથી પેદા કરાવતી તેમાં શું કારણ છે? અર્થાત્ કોઈ કારણ છે નહીં. એટલે કલ્પના પણ વસ્તુમાં જ થાય. એટલે સામાન્યાંશ વાસ્તવિક નથી, કલ્પના માત્ર છે તો તે પણ વસ્તુમાં જ થાય. વસ્તુ હોય તો જ કલ્પના થાય છે. ઘોડાના શીંગડા અવસ્તુમાં કલ્પના થતી નથી. એ કોઈ વસ્તુ જ નથી તો તેમાં કોઈ કલ્પનાબુદ્ધિ પેદા થઈ શકતી નથી. તેમાં સામાન્ય જો અવસ્તુ છે માટે તેમાં કોઈ કલ્પના જ ન થાય.